ફાઈવ સ્ટાર સુવિધાવાળા બાલાકોટ આતંકી કેમ્પનો સફાયો કરતી ભારતીય વાયુ સેના
નાપાક પાકિસ્તાનના સીઝફાયરનો જોરદાર જવાબ આપતી ભારતીય સેના
૧૯૭૧ના યુદ્ધ પછી પ્રથમ વાર એર સ્ટ્રાઈક માટે મિરાજ-૨૦૦૦ યુદ્ધ વિમાનો વપરાયા
પુલવામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારત દેશે વળતો જવાબ આપતા ભારતીય વાયુદળે પીઓકે પાર એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં ૩૦૦ જેટલા આતંકીઓનો ખાત્મો પણ બોલાવ્યો હતો. વાત કરવામાં આવે તો આ એર સ્ટ્રાઈકમાં પીઓકે પાર ૧૩ આતંકી કેમ્પો આવેલા હતા.
જેમાંથી એર સ્ટ્રાઈક દરમિયાન ૩ મહત્વપૂર્ણ આતંકી કેમ્પોનો સફાયો કરવામાં આવ્યો હતો. ત્યારે એક વાતની પુષ્ટી કરવામાં આવી છે કે, કોઈપણ પ્રકારનો જવાબ દેવા ભારતીય સૈન્ય સુસજ્જ છે અને કોઈપણ આચ દેશ ઉપર આવશે તેનો વળતો જવાબ આપવા પણ ભારતીય સૈન્ય અને ભારત દેશ પૂર્ણપથી કટીબદ્ધ છે. ત્યારે એર સ્ટ્રાઈક બાદ કહી શકાય કે, પાકિસ્તાનનો ઘાટ એવો થયો છે.
જેમાં કહેવાય કે ‘ચોરની માં ઘંટીમાં માથુ નાખીને રોવે’ કારણ કે, પાકિસ્તાન કે જે આતંકીઓને પ્રોત્સાહિત કરી રહ્યું હતું તે પણ હવે નહીં કહી શકે કે તેમના આતંકીઓને મારવામાં આવ્યા છે અને જો આ પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવે તો સમગ્ર વિશ્વનો રોષ સહન કરવો પડે તેવી સ્થિતિ ઉદભવીત થઈ શકે તેમ છે. ત્યારે ભારતે પાક.ને તમામ મોરચે એટલે કે કુટનીતિના મોરચે અને બોર્ડર મોરચે પાક.ને માત આપી છે જે મહત્વપૂર્ણ બાબત કહી શકાય.
એર સ્ટ્રાઈકનું પ્લાનીંગ કેવી રીતે કરવામાં આવ્યું ?
પુલવામાં થયેલા આત્મઘાતી હુમલાના બીજા જ દિવસે કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસ સ્થાન ઉપર અનેક વિધ સીસીએસની બેઠકો બોલાવવામાં આવી હતી.
જેમાં રક્ષા મંત્રાલય, ઈન્ટેલીજન્સ બ્યુરો, એટીએસ સહિતની અનેક વિધ સંસ્થાઓ સહભાગી થઈ અને આતંકીઓને વળતો જવાબ કઈ રીતે આપવો તે માટેની તમામ તૈયારીઓ કરવામાં આવી હતી. ત્યારે આઈબીના ઈન્પુટના આધારે સૌપ્રથમ કયાં વિસ્તારોને ટાર્ગેટ કરવા તે અંગેની માહિતીઓ પ્રાપ્ત કરી ટાર્ગેટ નકકી કરવામાં આવ્યા હતા. ત્યારે આત્મઘાતી હુમલાનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ તેની જવાબદારી લીધી હતી અને વહેલી સવારના ૩:૩૦ વાગ્યે એર સ્ટ્રાઈક કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો.
ત્યારે વાત કરવામાં આવે તો ભૂતપૂર્વ સર્જીકલ સ્ટ્રાઈકમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખી રાત જાગી સમગ્ર કાર્યવાહી ઉપર દેખરેખ રાખી હતી. એવી જ રીતે આ એર સ્ટ્રાઈક ઉપર તેણે મીનીટ ટુ મીનીટ કાર્યક્રમ વિશે માહિતગાર હતા. વાત કરવામાં આવે એર સ્ટ્રાઈકની તો આ એરસ્ટ્રાઈકમાં મિરાજ-૨૦૦૦નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
જેમાં ૧૦૦૦ કિલોના ૧૨ બોમ્બ કે જે લેઝર ગાડેડ ટેકનોલોજીથી સુસજ્જ હતા તેનો ઉપયોગ કરી આતંકી કેમ્પોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. વાત કરવામાં આવે તો મિરાજ-૨૦૦૦ યુદ્ધ વિમાનો એન્ટી રડારથી બનેલા હતા કે જેઓ કોઈપણ રડારમાં પકડી ન શકાય એટલે કહી શકાય કે જે એર સ્ટ્રાઈક કરવામાં આવી તે પૂર્ણ: પ્લાનીંગમાં કરવામાં આવી હતી અને તેનો લાભ ખરા અર્થમાં ભારત દેશને મળ્યો છે.
ભારતે પાક.ને તમામ મોરચે મ્હાત કર્યુ
પુલવામાં થયેલા આત્મઘાતી હુમલા બાદ ભારતે જયારે એર સ્ટ્રાઈક મારફતે પાક.ને વળતો જવાબ આપ્યો તે દરમિયાન જાણે પાક. ખુબજ ગભરાય ગયું હતું તેવો માહોલ જોવા મળી રહ્યો હતો. કારણ કે, તેમના પ્રતિનિધિઓ એવા બફાટો કરતા નજરે ચડયા હતા કે તેઓને એ પણ ખબર રહી ન હતી કે તેઓ શું બોલી રહ્યાં છે. એટલે કયાંકને કયાંક કહી શકાય કે ભારતે પાકિસ્તાનને કુટનીતિ અને બોર્ડર પાર માત આપી છે જેનું કારણ એ છે કે, પાકિસ્તાન હવે એવું પણ બોલવા સક્ષમ રહ્યું નથી કે, ભારત દેશે પાકિસ્તાનમાં રહેતા અને પાકિસ્તાન દ્વારા પોષાતા આતંકીઓનો ખાત્મો બોલાવ્યો છે અને જો પાકિસ્તાન દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવે તો વિશ્વ આખુ તેના વિરુધ્ધ કાર્યવાહી કરી શકે તેમ છે.
જે અન્વયે ભારતીય સરકારના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એર સ્ટ્રાઈક બાદ યુએસ, રશીયા, ચીન સહિતના દેશો સાથે વાત કરી હતી જેમાં આ તમામ દેશોનું ભારતને સમર્થન પણ મળ્યું હતું. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે જો પાકિસ્તાન ભારત સામે કોઈપણ આતંકી ગતિવિધિ કરી ભારતને નુકશાની પહોંચાડશે તો તેનો રોષ જાણે યુદ્ધમાં પાંતરીત થશે તેવું સામે આવી રહ્યું છે અને જો ભારત-પાક. વચ્ચે યુદ્ધ થાય તો પાકિસ્તાન યુદ્ધ કરવા કોઈપણ રીતે સક્ષમ નથી કારણ કે, યુદ્ધ માટેનું જે ભંડોળ દેશ પાસે હોવું જોઈએ તેટલુ ભંડોળ હાલ પાકિસ્તાન પાસે નથી એટલે વાત સ્પષ્ટ છે કે પાકિસ્તાન કોઈપણ ભોગે ભારત સાથે યુદ્ધ કરશે નહીં.
ત્યારે પાકિસ્તાનનો સ્લીપર સેલ દરેક રાજયો અને શહેરોમાં છે તો કયાંકને કયાંક સ્લીપર સેલ મારફતે ભારતમાં હુમલો અને નાગરિકોને નુકશાન પહોંચાડે તેવું પણ લાગી રહ્યું છે પરંતુ તે પહેલા જ સરકાર દ્વારા મહત્વપૂર્ણ રાજયો જેવા કે, ગુજરાત, હરિયાણા, પંજાબ જેવા રાજયોને હાઈ એલર્ટ ઘોષીત કરી દીધા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે જેથી કોઈપણ પ્રકારની આતંકી પ્રવૃતિ ન થઈ શકે.
૨૬/૧૧ના હુમલા બાદ વાયુ સેનાએ તૈયારી દેખાડી હતી
ભારતીય વાયુ સેનાએ મંગળવારે પાકિસ્તાનમાં ઘુસી એર સ્ટ્રાઈક કરી આતંકી સંગઠન જૈસ એ મહમદના આતંકીઓના ઠેકાણાઓને નેસ્તનાબુદ કરી દીધા હતા. ત્યારબાદ આર્મીના તમામ અધિકારીઓએ તમામ જવાનો કે જે એર સ્ટ્રાઈકમાં સંમેલીત થયા હતા તેઓ તમામને તેમની બહાદુરીના વખાણ પણ કર્યા હતા.
ત્યારે વાયુ સેનાના રીટાયર્ડ ગ્રુપ કેપ્ટને પણ જવાનને વધાવતા કહ્યું હતું કે, ૨૬/૧૧ના મુંબઈ હુમલા બાદ આ પ્રકારની એર સ્ટ્રાઈક કરવાની યોજના બનાવવામાં આવી હતી. પરંતુ ત્યારે કેન્દ્ર સરકારે આ અંગેની મંજૂરી આપી ન હતી. ત્યારે ૨૬/૧૧ના હુમલાને ૧૦ વર્ષ પૂર્ણ થયા બાદ આ પ્રકારની જે એર સ્ટ્રાઈક કરવામાં આવી છે તે પણ અતિ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક માનવામાં આવી રહી છે.
ભારતમાં થયેલા આત્મઘાતી હુમલામાં પાક.ના કબજાગ્રસ્ત કાશ્મીરમાં ચાલતા આતંકી કેમ્પને ખતમ કરવા વાયુદળના મિરાજ-૨૦૦૦ અને સુખોઈ-૩૦ પાક.માં મુઝફરાબાદમાં હુમલા કરી આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. એ જ રીતે ૨૬/૧૧ના મુંબઈ હુમલા બાદ એક દાયકા પહેલા આતંકીઓ પર સર્જીકલ સ્ટ્રાઈક માટે ફાઈટર જેટ વિમાનો તૈયાર કર્યા હતા પરંતુ વાયુસેનાનો આ વિચાર સરકારની મંજૂરી વગર પડતો મુકવામાં આવ્યો હતો અને દુશ્મનો પર પ્રહાર કરવાની યોજનાને સૈન્ય દ્વારા પડતી મુકી દેવી પડી હતી. કારણ કે તૈયારી કરવા છતાં પણ તેનો અમલ શકય બન્યો ન હતો.
શું છે બાલાકોટ ? શા માટે જરૂરી હતો બાલાકોટ કેમ્પનો સફાયો
બાલાકોટ કેમ્પ વિશે વાત કરવામાં આવે તો તે ફાઈવ સ્ટાર કેમ્પ માનવામાં આવી રહ્યો હતો. આ બાલાકોટનો કેમ્પ એક સાથે ૭૦૦ આતંકીઓને ટ્રેનીંગ આપી શકે તેવો વિશાળ કેમ્પ પર્વતમાળાઓ વચ્ચે બનાવવામાં આવ્યો હતો. પાક. ઓકયુપાઈડ કાશ્મીર એટલે કે પીઓકેમાં ૧૩ આતંકી કેમ્પો આવેલા છે જેમાંના ૩ મહત્વપૂર્ણ કેમ્પો ઉપર ભારતીય વાયુસેનાએ એર સ્ટ્રાઈક કરી તમામ કેમ્પોને નેસ્તનાબુદ કરી દીધા હતા.
ભારતની ઐતિહાસિક સર્જીકલ સ્ટ્રાઈકમાં ગઈકાલે સાફ કરી દેવાયેલા બાલાકોટ આતંકી કેમ્પ ફાઈવ સ્ટાર રિસોર્ટ જેવા પહાડો વચ્ચે જંગલમાં ચાલતુ હતું. પુલવામાં હુમલા બાદ ભારતની લશ્કરી કાર્યવાહીની સંભાવનાથી ફફડી ઉઠેલા પાકિસ્તાનને સરહદના વિસ્તારોમાંથી આતંકવાદી ઉચાળા ભરીને આતંકીઓને બાલાકોટના આ વિસ્તાર રિસોર્ટમાં ફેરવી લીધા હતા. ભારતને સર્જીકલ સ્ટ્રાઈકમાં ઓછામાં ઓછા સાડા ત્રણસો આતંકીઓનો ખાતમો બોલાવ્યો હતો.
પીઓકેથી ૮૫ કિલોમીટર દૂર બાલાકોટના આ કેમ્પમાં આતંકીઓને અદ્યતન સુવિધા સાથે રાખવામાં આવ્યા હતા. બાલાકોટ કેમ્પમાં ૩૨૫ આતંકીઓને તાલીમ આપવા ૨૫ થી ૨૭ ટ્રેનરો રાખવામાં આવ્યા હતા. ગઈકાલે હુમલો થયો ત્યારે આતંકીઓ ગાઢ નિંદ્રામાં પડયા હતા. પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં મોટા હુમલાની તૈયારીની માહિતી ભારતને મળી હતી.
સાથે-સાથે ભારતીય સેનાની કાર્યવાહીના પગલે આતંકીઓને બાલાકોટ ફેરવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બાલાકોટ કેમ્પમાં ૫૦૦ થી ૭૦૦ લોકો સ્વીમીંગ પુલ સહિતની લકઝરી સુવિધા ધરાવતા રીસોર્ટમાં રસોયા, સફાઈ કર્મચારી સહિતની વ્યવસ્થાઓ વચ્ચે રાખવામાં આવી હતી. કેમ્પ વિશે વિશેષ વાત કરવામાં આવે તો આતંકી કેમ્પમાં યુવાનોને ફીદાયીન બનાવવાની અને ૮ મહિના કે ૧ વર્ષની ટ્રેનીંગ આપી આત્મઘાતી હુમલા માટે તાલીમબદ્ધ કરતા હોવાના પણ પુરાવા મળ્યા હતા.
જેમાં આતંકીઓ દ્વારા પસંદ કરાયેલા યુવાનોને ૧૫ દિવસની તાલીમમાં તેમની ધાર્મિક શિક્ષણ આપી તેમનું બ્રેઈન વોશ કરવાની તાલીમ પણ આપવામાં આવતી હતી. જયારે તેમની દિનચર્યા વિશે વાત કરવામાં આવે તો તાલીમાર્થીઓને બે વિભાગમાં અને પેટા વિભાગમાં વેંચી નાખવામાં આવતા હતા.
જેમાં દરેકને વાયફાય સહિત અનેક વિષયોનો અભ્યાસ કરાવી અલગ અલગ દિશાઓમાં મોકલી દેવામાં આવતા હતા. જેમાં વહેલી સવારે ત્રણ વાગ્યે નમાઝથી શરૂ થતી દિનચર્યામાં ૫ વાગ્યે પરેડ, ૬ થી ૭:૩૦ વાગ્યા સુધી નાસ્તો, ૮:૩૦ વાગ્યે હથીયારો અંગેનું પ્રશિક્ષણ, ૧૨:૩૦ વાગ્યે બપોરનો જમણ અને ૧:૩૦ વાગ્યે નમાઝ અદા કર્યા બાદ ૪:૦૦ વાગ્યા સુધીનો આરામ આપવામાં આવતો હતો. ત્યારબાદ ૪ થી ૫ રમત-ગમત, ૫ થી ૮ ઈબાદત અને ૮:૩૦ થી ૯ રાત્રીનું ભોજન ત્યારબાદ જીપીએસ મેપ રીડીંગ, બોમ્બ બનાવવા અને ઈન્ટરનેટની તાલીમ પણ આપવામાં આવતી હોવાનું ખુલ્યું છે.