પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા રવિવારે ‘મન કી બાત 2.0’ કાર્યક્રમના 18 મી આવૃત્તિમાં દેવી અન્નપૂર્ણાની પ્રતિમા વિશે વાત કરતાં કહ્યું કે ‘દેવી અન્નપૂર્ણાની મૂર્તિ અંદાજિત 100 વર્ષ પહેલાં 1913ની આસપાસ વારાણસીના એક મંદિરમાંથી ચોરી કરીને દેશની બહાર મોકલી દેવામાં આવી હતી. આ મૂર્તિ હવે કેનાડાથી પરત લાવવામાં આવી રહી છે.’ આ સ્ટોરીના માધ્યમથી, અમે તમને જણાવીશું કે આ પ્રતિમાને કેનેડામાં ક્યાં રાખવામાં આવી હતી તેમજ ભારતીય ઉચ્ચ કમિશનએ શું પ્રયત્નો કર્યા જેના કારણે આ પ્રતિમા હવે દેશમાં પરત આવી રહી છે અને કેનેડિયન નિષ્ણાંતોએ મૂર્તિને હિન્દુ દેવી અન્નપૂર્ણા તરીકે કેવી રીતે ઓળખાવી છે.

ભારતીય વિદેશ મંત્રાલય પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર દેવી અન્નપૂર્ણાની પ્રતિમા અંદાજિત 900 વર્ષ પ્રાચીન છે. જેને એક સદી પહેલાં ચોરી કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચી દેવામાં આવી હતી. ઘણા સમયથી આ મૂર્તિ કેનેડાના મૈકેંજી આર્ટ ગેલેરી દ્વારા સંચાલિત વિશ્વ વિદ્યાલયને પ્રાપ્ત થઈ, ત્યારથી આ મૂર્તિ ત્યાં રાખવામાં આવી છે. અત્યારે વિશ્વ વિદ્યાલયને જાણવા મળ્યું તે મુજબ મૂર્તિને ખોટી રીતે પ્રાપ્ત કરવામાં આવી હતી, જે નૈતિકતાના સિધ્ધાંતોની અનુરૂપ નથી, જેના કારણે વિશ્વ વિદ્યાલયના અધિકારીઓએ ભારતના સાંસ્કૃતિક ખજાનાને પરત કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો.

ભારતીય હાઈ કમિશને મૂર્તિને પરત લાવવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવ્યા

વિશ્વ વિદ્યાલયના અધિકારીઓએ જ્યારે મૂર્તિ વિશે કેનેડા સ્થિત ભારતીય ઉચ્ચ કમિશનનો સંપર્ક કર્યો ત્યારે ત્યાંના અધિકારીઓએ ખુશી જાહેર કરીને મૂર્તિને ભારત પરત લાવવા માટે ઝડપી પ્રયાસો આદર્યા. ત્યારબાદ 19 નવેમ્બરના દિવસે વર્ચ્યુઅલ કાર્યક્રમમાં રેજિના વિશ્વવિદ્યાલયના કુલપતિ ડૉ. થૉમસ ચેસે દેવી અન્નપૂર્ણાની મૂર્તિ ભારતને સોંપી. ત્યારબાદ, એવી અપેક્ષા છે કે ખૂબ જ ટૂંક સમયમાં આ પ્રતિમા ભારત આવશે.

આ રીતે થઈ મૂર્તિની ઓળખ

આ વિશે પીબૉડી એસેક્સ સંગ્રહાલયમાં ભારતીય અને દક્ષિણ એશિયાના કલાના ડાયરેક્ટર ડૉ. સિદ્ધાર્થ વી. શાહે કહ્યું કે, જ્યારે તેમણે મૂર્તિને નિહાળી ત્યારે તેમને લાગ્યું કે આ મૂર્તિ દેવી અન્નપૂર્ણાની છે કારણકે તેના એક હાથમાં ખીર અને બીજા હાથમાં ચમચી હતી, જે હિંદુ દેવી અન્નપૂર્ણા માતાની ઓળખ છે. જેને કાશીની રાણી અને ભોજનની દેવી તરીકે ઓળખવામાં આવે છે.

શું કહે છે ભારતીય ઉચ્ચ કમિશન

ભારતીય ઉચ્ચ કમિશનના અજય બિસારિયાએ રેજિના વિશ્વ વિદ્યાલયનો આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે “હું ભારતની સાંસ્કૃતિક ધરોહરને પરત લાવવાની સક્રિયતાને લઈને રેજિના વિશ્વ વિદ્યાલયનો આભાર વ્યક્ત કરું છું. આવા સાંસ્કૃતિક ખજાનો સ્વૈચ્છિક રીતે પરત આપવાનું પગલું ભારત-કેનેડા સંબંધોની મજબૂતાઈ દર્શાવે છે.”

વિશ્વ વિદ્યાલયના કુલપતિએ શું કહ્યું

આ સંબંધમાં રેજિના વિશ્વ વિદ્યાલયના કુલપતિ ડૉ. થૉમસ ચેસનું કહેવું છે કે, “દેવી અન્નપૂર્ણાની મૂર્તિને પરત કરીને અમે 100 વર્ષ જૂની ભૂલને સાચી ના કરી શકીએ, પરંતુ આજે તે એક યોગ્ય અને મહત્વપૂર્ણ કાર્ય છે. ”

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.