- વેકેશનનો સમય બાળક સાથે લાગણીથી જોડાવા માટેનો બેસ્ટ સમય
- હાથમાં મોબાઈલનું સ્થાન પુસ્તકને મળે તેવા પ્રયત્નો કરો
ઓફબીટ ન્યુઝ : હાલ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે નાનાં – મોટાં બધા જ વેકેશનને માણી રહ્યા છે. સાથો સાથ હિટવેવ પણ ચાલી રહી છે એટલે મોટાભાગના લોકો ઘરમાં જ રહીને વેકેશન વિતાવી રહ્યા છે. એક શિક્ષક તરીકે ચગ વૈશાલીબેન પ્રકાશભાઈ કહે છે કે વાલીઓને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે વેકેશનમાં તમારા બાળકોને શું આપી રહ્યા છો ? મોબાઈલ કે મોજ મસ્તી? જે તમે કરી હતી તમારા વેકેશનના દિવસોમાં ?
અત્યારે મોટાભાગના વાલીઓની એક જ ફરિયાદ હોય છે કે મારું બાળક સતત મોબાઇલ લઈને જ બેસી રહે છે. તે મોબાઈલ મુકવા તૈયાર નથી. પરંતુ શું તમે તમારા બાળકના હાથમાંથી મોબાઇલ તે પોતાની મરજીથી મૂકે એવા પ્રયત્નો કર્યા છે ? શું તમે ક્યારેય તેની બાજુમાં બેસી તેની સાથે તેની પસંદ / નાપસંદ, તેના મિત્રો વિશે વાત કરી છે ? શું તમે ક્યારેય તમારા બાળક સાથે દેશી રમતો, પત્તાની રમતો રમી છે ? જો આ બધા જ પ્રશ્નોના જવાબો ‘ ના ‘ હોય તો આ લેખ તમારા માટે જ છે.
વેકેશનનો સમય આપણા બાળક સાથે લાગણીથી જોડાવા માટેનો બેસ્ટ સમય છે. તમે તમારા બાળક સાથે નવરાશના સમયમાં તેમના મિત્રો વિશે વાતો કરો – જેને તેઓ હાલ રજાના દિવસમાં મળી નથી શકતા. તેનાથી બાળકને પણ મજા આવશે. આ કાર્ય તમે તમારા રોજિંદા કામો કરતાં – કરતાં પણ કરી શકો છો. આ ઉપરાંત બાળક સાથે તેના ગમા – અણગમા વિશે વાતો કરી તમે તેની સાથે વધારે સારા સંબંધો ક્રિએટ કરી શકો છો. આ ઉપરાંત વેકેશન છે તો બાળકોને સારા એવા મોટીવેશનલ ફિલ્મો બતાવો. જેમ કે, આઈ એમ કલામ, 12 ફેલ, ગાંધી, ચક દે ઇન્ડિયા, લગાન, દંગલ, નીરજા, મેરી કોમ, એમ એસ ધોની, હિચકી, 3 idiots, નાચ લકી નાચ, હિન્દી મીડિયમ, ડીયર જિંદગી, ખો ખો, ગુટલી. આવી બધી ફિલ્મો જોઈ તેના વિશે પણ તમે બાળકો સાથે ચર્ચા કરી શકો છો.
હવે જ્યારે તમે તમારા કામમાંથી ફ્રી થાવ ત્યારે તમે બાળક સાથે તાસના પત્તાની વિવિધ રમતો રમી શકો છો. કેરમ, સાપસીડી, લુડો, ઇસ્ટો જેવી દેશી રમતો ઘરમાં રહીને રમી શકો છો. સાથે સાથે તેમને વાર્તા કહો, તેમની સાથે તમારા વેકેશનના દિવસોને વાગોળીને તમારા બાળકો સાથે શેર કરી શકો છો.
સાંજના સમયે બાળક સાથે ઘરની બહાર જઈને સંતાકૂકડી, સાત તાળી, બેડમિન્ટન, ક્રિકેટ, નારગોલ, ફૂટબોલ, ગીલ્લી દંડો, ચોર પોલીસ જેવી શેરી રમતો રમી બાળકોના શારીરિક વિકાસ સાધવાની સાથે તમારો બાળક સાથેનો સંબંધ પણ સુધારી શકો છો.
બાળકમાં લાઈફ સ્કિલ ડેવલપમેન્ટ માટે વિવિધ પ્રકારના ક્લાસ કરાવી શકાય. જેમ કે, સ્વિમિંગ, કૂકિંગ, ટ્રેકિંગ કરવા જવું ,ડ્રોઈંગ , ડાન્સિંગ, વગેરે. આ ઉપરાંત તમે બાળકને વેકેશનમાં નાની એવી ટ્રીપ કરાવી શકો છો. પ્રાણી સંગ્રહાલય લઈ જઈ શકાય, તેમને બહાર પ્રાકૃતિક વાતાવરણમાં લઈ જઈ તેને પ્રકૃતિની ઓળખ કરાવો. જેમ કે, તેમને દરિયા કિનારે, નદી કિનારે, વાડીમાં, ગામડામાં કે કોઈ સનસેટ પોઇન્ટ પર લઈ જઈ શકો છો. સાથે સાથે ભવિષ્યમાં લોકોને હીટ વેવથી બચાવવાના ઉપાય તરીકે તમારા બાળકને વૃક્ષારોપણનું મહત્વ સમજાવી તેમની પાસે એકાદો છોડ ઉગાવડાવો, તેમને પાણી પાતા શીખવાડો, તેનો ઉછેર તથા માવજત કરતા શીખવો. ખરેખર, બાળકને તેમાં ખૂબ જ મજા આવશે. તે પોતાના છોડનું મિત્રની જેમ જતન કરશે.
આ સિવાય બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસરૂચી જળવાઈ રહે, તે હેતુથી તેમને વાર્તાની ચોપડીઓ વાંચવા માટે આપો. જો તમારું બાળક ટીનેજર છે, તો તેને એડવેન્ચર સ્ટોરીઓ આપો. અથવા તેને જે પણ વિષયમાં રસ રુચિ છે તે વાંચવા આપો. ગમે તેમ કરીને તેના હાથમાં મોબાઈલનું સ્થાન પુસ્તકને મળે તેવા પ્રયત્નો કરવા. પણ યાદ રહે, આ બધું બળજબરીથી નહીં પણ પ્રેમથી કરવાની છે. આ દરેક કાર્ય બાળક પાસે કરાવવા માટે સૌથી પહેલી શરત એ છે કે તમારે પણ મોબાઈલથી દૂર રહેવાનું છે તમારા હાથમાં પણ મોબાઈલને બદલે પુસ્તક હોવું જોઈએ શું તમે તે કરી શકશો? જો ‘હા ‘, તો હું ખાતરીપૂર્વક કહું છું કે તમે તમારા બાળકના હાથમાંથી મોબાઇલ જરૂર મુકાવી શકશો…!