નવી શિક્ષણનીતિ 2020 માં જે આયોજનો દર્શાવવામાં આવ્યા છે,એ સાકાર થાય તો ચોક્કસ શિક્ષણનું ગુલાબી ચિત્ર જોવા મળે જ,પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે આજે શિક્ષણ ક્ષેત્રે વાસ્તવિકતા કંઈક જુદી જોવા મળી રહી છે. શિક્ષણનું સ્તર દિવસે દિવસે કથળતું જાય છે.ભૂતકાળમાં જે જે રાષ્ટ્રીય શિક્ષણ પંચ કે શિક્ષણ નીતિઓ આવી તેમાં આવા જ આયોજન દર્શાવવામાં આવ્યા હોય છે,પરંતુ તેનો અમલ કરીને નક્કર સ્વરૂપ આપવામાં ખૂબ જ કચાશ રહી જતી હોય છે.પરિણામે શિક્ષણ ક્ષેત્રે સંતોષકારક પ્રગતિ જોવા મળી નથી.આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે,તેમ છતાં હજુ સુધી લોકોને શિક્ષણ ક્ષેત્રે સંતોષનો ઓડકાર આવ્યો નથી.લંબાણભયે એ ચર્ચા ટાળીએ.વાસ્તવમાં જે જે અહમ્ મર્યાદાઓ જોઈ રહ્યા છીએ,તેની છણાવટ કરવી જરૂરી લાગે છે.
‘શિક્ષણનું પતન પ્રલય લાવી શકે’ : ચાણક્ય
કથળતા શિક્ષણને કાંઠે લાવવું હશે તો સૌ પ્રથમ શિક્ષકોની અછતને કાયમી ધોરણે દૂર કરવી પડશે. આમ તો 2017 થી શિક્ષકોની કાયમી જગ્યાઓ પૂરાતી જ નથી અને પ્રવાસી શિક્ષકો, જ્ઞાન સહાયકોથી સરકાર સંતોષનો ઓડકાર લે છે. શિક્ષકોની અછત એટલી બધી જોવા મળે છે કે અમુક સ્કૂલોમાં અગત્યના વિષયના શિક્ષકો જ ઉપલબ્ધ નથી.1998 થી શરૂ થયેલી વિદ્યા સહાયકોની યોજનામાં અમુક વર્ષની નોકરી થતા કાયમી નોકરીનો લાભ મળતો હતો.તાજેતરમાં સરકારને એવી સમજણ આવી કે કોઈ કાયમી થઈ જશે તો તેને નોકરીના લાભ આપવા પડશે,એટલે વિદ્યા સહાયકની યોજના રદ કરીને 10 જુલાઈ,2023થી નવી યોજના ’જ્ઞાન સહાયક’ દાખલ કરી.તેમાં વિદ્યા સહાયક કરતાં પગાર લગભગ ડબલ કરી દેવાયા એટલે કે વધારે પગારની લાલચથી કોઈ બહુ ઊહાપોહ ન કરે.કોઈ હલકી મનોવૃત્તિનો વેપારી પણ ન રમે,એવી રમત આમાં રમવામાં આવી.નોકરીનો કોન્ટ્રાક્ટ ઊભો કરવામાં આવ્યો.11 મહિના પૂરા થાય એટલે નોકરી પૂરી.પછી ફરી નોકરી મળે તો મળે !
આજે હજારો વિદ્યાર્થીઓ બી.એડ.અને પીટીસીની ડિગ્રી મેળવ્યા પછી શિક્ષક બનવા માટેની જરૂરી પરીક્ષા એચટાટ કે એચટેટ પાસ કરીને કાયમી નોકરીની રાહમાં દિવસો પસાર કરી રહ્યા છે.આ વિદ્યાર્થીઓએ જ્યારે ડિગ્રી લીધી હશે,ત્યારે કેવાં કેવાં સપનાં જોયાં હશે ! એક શિક્ષક તરીકેની કાયમી નોકરી મેળવશે.પોતાના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવશે,વગેરે વગેરે.પરંતુ વાસ્તવિકતા તો કંઈક જુદી જ સર્જાશે.આ નોકરી વાંચ્છું ઉમેદવારો માટે હવે પાંચ વર્ષની વિદ્યા સહાયક તરીકેની નોકરી પૂરી કર્યા પછી પૂરા પગારની કાયમી નોકરી મળવાની યોજના જ સંકેલાઈ ગઈ. ઉપર જણાવ્યા મુજબ આવા ઉમેદવારોને હવે માત્ર જ્ઞાન સહાયક તરીકે જ નોકરી કરવાની તક મળશે.નવી દાખલ કરવામાં આવેલી આ જ્ઞાન સહાયકની આખી યોજના અમાનવીય અને નિષ્ઠુર છે.એટલા માટે કે તેમાં કાયમી નોકરીની કોઈ તક જ નથી.સીધો અને સરળ અર્થ એવો થઈ શકે કે,બધી પાત્રતા હોવા છતાં આવા ઉમેદવારોને જિંદગીભર કરાર આધારિત બાંધ્યા પગારથી નોકરી કરવાની રહે ! એક બાજુ સરકાર નવી શિક્ષણ નીતિ આધારે શિક્ષણને વિશ્વ કક્ષાનું બનાવવા માંગે છે અને બીજી બાજુ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકનો રોલ અહમ્ હોવા છતાં,તેમને કાયમી કરવા માટે કે આપવાના થતાં જરૂરી લાભ આપવા માટે સરકાર આવા ત્રાગા કરી રહી છે ! શિક્ષિત બેકારોની મશ્કરી થઈ રહી હોય એવું સ્પષ્પણે દેખાઈ રહ્યું છે.આનો સીધો અર્થ એ થાય કે હવે સરકારને અન ઉત્પાદક ખર્ચામાં બિલકુલ રસ નથી.સરકારી શાળાઓને કેમ જલદી તાળા લાગે અને ખાનગી શાળાઓ કેમ ફૂલે ફાલે એમાં જ સરકારને રસ છે.
એવી કોઈપણ નોકરી નથી કે જેમાં પાંચ વર્ષે પેન્શન મળતું થાય,પણ વિધાનસભ્ય કે સંસદસભ્ય તરીકેની પાંચ વર્ષની ટર્મ પૂરી થતાં પેન્શન મળી શકે છે ! કરોડોનો લાભ રાજકારણીઓ મેળવી શકે છે.અને તે એક નહીં,બે નહીં,ત્રણ ત્રણ પેન્શન પણ મેળવી શકે છે.તો પછી શિક્ષકને કાયમી કરવામાં આટલો દ્વેષ કેમ ? શિક્ષકની કાયમી ઘટ પૂરી કરવામાં સરકારની ઢીલી નીતિ પાછળનો ભેદ શું ?
કાયમી શિક્ષકના વિકલ્પે સરકારે વિદ્યા સહાયક પ્રવાસી શિક્ષક અને હવે જ્ઞાન સહાયક શોધ્યા છે.
વર્ષ 20023 – 24 થી જ્ઞાન શક્તિ યોજના હેઠળ જ્ઞાન શક્તિ,રેસીડેન્સીયલ સ્કૂલ,જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ,રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવાની વાત હતી તેના માટે હોશિયાર વિદ્યાર્થીઓની ધોરણ છ માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પણ લેવામાં આવી હતી.પાંચેક લાખથી વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.પરંતુ તેનું પરિણામ આવે તે પહેલા આખો જ્ઞાન સેતુ પ્રોજેક્ટ રદ કરી દેવામાં આવ્યો.લીધેલી પરીક્ષા માથે ન પડે એટલે જ્ઞાન સેતુ સ્કૂલને ’મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ’ યોજનામાં તબદિલ કરવામાં આવી.એક બાજુ પૂરતા અભ્યાસ વગર આવી યોજનાઓ ઉતાવળે દાખલ કરવાનું અને પછી રદ કરવાનું બને છે.બીજી બાજુ નવી શિક્ષણ નીતિનો અમલ કરવાની તૈયારી આદરી દેવામાં આવી છે.આ વાસ્તવિકતા વચ્ચે શિક્ષણના સ્તરને સુધારવું અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવું એ કેટલું શક્ય બને ???
સરકારી શાળાઓમાં શિક્ષકોની ભયંકર ઘટ હોવાની સાથે સાથે જે કોઈ શિક્ષકો કાર્યરત છે તેમની પાસેથી પણ શિક્ષણ સિવાયનું અનેક ગણું કાર્ય લેવામાં આવી રહ્યું છે.એક બાજુ શિક્ષણની ગુણવત્તા સુધારવાની છે અને બીજી બાજુ શિક્ષકે શિક્ષણની ગુણવત્તા સુધારવાની સાથે સાથે સરકાર દ્વારા બીજા જે જે કાર્યો સોંપવામાં આવે તે પણ કરવાના છે.
બધાને એમ છે કે માસ્તરો સાવ નવરા છે.પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની વેબસાઈટ અને એપ્લીકેશનોની આ માયાજાળ જુઓ: SSA આધાર ડાયસ,SSA ઓનલાઈન હાજરી,SSA ટ્રાન્સપોર્ટેશન,SSA માઈગ્રેશન,SSA એકમ કસોટી,દિક્ષા એપ,જી- શાલા એપ,ડીજીટલ ગુજરાત,વોટ્સ એપ સ્વમૂલ્યાંકન,ગરૂડા એપ (બી.એલ.ઓ.માટે),ફિટ ઈન્ડિયા – ખેલો ઈન્ડિયા,જ્ઞાનકુંજ પ્રોજેક્ટ,સરલ ડેટા એપ,મધ્યાહ્ન ભોજન યોજના એપ,સ્વચ્છતા પુરસ્કાર એપ,માઈક્રોસોફ્ટ ટીમ,SAS પગારબીલ,SAS માસિકપત્રક,SAS તફાવત બીલ,SAS મોંઘવારી તફાવત બીલ,બેઝ લાઈન સર્વે ઓનલાઈન ડેટા,એકમ કસોટી ઓનલાઇન, BLO ONLINE,કેશબૂક અન્ય 20 થી વધુ રજીસ્ટર રોજ ઓફલાઇન અપડેટ કરવાના તે અલગ,દરરોજ શાળા સફાઈ,બાળકોના આધાર કાર્ડ- તમામ વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટ ખોલાવવા,ગેરહાજર બાળકોનું સર્વે,15 થી 18 વર્ષના શાળાએ ન ગયેલાઓની સર્વે કામગીરી.આટલું બધું ઓનલાઈન અને ઓફલાઇન કામ.આમ,વિવિધ 38 પ્રકારની કામગીરી હોવા છતાં ભૂલ થાય તો સસ્પેન્ડ.સર્વિસબૂક ખોઈ નાખનાર સસ્પેન્ડ ન થાય.પૂલ તૂટી જાય તો સસ્પેન્ડ નહીં પણ 160 ના 165 ગુણ થઈ જાય તો સસ્પેન્ડ? ! ઉપરોક્ત કામગીરી ઉપરાંત જી-મેઈલ અને વોટ્સ એપ પર પરિપત્રો અને પત્રકોનો મારો ! એટલું જ નહીં બલકે આ તમામ માહિતી અર્જન્ટ મોકલવાની હોય છે.ખબર નહીં પણ શિક્ષણની દશા અને દિશા આ રીતે બદલાઈ શકે ? આપણને કોઈ પૂછે કે તમારાં સંતાનને સરકારી સ્કૂલમાં કેમ ભણાવતા નથી ? તો આપણો જવાબ એ જ હોયને કે,સરકારી સ્કૂલોમાં શિક્ષકોને ભણાવવા દે છે ખરાં ? !
જે દિવસે શિક્ષકોની કાયમી ઘટ,કાયમી શિક્ષકોથી પૂરી કરવામાં આવશે અને શિક્ષકો પાસે વર્ગખંડમાં ભણાવવા સિવાય અન્ય કોઈ પ્રવૃતિઓ કરાવવામાં નહીં આવે,તે દિવસે ખાનગી શાળાઓનાં વળતાં પાણી થશે.એટલું જ નહીં બલકે શિક્ષણ આંતર રાષ્ટ્રીય કક્ષાનું બની જશે,એ નક્કી વાત છે.પરંતું આ થોડું શક્ય છે …!