મંદસૌર જિલ્લાનાં સુવસરા બેઠકના ધારાસભ્ય હરદીપસિંહ ડાંગનું રાજીનામું વાઈરલ થયું: સ્પીકરે રાજીનામા પત્ર મળ્યાનો ઈન્કાર કર્યો
મધ્યપ્રદેશમાં સવા વર્ષ પહેલા પાતળી બહુમતિ સાથે કોંગ્રેસની કમલનાથ સરકારે શાસનની ધૂરા સંભાળી હતી. પરંતુ પક્ષમા ચાલતી આંતરિક જૂથબંધીનાં કારણે અનેકવખત આ સરકાર પર સંકટ ઉભુ થવા પામ્યું હતુ. પરંતુ, મુખ્યમંત્રી કમલનાથે કુનેહપૂર્વક ભાજપના બે ધારાસભ્યોને ખેડવી લઈને આવા સંકટને ખાળી દીધું હતુ આગામી ૨૮મીએ મધ્યપ્રદેશની ચાર રાજયસભા બેઠકો માટે ચૂંટણી યોજાનારી છે. ત્યારે વધારે બેઠકો જીતવા અને કમલનાથ સરકારને પાડવા ભાજપે કમર કસી છે જેના ભાગરૂપે કોંગ્રેસના અનેક નારાજ ધારાસભ્યોને ભાજપે ગૂરૂગ્રામ, બેગલુરૂ વગેરે સ્થાનો પર ખસેડયા છે. જેમાના એક ધારાસભ્યએ ‘ના’રાજીનામું આપ્યાનું જયારે આઠ ધારાસભ્યો નારાજીનામાની લાઈનમાં હોવાનું ખુલવા પામતા કમલનાથ સરકારનું શાસન હાલક ડોલક સ્થિતિમાં આવી જવા પામ્યું છે.
મધ્ય પ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ડ્રામાથી કોંગેસ હાઈકમાન્ડનાં નેતાઓની ઉંઘ ઉડી જવા પામી છે. રાજ્યમાં કમલનાથનાં નેતૃત્વવાળી સરકારની મુશ્કેલીઓ હવે ખરેખર વધવા લાગી છે. મંદસૌરની સુવસરા વિધાનસભા સીટથી કોંગ્રેસનાં ધારાસભ્ય હરદીપ સિંહ ડંગે વિધાનસભાનાં સભ્ય પદેથી રાજીનામું આપી દેતા સરકાર પડવાની આંશંકા વ્યક્ત થઇ રહી છે. ભાજપે કર્ણાટક બાદ મધ્યપ્રદેશમાં પણ કમળ ખીલવવાનાં પ્રયત્નો શરૂ કર્યા છે. બદલતા રાજકીય સમિકરણો કમલનાથ સરકાર માટે ખતરાની ઘંટડી સમાન છે. જો હવે વધું કેટલાક ધારાસભ્યોનું રાજીનામું આપે તો બહુમતનો આકંડો ઘણો ઓછો થશે અને કમલનાથની સરકાર પડી શકે છે.
હરદીપ સિંહ ડંગએ ચાર ધારાસભ્યોમાં સામેલ છે જેમને ભાજપે બેંગલુરુ લઈ ગયાની વાતો ચાલી રહી છે. કોંગ્રેસનો આરોપ છે કે વિરોધ પક્ષ ભારતીય જનતા પાર્ટી હોર્સ ટ્રેડિંગ કરીને કમલનાથ સરકારને પાડવા ઇચ્છે છે. બીજી કરફ બીજેપીનું કહેવું છે કે કોંગ્રેસમાં એટલા જૂથ છે કે તેઓ ખુદ જ એક-બીજાને નીચા બતાવવામાં લાગ્યા છે. તો ગુમ થયેલા આ પહેલા મંગળવાર મોડી રાત્રે રાજનીતિ ડ્રામા એ સમયે શરૂ થયો જ્યારે મધ્ય પ્રદેશમાં કોંગ્રેસ, બીએસપી અને એસપીનાં કુલ ૯ ધારસભ્યો અચાનક ગાયબ થઈ ગયા. આમાંથી ૫ ધારાસભ્યોને બુધવાર મોડી રાત્રે ભોપાલ લાવવામાં આવ્યાનો કોંગ્રેસે દાવો કર્યો હતો.
જો કે ૪ ધારાસભ્યોનું લોકેશન ટ્રેક નથી થઈ શક્યું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ૪ ધારાસભ્ય કોંગ્રેસનાં બિસાહૂલાલ, હરદીપ સિંહ ડંગ, રઘુરાજ કંસાના અને અપક્ષ સુરેન્દ્ર સિંહ શેરાનું લોકેશન નહોતુ મળી રહ્યું. હવે આમાંથી હરદીપ સિંહ ડંગે રાજીનામું આપી દીધું છે. જે ૬ ધારાસભ્યો પરત ફર્યા છે તેમાંથી ૩ કોંગ્રેસનાં, ૨ બીએસપીનાં અને એક એસપીનો ધારાસભ્ય છે. આમાંથી ૩ દિગ્વિજય સિંહનાં નજીકનાં અને બાકીનાં બે ધારાસભ્ય મંત્રી ના બનાવવામાં આવ્યા હોવાથી નારાજ છે, જ્યારે એક ધારાસભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયાનાં કેમ્પમાં છે. પાર્ટીથી જોડાયેલા લોકોનું કહેવું છે કે કમલનાથ સરકારનાં કુલ ૧૪ ધારાસભ્ય નારાજ છે, જેના પર બીજેપીની નજર છે. આમાના આઠ ધારાસભ્યોના રાજીનામું આપવા લાઈનમાં હોવાનું આધારભુત સુત્રોએ દાવો કર્યો છે.
હરદીપસિંગ ડાંગ કોંગ્રેસમાં હોવાનો દાવો થયા બાદ રાજીનામું વાઈરલ થયું
મંદસૌર જિલ્લાનાં સુવસરા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા શીખ સમુદાયના કોંગ્રેસી ધારાસભ્ય હરદીપસિંગ ડાંગ કોંગ્રેસમાં જ હોવાની ગઈકાલે સુવસરાના સ્થાનિક અખબારોમાં આખા પાનાની જાહેરાતો છપાઈ હતી જે બાદ સોશ્યલ મીડિયામાં તેમને રાજીનામું આપ્યાનો લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો હતો જેમાં ડાંગે જણાવ્યું છે કે સુવસરાની જનતાએ અપેક્ષા સાથે બીજી વખત તેમને ધારાસભ્ય બનાવ્યા છે. હવે રાજયમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં પોતાના મતવિસ્તારનાં વિકાસકામો થતા નથી. આ અંગે પોતે સરકારનું ધ્યાન દોર્યું હોવા છતાં તેમના વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી રહી હોય જેઓ ધારાસભ્યપદેથી રાજીનામું આપી રહ્યા છે. આ રાજીનામા અંગે વિધાસભાના સ્પીકર એન.પી. ત્રિપાઠીએ જણાવ્યું હતુકે તેમને ડાંગનું રાજીનામું વાઈરલ થયાની માહિતી મળી છે પરંતુ તેમને રાજીનામું આપવા રૂબરૂ આપવું પડશે. જયારે મુખ્યમંત્રી કમલનાથે પણ એવો દાવો કર્યો હતો કે તેમને ડાંગનું રાજીનામું મળ્યું નથી.