માછલાંઓને પકડી તપાસમાં ઊંડું ન ઉતરવાની તંત્રની નીતિથી મગરમચ્છોને મળે છે પ્રોત્સાહન, નાનામાં નાના ગુનામાં પણ અંગત રસ લઈને તપાસ થશે તો જ પડદા પાછળ રહી કરાતી કાળી કરતૂતો બંધ થશે
કૌભાંડીઓથી લઈને ગદારો સુધીના ફુલ્યા- ફાલ્યા છે તેની પાછળ તંત્ર પણ જવાબદાર છે. કારણકે તંત્ર માછલાંઓને પકડી તપાસમાં ઊંડું ઉતરવામાં જરા પણ ઉત્સાહ દાખવતું ન હોય, મગરમચ્છોને પ્રોત્સાહન મળે છે. અને આ મગરમચ્છો પછી એ લેવલે પહોંચે છે કે તંત્ર પણ તેમની સામે ટૂંકું પડે.
ગુજરાત ગુજરાત આખા ભારતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે. ગુજરાતના દરિયાકાંઠાની લંબાઈ 1600 કિલોમીટર જેટલી થાય છે.ગુજરાતની ગણના પશ્ચિમ ભારતના સૌથી મહત્વના, વિકસિત તેમજ ઉદ્યોગોથી ધમધમતા રાજ્ય તરીકે થાય છે. ગુજરાત ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન પણ ગણાય છે. દેશમાં સુરક્ષા બાબતે ગુજરાત અન્ય રાજ્યો કરતા ઘણું આગળ છે.
હવે આવા રાજ્યમાં પણ ડ્રગ્સનું આટલું દુષણ સમગ્ર દેશવાસીઓને સ્તબ્ધ કરી દયે તેવું છે. હવે પ્રશ્ન એ થાય છે કે ગુજરાતમાં કેમ ડ્રગ્સના મોટા જથ્થા આવી રહ્યા છે. શુ ગુજરાતની સુરક્ષામાં છીંડા છે? કેસ ડ્રગ્સનો હોય કે દબાણનો, જો તંત્ર પહેલેથી જ સતર્ક અને ઉત્સાહ પૂર્વક તપાસ કરવાની તેની નીતિ રહી હોય તો આવી બદી ફેલાઈ જ ન શકે.
આજે ડ્રગ્સથી લઈને દબાણ સુધી તંત્ર ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં ઢીલી નીતિ અપનાવી રહ્યું છે. દબાણ વિશે જોઈએ તો સરકારે લેન્ડ ગ્રેબિંગ જેવા કડક કાયદાઓ ઘડ્યા છે. જે સરાહનીય છે. પણ આ કાયદાનો અમલ માત્ર માછલાંઓ ઉપર જ થાય અને મગરમચ્છો બચી જાય તો શું કામ નું ?
કોઈ પણ નાનો ગુનો હોય, તંત્ર ધારે તો ઊંડાણપૂર્વક તપાસ કરી મૂળ સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતમાં દારબંધી છે. છતાં દારૂની બદી ફેલાયેલી જોવા મળે છે. તંત્રના હાથે ઘણી વાર બુટલેગરો ચડી જાય છે. પણ આ બુટલેગર તો એક માછલાં સમાન છે. આવી આખી ચેઇન હોય છે. તેની છેલ્લી કડી બુટલેગર હોય છે. હવે તંત્ર અંગત રસ લઈને ઊંડાણપૂર્વક તપાસ કરે તો સ્ટેપ બાય સ્ટેપ પ્રથમ કડી સુધી પહોંચી જ શકે છે. પણ હવે આને આળસ સમજવી કે બીજું કંઈ ?