ડ્રેગનની અવળચંડાઈ હવે સાંખી નહીં લેવાય, દરેક હરકતનો જડબાતોડ જવાબ આપીશું- આર્મી ચીફ
ભારતની સરહદી સીમા પર બંને બાજુ સંઘર્ષભરી સ્થિતિ છે. એક બાજુ નાપાક પાક તો બીજી બાજુ લાલચી ડ્રેગન… આ બંને વચ્ચે રહી પણ ભારતે માત્ર એશિયા નહીં પણ સમગ્ર વિશ્વમાં પોતાની છબી ઉભી કરી છે. પરંતુ દક્ષિણી એશિયામાં જો કોઈ ચીનની બરાબરી કરવા ઝડપથી ઉભરી આગળ આવી શકતો હોય તો એ દેશ માત્ર ભારત જ છે. દક્ષિણ એશિયા સહિત સમગ્ર વિશ્વમાં છવાઈ મહાસત્તા અમેરિકાનું સ્થાન લેવા ડ્રેગન વલખાં મારી રહ્યું છે. પણ આ એટલું સરળ છે ખરા ? ક્યારેક ચીન પાકિસ્તાનનો પક્ષ તો ક્યારેક યુએનમાં અવળચંડાઈ કરી ભારત સામે શીંગડા ભરાવે છે તો હવે છેલ્લાં કેટલાંક સમયથી સરહદી સીમા મુદ્દે વિવાદ જામ્યો છે. જો કે ચીન સાથે જોડાયેલ જમીની હદ LAC- લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર સ્થિતિ સામાન્ય છે. પરંતુ જો ડ્રેગન દ્વારા હવે કોઈ અવળચંડાઈ કરવામાં આવશે તો ભારત તેને હળવાશમાં જરાય નહીં લે… ચીનના દરેક એક્શનનો જવાબ ભારત પુરી તાકાતથી આપશે. તેમ તાજેતરમાં આર્મી ચિફે જણાવ્યું છે.
ચીનને સ્પષ્ટ સંદેશ આપતા આર્મી ચીફ જનરલ એમ.એમ. નરવણે કહ્યું કે કોઈપણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિમાં ભારત ડ્રેગનને જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. પૂર્વી લદ્દાખમાં પોતાના દાવાને સુનિશ્ચિત કરવા ભારત ચીન સામે કોઈ ઉકસાવવાના પગલાં ભર્યા વિના દ્રઢતાથી પગલાં ભરશે. પૂર્વી લદ્દાખમાં બંને પક્ષો વચ્ચે લશ્કરી અડચણ શરૂ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. ગત વર્ષે 5 મેના રોજ સીમા સંઘર્ષ શરૂ થયો હતો. અને આ સમય દરમિયાન છેલ્લાં 45 વર્ષમાં પહેલી વાર બંને પક્ષના સૈનિકો માર્યા ગયા હતા.
ચીન દ્વારા ઘણાં કરારોનું ઉલ્લઘંન કરાયું, હવે ભારત સાંખી નહીં લે
આર્મી ચીફ જનરલ નરવણે જણાવ્યું કે, હાલમાં સરહદી સીમા પર સ્થિત ઉચ્ચ ક્ષેત્રના તમામ મહત્વપૂર્ણ વિસ્તારો પર ભારતીય સેના નિયંત્રણ જાળવી રહી છે. ભારત પાસે ઝંબાઝ જવાનો પૂરતા પ્રમાણમાં છે જેમને કોઈ પણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે ‘અનામત’ રાખવામાં આવ્યા છે. તેમણે કહ્યું, ‘અમારું વલણ સ્પષ્ટ છે કે સરહદ પર સંઘર્ષ વાળા પોઈન્ટ પરથી સૈન્યને પાછું ખેંચ્યા વિના સંઘર્ષભરી સ્થિતિને કાબુમાં લઈ શકાતી નથી. ભારત અને ચીને ઘણા સરહદ કરારો પર હસ્તાક્ષર કર્યા છે, જેનો ચાઇનાની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા એકતરફી ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. અને જો આવું ચાલતું રહેશે તો ભારતે મજબુર બની જડબાતોડ જવાબ આપવો જ પડશે. અને આ માટે સેના તૈયાર છે.
યુદ્ધની સ્થિતિમાં લશ્કરી જાનહાનિથી એક બીજા દેશો પર વિશ્વાસ કરવાનું મુશ્કેલ બની જાય છે
હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને ડેપ્સાંગ જેવા વિસ્તારોમાં કેટલા સમય સુધી સંઘર્ષ રહેશે તેવા પ્રશ્નના જવાબમાં આર્મી ચીફએ કહ્યું કે સમયમર્યાદાનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. ગયા વર્ષે જૂનમાં ગાલવાન ખીણમાં થયેલા સંઘર્ષનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, જ્યારે ભારતીય સેના બંને દેશો વચ્ચેના તમામ પ્રોટોકોલ અને કરારોનું પાલન કરે છે તેમ છતાં ચીનની આડોડાઈને કારણે મોટી સંખ્યામાં સૈન્યને તૈનાત કરી પરિસ્થિતિનો સામનો કર્યો છે. જે તણાવપૂર્ણ છે. ગાલવાન ખીણમાં સંઘર્ષ પછી ભારત અને ચીન વચ્ચે તણાવ વધ્યો અને સંબંધો વધુ ખરાબ બન્યા. સંઘર્ષ દરમિયાન બંને પક્ષોએ હજારો સૈનિકો અને યુદ્ધ ટેન્કો અને અન્ય મોટા શસ્ત્રો આ વિસ્તારમાં તાત્કાલીકપણે પહોંચાડ્યા. તેમણે એક સેનાના વડા અને એનાથી પણ ઉપર રાજધર્મ નિભાવતા તેમણે કહ્યું કે જ્યારે બંને પક્ષે લશ્કરી જાનહાનિ થાય છે, તો વિશ્વાસનું સ્તર ઓછું થઈ જાય છે. જો કે, હંમેશા અમારો એવો પ્રયાસ રહ્યો છે કે આત્મવિશ્વાસ ગુમાવવાને કારણે વાટાઘાટની પ્રક્રિયામાં વિક્ષેપ ન આવે.
અત્યાર સુંધીમાં બંને દેશો વચ્ચે 11 રાઉન્ડની વાટાઘાટો થઈ
ભારત-ચીન વચ્ચે શરૂ થયેલ સીમા વિવાદ મુદ્દે સમાધાન અર્થે બને દેશો વચ્ચે અત્યાર સુધીમાં 11 વખત બેઠક મળી છે. એલએસી પરથી સૈનિકોની ટુકડી સહિત શાસ્ત્રો પાછા ખેંચવાની પ્રક્રિય અને તણાવ ઘટાડવાના લક્ષ્યાંક સાથે બંને પક્ષોએ લશ્કરી વાટાઘાટોના 11 રાઉન્ડ કર્યા છે. હાલ બંને દેશો સંઘર્ષ પોઈન્ટ પરથી સંપૂર્ણપણે સૈન્યને હટાવી દે તે મુદ્દાઓ ચર્ચામાં છે. ટક્કરના જો કે સૈનિકોને સંપૂર્ણપણે પાછા ખેંચવાની દિશામાં ચીને ઢીલ મૂકી નથી. ચીની સૈન્ય હાલમાં લદ્દાખ ક્ષેત્ર નજીકના તેના તાલીમ વિસ્તારોમાં પ્રેક્ટિસ કરી રહ્યું છે.
એલએસી પર હાલની શું સ્થિતિ ?
સેના પ્રમુખે માહિતી આપતા કહ્યું કે એલએસીથી આશરે 1000 કિમી દૂર સઘન વિસ્તારોમાં સ્થિત પીએલએના તાલીમ કેન્દ્રો પર પણ નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારમાં એલએસીની આજુબાજુ બંને પક્ષો દ્વારા 50 થી 60 હજાર સૈનિકો તૈનાત છે. ગયા વર્ષે 5 મેના રોજ શરૂ થયેલી અડચણ પછી, બંને પક્ષે ફેબ્રુઆરીમાં પેંગોંગ તળાવની ઉત્તરીય અને દક્ષિણ બાજુઓથી સૈન્ય અને શસ્ત્રોને પાછા ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. લશ્કરી અને રાજદ્વારી વાટાઘાટો પછી મળેલા કરાર હેઠળ આ કરવામાં આવ્યું હતું.
ભારત કોઈના દબાણ હેઠળ નથી બસ એલએસી પર માત્રને માત્ર શાંતિ જ ઈચ્છે છે- આર્મી ચીફ
સેના પ્રમુખે કહ્યું કે, અમે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર શાંતિ અને સુલેહ ઇચ્છીએ છીએ. પરંતુ એવું નથી કે ભારત કોઈના દબાણ હેઠળ છે. અમે તમામ પ્રકારની આકસ્મિક પરિસ્થિતિઓનો સામનો કરવા તૈયાર છીએ. પરંતુ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને ચીન સાથેની લશ્કરી વાટાઘાટોના આગામી રાઉન્ડમાં એપ્રિલ 2020 પહેલાંની સ્થિતિને ફરીથી સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આર્મી ચીફ જનરલ નરવણેએ કહ્યું, ભારતીય સૈન્યનું વલણ સ્પષ્ટ છે કે કોઈ પણ ક્ષેત્રને નુકસાન થવા દઈશું નહીં. અમે ચીન સાથે દ્રઢતાથી અને ઉશ્કેરણી વગર વ્યવહાર કરી રહ્યા છીએ. જેથી પૂર્વી લદ્દાખમાં અમારા દાવાઓ અકબંધ રહે.