- માળીયા નજીક થયેલી રૂા.62,50 લાખની આંગડીયા લૂંટની ઇન્સાઇડ
- આંગડીયા પેઢીના બેનંબરી વ્યવહારનો ઢાંક પીછોડો કરાયા બાદ ચાલતી સેટીંગની રમતમાં કોણ ફાવે?
- માતબાર રકમ લઇને એક જ કર્મચારી મોડીરાતે કેમ નીકળે અને તેની સુરક્ષાની જવાબદારી કોની?
- કરોડોની રકમની હેરફેર અને હવાલા સંભાળી સુલટાવવાતા આંગડીયા પેઢી સંચાલકો હથિયારધારી પોલીસનો બંદોબસ્ત કેમ મેળવતા નથી
રાપર-રાજકોટ રૂટની એસટી બસમાં આંગડીયા પેઢીના રૂા.62.50 લાખની રોકડ સાથેનો થેલો આંગઢીયા પેઢીના કર્મચારીની નજર ચુકવી અને ત્રણ ગઠીયા સેરવી ગયાની ઘટનાની ઇન્સાઇડ જોતા કેટલીક ચોકાવનારી વિગતો પ્રકાસમાં આવી છે. આંગડીયા લૂંટમાં સામાન્ય રીતે પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવે છે. આંગડીયા લૂંટ અને રોકડ સાથેના અવાર નવાર થેલા તફડાવી જવાની ઘટના કંઇ રીતે અટકે તે માટે પોલીસ અને આંગડીયા પેઢી સંચાલકોએ શું કરવું જોઇએ તે અંગે તે તમામ વિગતોથી આંગડીયા પેઢી સંચાલકો અને પોલીસ સારી રીતે જાણતા હોવા છતાં કેમ નક્કર કાર્યવાહી થતી નથી તે દિશામાં ઉચ્ચ સ્તરીય વિચાર વિમર્સ થાય તો બેનંબરી વ્યવહારના હવાલા સુલટાવવા સહિતની અનેક ચોકાવનારી વિગતો પ્રકાશમાં આવે તેમ છે.
ગત તા.4 જુને માળીયા પાસે ચા-પાણી માટે રાપર-રાજકોટ રૂટની એસટી બસ માળીયા પાસે આવેલી હોટલે વોલ્ટ કર્યો ત્યારે બસમાં મુસાફરી કરતા ઇશ્ર્વર બેચર પટેલ આંગડીયા પેઢીના કર્મચારી મહાદેવભાઇ રામદેવભાઇ વાઘમારે રૂા.62.50 લાખની રોકડ સાથેનો થેલો બસમાં રેઢો મુકી લઘુશંકા માટે ગયો ત્યારે બસમાં જ મુસાફરી કરતા બે શખ્સો મહાદેવભાઇ વાઘમારેનો રોકડ સાથેનો થેલો લઇ અગાઉથી જ હોટલે ઉભેલા બાઇક સવાર પાછળ બેસી હળવદ તરફ ભાગી ગયાના સીસીટીવી ફુટેજ મળી આવતા પોલીસ દ્વારા નાકાબંધ કરાવી લૂંટનો ગુનાનો ભેદ ઉકેલવા વિવિધ દિશામાં તપાસ શરૂ કરી છે. કચાદ લૂંટનો ભેદ પણ ઉકેલાઇ જશે અને આરોપી પકડાઇ જશે પરંતુ આંગડીયા પેઢીના કિંમતી પાર્સલની થતી લૂંટ અને તફડંચીનું કાઇમી ઉકેલ શું તે દિશામાં પોલીસ અને આંગડીયા પેઢી સંચાલકો કેમ વિચાર વિમર્સ કરતા નથી.
આંગડીયા પેઢીના કર્મચારીની રેકી કરી અવાર નવાર થતી લૂંટની ઘટનામાં સૌ પ્રથમ પાર્સલ લઇને ડીલીવરી કરવા નીકળેલા કર્મચારીને જ ટાર્ગેટ બનાવી પોલીસ પૂછપરછ કરવામાં આવે છે. ઘણા બનાવમાં આંગડીયા પેઢીના પૂર્વ કર્મચારીની સંડોવણી બહાર આવી હોવાથી સ્વભાવીક રીતે જ પોલીસ દ્વારા આંગડીયા પેઢીના કર્મચારીની પૂછપરછ થાય તે જરૂરી પણ છે,
વાંરવાર બનતી આંગડીયા લૂંટની ઘટના અટકાવવા આંગડીયા પેઢીના માલિકો દ્વારા પણ ઘણી બેદરકારી દાખવવામાં આવે છે. માતબાર રકમ હોવા છતાં એકલ દોકલ વ્યક્તિ પર ભરોસો મુકવામાં આવતો હોવાથી જેના કારણે લૂંટની ઘટના બને છે. મોટી રકમનું જોખમ લઇને નીકળતા આંગડીયા પેઢીના કર્મચારી સાથે હથિયારધારી સિક્યુરીટી કે પોલીસ બંદોબસ્ત કેમ માંગવામાં આવતો નથી તેવા સવાલો થઇ રહ્યા છે
આંગડીયા પેઢીમાં સામાન્ય રીતે બેનંબરની લેવડ-દેવડના હવાલા સુલટાવવામાં આવતા હોવાથી ચોપડે નોંધ ન હોવાથી આંગડીયા પેઢીના સંચાલકો હથિયારધારી સિકયુરીટી અને પોલીસ બંદોબસ્તની માગણી કરતા નથી તે પણ વાસ્તવીક વાત છે. વારંવાર થતી લૂંટ અને રોકડ સાથેના થેલા તફડાવવાની ઘટના માટે પોલીસ દ્વારા જ આગળ આવી નિયત કરેલી રકમ વસુલ કરી આંગડીયા પેઢીને પોલીસ રક્ષણ આપવું જરૂરી બન્યું છે.
મોરબીમાં નળીયા, ઘડીયાલ અને સિરામીક ઉદ્યોગ ધમધમતો હોવાથી આર્થિક વ્યવહાર સમયસર સાચવવા અને વેપારી સાખ જાળવી રાખવા માટે આંગડીયા પેઢીની જરૂરીયાતની સાથે મોરબી-રાજકોટ રૂટ પર આંગડીયા રૂટનું લૂંટારા માટે એપી સેન્ટર બની ગયું છે. નામચીન તાજમહંમદ ઉર્ફે તાજીયા ગેંગે સૌ પ્રથમ આગડીયા લૂંટ મોરબી નજીક કર્યા બાદ સમગ્ર રાજયમાં આંગડીયા લૂંટનું નેટવર્ક શરૂ કર્યુ હતું. તાજીયા ગેંગ દ્વારા થતી લૂંટ અટકાવવા પોલીસ દ્વારા ના છુટકે તેનું એન્કાઉન્ટર કરવાની ફરજ પડી હતી.