ડબલ્યુએચઓ હવે માઈક્રોસોફટ, ફેસબૂક સહિતના સાથે હેકેથોન યોજાશે
વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ફેલાઈ ચૂકી છે. લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યાં છે. આવી સ્થિતિમાં લોકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફેસબુક અને માઈક્રોસોફટ સહિતની મોટી કંપનીઓ સાથે કોરોના વાયરસને લઈ હેકેથોન યોજવાની તૈયારી કરી છે. જેમાં ટ્વીટર, વી-ચેટ, ટીકટોક, પેઈન્ટરેસ્ટ અને સ્લેકર સહિતની કંપનીઓ પણ ભાગ લેશે.
કોરોના વાયરસ કારણે વિશ્વમાં અનેક લોકોની સોશ્યલ એક્ટિવીટીને ગંભીર ફટકો પડ્યો છે. આવા સંજોગોમાં લોકોની એક્ટિવીટીને લઈ સોફટવેર સહિતની ટેકનોલોજીનું નિર્માણ કરવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કવાયત હાથ ધરાઈ છે. જેમાં માઈક્રોસોફટ અને ફેસબુક જેવા ધુરંધરો પણ સામેલ છે. વર્તમાન સમયે હેકેથોનને લઈ પોર્ટલનું નિર્માણ કરાયું છે. જેમાં ટેકનોલોજી દ્વારા કોરોનાની મહામારીના સમયમાં લોકોને કઈ રીતે રાહત મળે તે સુનિશ્ર્ચીત કરવામાં આવશે. તાજેતરમાં ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે, હેકેથોન દરમિયાન ફેસબુક રક્તદાન અને ક્રાઈસીસ રિસ્પોન્સ સહિતની સુવિધાઓ ટેકનોલોજી દ્વારા લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરશે. આ સુવિધાઓને લઈ કેટલાક આઈડીયા લોકો દ્વારા અમને પહોંચાડાશે તેવી મને આશા છે.
કોરોના વાયરસ જેવી મહામારીના કારણે વિશ્વના અનેક પરિવારો પર જોખમ ઉભુ થયું છે. આગામી સમયમાં કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં નહીં આવે તો લાખો લોકોના મોત નિપજી જશે તેવી દહેશત વિશ્વ આરોગ્ય સંસ્થા વ્યકત કરી ચૂકી છે. કોરોના વાયરસના કપરા સંજોગોમાં લોકો સુધી યોગ્ય સમયે યોગ્ય વસ્તુઓ પહોંચાડવી જરૂરી બની જાય છે. જેથી વિશ્વની મોટી કંપનીઓ સાથે મળીને વિશ્વ આરોગ્ય સંસ્થા કામ કરી રહી છે. વિશ્વભરના ધનવાનો કોરોના વાયરસના મહામારીથી થયેલા નુકશાનથી લોકોને રાહત મળે તેવા હેતુથી દાન કરી રહ્યાં છે. કપરા સમયમાં સૌ સાથે મળી કામ કરતા હોવાનું સામે આવ્યું છે.