પ્રથમવાર સ્ટેશન પર મુસાફરોએ ટ્રેનને 5 કલાક સુધી રોકી રાખવાની ઘટના આવી સામે
અબતક, અમદાવાદ
રેલવેની મુસાફરી સ્વાસ્થ્ય માટે કેટલી સલામત છે તેવો સવાલ ઉઠ્યો છે. હાલ સોશ્યલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રેનને પાલનપુર સ્ટેશન પર 5 કલાક સુધી રોકી દેવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિની તબિયત બગડતા તેને તબીબી સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો પરંતુ તેનું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકની પત્નીને એકલા છોડીને મુસાફરો ટ્રેનને આગળ નહીં વધવા દ્યે તેવી માંગ સાથે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ત્યારે અમુક મુસાફરોનું એવું કહેવું હતું કે, ચાલુ ટ્રેને અથવા સ્ટેશન પર જ સારવાર મળી હોત તો કદાચ વ્યક્તિનો બચાવ કરી લેવાયો હોત.
1 હજારથી વધુ મુસાફરો સાથેની એક ટ્રેનને બુધવારે પાલનપુર જંકશન પર પાંચ કલાક માટે રોકવાની ફરજ પડી હતી. જ્યારે મુંબઈ જનારા મુસાફરનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું અને પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું હતું ત્યારે તેના સાથી મુસાફરોઓએ તેની પત્નીને ત્યાં છોડવાનો ઇનકાર કર્યો હતો. જોકે મહિલા અને મૃતદેહને અન્ય વાહનમાં તેમના ગંતવ્ય મુંબઈ મોકલવાનું વચન આપ્યું હતું તેમ છતાં મૃતદેહને ઓનબોર્ડ પર મૂકવામાં આવ્યા પછી જ સૂર્યનગરી એક્સપ્રેસને આગળ જવા દેવામાં આવી હતી.
રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રથમ વખત બન્યું છે કે, જ્યારે કોઈ સ્ટેશન પર કોઈ ટ્રેન રોકી દેવામાં આવી હોય. પાલનપુર જંકશનના સ્ટેશન મેનેજર દિનેશ રાઠોડે મૃતકની ઓળખ બોરીવલીના 55 વર્ષીય નરેન્દ્ર જૈન તરીકે કરી હતી. તે અને તેની પત્ની પદ્મા જૈન આબુ રોડ જંક્શનથી ટ્રેનમાં ચડ્યા હતા.તેમની પાસે ક્ધફર્મ ટિકિટ નહોતી. તેમના પીએનઆર નંબર મુજબ તેઓ વેઇટિંગ લિસ્ટમાં 6 અને 7માં ક્રમાંકે હતા. જો કે તેઓ તેમના ગ્રુપના અન્ય સભ્યો સાથે મુસાફરી કરી રહ્યા હતા, ત્યારે દંપતી તેમની સાથે સ્લીપર કોચમાં બેઠા હતા તેવું રાઠોડે કહ્યું હતું. ટ્રેન આબુથી નીકળી ગયા પછી એકાએક નરેન્દ્રને છાતીમાં દુખાવો અને અસ્વસ્થતાની ફરિયાદ થવા લાગી. જે બાદ તેને ઉલ્ટી થવા લાગી અને તેના સાથી મુસાફરોએ તેની બગડતી તબિયત વિશે ટીટીઇને જાણ કરી હતી.
ટીટીઈએ પાલનપુર સ્ટેશન મેનેજરને જાણ કરી હતી જેમણે 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. જ્યારે ટ્રેન બુધવારે સવારે 1.04 વાગ્યે પાલનપુર જંકશન પર પહોંચી ત્યારે નરેન્દ્રને 108 એમ્બ્યુલન્સમાં તબીબો દ્વારા તપાસવામાં આવ્યો હતો અને પછી તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેને 1.25 વાગ્યે ડોક્ટરોએ મૃત જાહેર કર્યો હતો.રાઠોડે કહ્યું, અમે દંપતીનો સામાન ઉતાર્યો અને ટ્રેનને ગ્રીન સિગ્નલ આપવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક મુસાફરોએ હોબાળો મચાવ્યો અને કહ્યું કે તેઓ એકલી મહિલાને પાલનપુરમાં એકલા નહીં છોડે.લગભગ 200 મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતર્યા અને સ્ટેશન માસ્તરનો ઘેરાવ કર્યો. તેઓએ કોમ્પ્યુટરના વાયરો પણ કાઢી નાખ્યા હતા જેના કારણે સંદેશાવ્યવહારમાં વિક્ષેપ પડ્યો હતો અને ટ્રેનને રોકવી પડી હતી. રાઠોડે જણાવ્યું હતું કે, અમે તેમને કહ્યું હતું કે અમે નરેન્દ્રના મૃતદેહ સાથે અન્ય કોઈ વાહનમાં મહિલાને મોકલી દેવાની વ્યવસ્થા કરવા અંગે વચન આપ્યું હતું પરંતુ સાથી મુસાફરોએ સાંભળવાનો ઇનકાર કર્યો અને ટ્રેનને સ્ટેશનથી ઉપડતી અટકાવી દીધી હતી.
મુસાફરોના આગ્રહ પર રેલવે વિભાગે તાત્કાલિક પોસ્ટમોર્ટમ કરાવવાની વ્યવસ્થા કરી હતી. રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ બાદ સવારે 5.15 વાગ્યે મૃતદેહને સોંપવામાં આવ્યો હતો. મહિલાને સ્લીપર કોચમાં બર્થ આપવામાં આવી હતી અને મૃતદેહને ખાસ લગેજ વિભાગમાં બોરીવલી મોકલવામાં આવ્યો હતો.પશ્ચિમ રેલ્વે અમદાવાદ વિભાગે પાલનપુર જંકશન સ્ટેશન મેનેજર પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો છે કારણ કે એક સ્ટેશન પર ટ્રેન પાંચ કલાક મોડી પડી હતી. તે બુધવારે સાંજે 4 વાગ્યાની આસપાસ બાંદ્રા પહોંચી, જે લગભગ 11 કલાક વિલંબિત છે. ગુરુવારે રેલવે અધિકારીઓ સમક્ષ મુસાફરોનો હંગામો મચાવવાનો વીડિયો વાયરલ થયો હતો. એક મુસાફરે કહ્યું, જ્યારે ટ્રેન પાલનપુર પહોંચી ત્યારે લગભગ 10 મિનિટ મોડી હતી. રેલ્વેના એક સૂત્રએ કહ્યું હતું કે, જો મૃતકને ટ્રેનમાં અથવા સ્ટેશન પર તબીબી મદદ મળી હોત તો તે કદાચ જીવતો હોત.