અદાણી વિરુદ્ધના હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માંગ કરતી અરજી સુપ્રીમની સુનાવણી, કેન્દ્રને સોમવાર સુધીમાં જવાબ આપવાનો આદેશ
અદાણી ગ્રૂપ વિરુદ્ધ હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માગણી કરતી અરજી પર શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે તમે ભારતીય રોકાણકારની સુરક્ષા કેવી રીતે કરશો. હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માંગ કરતી અરજી પર કેન્દ્રને સોમવાર સુધીમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે, સુપ્રીમ કોર્ટે વર્તમાન નિયમનકારી માળખા પર નાણાં મંત્રાલય, સેબી પાસેથી માહિતી પણ માંગી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે શેરબજાર સામાન્ય રીતે સેન્ટિમેન્ટ પર ચાલે છે, અમે આ કેસની યોગ્યતા પર ટિપ્પણી નથી કરી રહ્યા.
સુપ્રીમ કોર્ટે અદાણી ગ્રૂપ પર હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માંગ કરતી બે પીઆઈએલ પર સુનાવણી 13 ફેબ્રુઆરીએ નક્કી કરી છે. સુનાવણી દરમિયાન ખંડપીઠે કહ્યું કે મુશ્કેલીની વાત એ છે કે અમે ભારતીય રોકાણકારોના હિતોનું રક્ષણ કેવી રીતે કરીએ. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારડીવાલાની બેંચે સેબીનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાને તાજેતરના સપ્તાહોમાં જોવા મળેલી અચાનક અસ્થિરતાથી ભારતીય રોકાણકારોને બચાવવા માટે સંકેત આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે આ ક્ષેત્રના નિષ્ણાતોની સમિતિ અને અન્યની રચના કરવાનું સૂચન કર્યું, જેથી રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે એક મજબૂત પ્રક્રિયા અપનાવી શકાય. સોલિસિટર જનરલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર સેબી, અન્ય વૈધાનિક સંસ્થાઓ જરૂરી પગલાં લઈ રહી છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના બિઝનેસ ગ્રૂપ પર હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવા કેન્દ્રને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરી રહી છે.
હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી ગ્રૂપ સામે કપટપૂર્ણ વ્યવહારો અને શેરના ભાવમાં ચાલાકી સહિતના અનેક ગંભીર આરોપો મૂક્યા બાદ ગ્રૂપ કંપનીઓના શેરના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. અદાણી જૂથે તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે તે માહિતી જાહેર કરવા સંબંધિત તમામ કાયદા અને નીતિઓનું પાલન કરે છે.