ફ્લોરિડાના દક્ષિણ-પશ્ચિમ દરિયાકાંઠે જ્યારે ઇયાન વાવાઝોડું ત્રાટક્યું ત્યારે 241 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયા અને 24 કલાકમાં 43 સેન્ટિમિટરનો વરસાદ પડ્યો. તથા 18 ફૂટનું તોફાન સર્જાયું હતું. ફ્લોરિડાના ઇતિહાસનું આ સૌથી વધુ આર્થિક નુકસાન કરનારું વાવાઝોડું પુરવાર થયું.
પરંતુ એક ગામ એવું નીકળ્યું જે તોફાનમાં અડીખમ રહ્યું. આવું કઈ રીતે થયું?
ખરેખર વર્ષ 2022માં 28મી સપ્ટેમ્બરે ફ્લોરિડામાં કૅટેગરી 4નું તોફાન આવ્યું હતું. રાજ્યમાં 40 લાખથી વધુ લોકો અંધારપટમાં આવી ગયા હતા અને વાવાઝોડાથી ભયંકર પૂર સર્જાયું હતું.
આ બધાની વચ્ચે એક ગામ-કસબો વાવાઝોડું પાર કરી ગયું.બેબકોક રેન્ચ નામનું ગામ 18000 એકરમાં ફેલાયેલું છે અને વાવાઝોડાની આંખ ત્યાંથી પસાર થઈ હતી. આ ગામ એ રીતે બનાવાયું હતું કે તે શક્તિશાળી વાવાઝોડામાં પણ ટકી શકે.
જોકે, અમેરિકામાં ઑગસ્ટના અંતમાં ઇદલિયા વાવાઝોડું પસાર થવાનું હતું ત્યારે તે તેના સીધા માર્ગમાં નહોતું અને આ વર્ષે આ ગામે તેની ક્ષમતા પુરવાર કરવાની હતી.
વર્ષ 2023ની વાવાઝોડાની સિઝન વધુ વિનાશક રહેવાની શક્યતા વર્તાઈ છે. જે 2022 કરતા પણ વધુ શક્તિશાળી વાવાઝોડાં લાવશે.
અમેરિકાની સંસ્થા યુએસ નેશનલ ઓશેનિક ઍન્ડ ઍટમોસફેરિક એડમિનિસ્ટ્રેશને આ વર્ષની સિઝન સામાન્ય કરતાં વધુ તીવ્ર ભાખી છે. જેમાં 5 શક્તિશાળી વાવાઝોડાંની શક્યતા છે અને તે 111 માઇલ પ્રતિ કલાકની ઝડપના પવનો સાથે આવવાની આગાહી છે.
ફ્લોરિડાની ભૂગોળ એવી છે કે તેનો વિસ્તાર મેદાની છે એટલે કે અમેરિકામાં અન્ય રાજ્યો કરતાં અહીં પૂરની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે.
જોકે આમ છતાં ફ્લોરિડામાં માત્ર 18 ટકા ઘરોનો જ વીમો છે. અહીં વસ્તીવધારો પણ અતિશય થયો છે. આવતાં 50 વર્ષમાં ફ્લોરિડાની વસ્તી વધવાની આગાહી છે અને તેમાં વધુ 1.2 કરોડ લોકો ઉમેરાશે આવો અંદાજ આંકવામાં આવ્યો છે. જેથી વસ્તીગીચતા 18 ટકાથી 28 ટકાની થઈ જશે.
આને કારણે ફ્લોરિડામાં એવી વસાહતો તૈયાર કરવી જરૂરી છે જે ક્લાઇમેટ ચેન્જ સામે ટકી શકે.
અહીં વાવાઝોડાની લાંબી 6 મહિનાની સિઝન છે. બેબકોક રેન્ચ આવી પરિસ્થિતિમાં ટકી શકે એ રીતે તૈયાર કરાયું છે. આશા છે કે તે આ હેતુ પાર પાડી શકશે.
વાવાઝોડામાં પણ ટકી શકે એવું ગામ કઈ રીતે તૈયાર કર્યું?
ઇયાન વાવાઝોડું ફ્લોરિડામાં ત્રાટકે એના 5 દિવસો પહેલાં કિટસને તેમની એન્જિનિયર, કૉન્ટ્રાક્ટરોની ટીમ સાથે પ્રયાસ કર્યો કે ગામની સુરક્ષા નક્કી કરી લેવામાં આવે. તેમણે વધારાનો ખર્ચ કરીને માળખાં તૈયાર કર્યાં.
તેમણે કહ્યું, “મેં પર્યાવરણ અને હોનારતોનો સામનો કરી શકે એવા ધારાધોરણો અનુસાર યોજના બનાવી અને આ સમસ્યા સામે ટકી રહેવાય એ જ અમારો મુખ્ય હેતુ હતો.”
અસલમાં બેબકોક એક ખેતર હતું. જ્યાં તેમણે પોતાની યોજનાને આકાર આપ્યો હતો. ખેતર 2018માં ખુલ્લુ મુકાયું હતું અને તે મેનહટ્ટન ટાપુ કરતા 5 ગણું છે. તેમાં લીલુંછમ ઘાસ, ગોલ્ફકોર્સ, જંગલનો પટ્ટો અને સાઇકલનો માર્ગ પણ છે.
રહેવાસીઓ સૌરઊર્જાથી ચાલતા ગોલ્ફકાર્ટ્સ એટલે કે નાની બગીમાં આંટા મારતા, તળાવમાં કાયાકિંગ એટલે કે બોટ ચલાવતા, પક્ષીદર્શન કરતા અને સામુદાયિક પૂલમાં તરણ માટે ભેગા પણ થતા.
આ માત્ર સુંદરતા માટે તૈયાર નહોતું કરાયું. ખરેખર તળાવ એટલું મોટું હતું કે પૂર સમયે ઘરોને બચાવી શકે, વધુ પડતા વરસાદના પાણીને શોષી લેતા રોડ-રસ્તાઓ, સામુદાયિક ખંડ તોફાનના સમયે આશ્રયઘર બની શકે એવી વ્યવસ્થા કરાઈ હતી.
તથા વીજપુરવઠો ખોરવાય તો 870 એકરમાં ફેલાયેલી સોલર પૅનલથી આખા ગામને વીજળી પૂરી પાડી શકાય એવી ગોઠવણ હતી. આ અમેરિકાનું પહેલું સૌરઊર્જા સંચાલિત ગામ બન્યું.