આંસુ એટલે ૯૯ ટકા લાગણી અને ૧ ટકા પાણી
સિધ્ધાર્થ રાંદેરીયા, યશ સોની, આરોહી પટેલ સ્ટારીંગ ફિલ્મ ‘ચાલ જીવી લઈએ’ સિનેમાઘરોમાં ધુમ મચાવી રહી છે. ગુજરાતી ફિલ્મમાં કંઈક નવા કોન્સેપ્ટ સાથે આવી રહી છે જે લોકોને ખરેખર જીવનને માણતા શીખવવાનો સંદેશ આપે છે. ફિલ્મમાં પ્લસ પોઈન્ટ કહી શકાય તેવી મોટાભાગની વસ્તુઓ છે. સ્ટાર કાસ્ટની એક્ટિંગથી લઈ સિનેમેટોગ્રાફી અને ઉત્તરાખંડના જબરદસ્ત લોકેશનમાં લાગણીઓથી છલકથી રોડ ટ્રીપ એટલે ‘ચાલ જીવી લઈએ’.
આ ફિલ્મનું નિર્દેશન વિપુલ મહેતાએ કર્યું છે. ૨ કલાક ૧૭ મિનિટની આ ફિલ્મ રોડ ટ્રીપ, કોમેડી ડ્રામા અને સામાજીક પરિસ્થિતિઓ સાથે સંકળાયેલી છે. એક બાપ અને દિકરા વચ્ચે કેવા સંબંધો હોય તેની લાગણીઓને સંપૂર્ણ રીતે દર્શાવાઈ છે. પોતાની જીંદગીમાં ખુબજ વ્યસ્ત રહેતો એક દિકરો અને તેની સાથે થોડોક સમય જીવી લેવા માંગતા પિતાની સ્ટોરી છે. સિધ્ધાર્થ રાંદેરીયા બિપીનચંદ્ર પરીખના કેરેકટરમાં કેટલીક વખત દર્શકોને રોવડાવી પણ શકે અને ખડખડાટ હસાવી પણ શકે. એક પછી એક બેક ટુ બેક ધમાકેદાર ડાઈલોગ ડીલીવરી લોકોને અંતે સુધી જકડી રાખે છે.
ફિલ્મમાં મજેદાર ટવીસ્ટ અને ધમાકેદાર કલાઈમેકસ રાખવામાં આવ્યો છે. ફિલ્મનો એક જ સિધ્ધાંત છે કે જીંદગીને છેલ્લા શ્વાસ સુધી મન ભરી માણી લો. ગુજરાતી ફિલ્મમાં જીગરદાન ગઢવી ઉપરાંત સોની નિગમે ગાયેલ ગીત પાપા પગલી ખુબજ હૃદયસ્પર્શી છે.