અફઘાન સાથે સંબંધો જાળવીને તેની ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈ પાકિસ્તાન અને ચીન સામેની લડાઈમાં અડીખમ રહેવાનો મોદીનો વ્યૂહ છે. જો મોદીની આ આરપારની લડાઈમાં અમેરિકાનો સાથે મળે તો જ બે- બે પાડોશી દેશો સાથે જોશભેર ભીડવુ શક્ય બની શકે તેમ છે. માટે જ હવે આગામી સમયમાં અમેરિકાનું સ્ટેન્ડ જ ત્રણેય દેશોની સ્થિતિ શુ થશે તે નક્કી કરી દેશે.
અફઘાન સાથે સંબંધો જાળવીને તેની ભૌગોલિક પરિસ્થિતિનો લાભ લઈ પાકિસ્તાન અને ચીન સામેની લડાઈમાં અડીખમ રહેવાનો મોદીનો વ્યૂહ
અમેરિકાનો સાથ યથાવત રહે તો જ બે- બે પાડોશી દેશો સાથે જોશભેર ભીડવુ શક્ય
ભારતના પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો વર્ષોથી વણસેલા છે. ચીન અને પાકિસ્તાન તેની ભૌગોલિક પરિસ્થિતિને કારણે ભારત સામે મજબૂતીથી ઉભા છે. આ દરમિયાન ભારતે અફઘાનિસ્તાન સાથે સંબંધો સુધારી ત્યાં સુધી રોડ બનાવીને ભૌગોલિક ફાયદાઓ મેળવવાની કવાયત હાથ ધરી દીધી છે. ભારતની બે બાજુ દુશ્મનોએ લીધી છે. એક તરફ પાકિસ્તાન અને બીજી તરફ ચીન. આ ઉપરાંત ચીને તિબેટ ઉપર પણ કબજો જમાવ્યો છે. માટે ત્યાંથી ચીન પ્રેરિત જ ગતિવિધિઓ થઈ રહી છે.
આમ બન્ને દિશાઓમાં દુશ્મનો છે. ઉપરની તરફ અફઘાનિસ્તાનની જગ્યા બચી છે. જેને મોદીએ આશાનું કિરણ બનાવ્યું. મોદીના શપથ સમારોહમાં નાના એવા અને આતંકવાદીઓના હબ ગણાતા અફઘાનિસ્તાનના પ્રેસિડેન્ટને જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. પણ ત્યારથી જ મોદીએ તેના વ્યૂહની અમલવારી શરૂ કરી દીધી હતી. હાલ અફઘાનિસ્તાન જ ભારતને ભૌગોલિક પરિસ્થિતિમાં મજબૂત વધારવા માટે ઉપયોગી સાબિત થયું છે.
ભારતની ઉપરની બાજુએ આવેલું અફઘાનિસ્તાન આમ તો તાલિબાનોના કહેરનું સ્થળ માનવામાં આવે છે. પણ છતાં ત્યાં સુધી સડક બનાવવાના મોદીના વ્યુહે પાકિસ્તાન અને ચીન બન્ને દેશોના પેટમાં તેલ રેડી દીધું હતું. આ ઉપરાંત ઈરાનના ચાબહાર પોર્ટના વિકાસમાં ફાળો આપી ત્યાં પરિવાહન વધારવું પણ દુશ્મનો પચાવી શક્યા ન હતા. જો કે અમેરિકા પણ આ ઘટના પચાવી શક્યું ન હતું. માટે શરૂઆતમાં તેને પણ વિરોધ ઉઠાવ્યો હતો. પણ બાદમાં તેને સમગ્ર બાબત સમજાતા તેને પણ આમાં કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. બીજી તરફ મુસ્લિમ વસ્તીવાળા 145 દેશોએ પણ સ્વીકાર્યું કે મોદી મુસ્લિમ વિરોધી નથી. જેનાથી પાકિસ્તાનની હાલત કપરી બની ગઈ હતી. આમ પાકિસ્તાન અને ચીન સાથે ભારતને વર્ષોથી વિવાદ ચાલ્યો જ આવે છે. અને હજુ ચાલ્યો જ રહેવાનો છે. પણ અમેરિકાનો ઝુકાવ ભારત તરફે જ રહેશે તો ભારતની સ્થિતિ મજબૂત જ રહેશે.
તિબેટ વિવાદ તદ્દન અલગ જ, તેમાં ભારતના હસ્તક્ષેપ પાછળ પણ એક કારણ છે
ભારત અને ચીન બંને દેશ ઉપનિવેશ રહ્યા છે એટલે તેમનામાં સંપ્રભુતા માટે ઝનૂન પણ ઘણું વધારે છે. બંધારણીય રીતે ભારત પણ માને છે કે કોઈ પણ દેશની આંતરિક બાબતમાં અન્ય દેશે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. પોતે ભારત પણ કાશ્મીરને લઈને અન્ય કોઈ દેશનો હસ્તક્ષેપ સ્વીકાર નથી કરતું. ચીન પણ ભારતના આ વલણને માને છે અને તે કાશ્મીર વિશે પ્રમુખતાથી કંઈ બોલવાથી બચે છે.જોકે તિબેટના વિવાદમાં ભારતે જરૂર ચીનની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કર્યો છે. ભારતે એક તરફ તિબેટને ચીનનો ભાગ માન્યો છે તો બીજી તરફ દલાઈ લામાને શરણ પણ આપી છે. ભારતમાં તિબેટના લાખો શરણાર્થીઓ છે એટલે ભારત આ મુદ્દાની અવગણના ન કરી શકે કારણકે તેની અસર ભારત પર જ થશે.દલાઈ લામાને ભારતના લોકો એક રાજનેતા નહીં પરંતુ એક ધર્મગુરુ તરીકે જુવે છે. તેમની સાથે એક ભાવનાત્મક જોડાણ છે અને તિબેટ ભારતની સરહદ સાથે જોડાયેલું છે.
પાકિસ્તાન-ચીન મિત્રતા એક મજબૂરી
ચીન સાથેની મિત્રતા એ પાકિસ્તાનની મજબૂરી છે કારણ કે તે એકલા ભારત સાથે સ્પર્ધા કરવામાં સક્ષમ નથી. આ ચીનની પણ મજબૂરી છે. તેથી તે ભારતની સામે પાકિસ્તાની સૈન્યની મદદ લઈ રહ્યું છે. આ ઉપરાંત દુશ્મન કા દુશ્મન દોસ્ત હોતા હૈ આ કહેવત પણ ભારત, પાકિસ્તાન અને ચીનના સબંધ ઉપર લાગુ પડે છે. ભારતના ચીન અને પાકિસ્તાન બન્ને સાથે સંબંધો સારા નથી. ઉપરાંત ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ચીનને ભારત સામે ભીડવા માટે પાકિસ્તાનની જમીનની જરુર પડે તેમ છે. સામે પાકિસ્તાન ભારત સામે ભીડવા સક્ષમ નથી. તેને ચીનની જરૂર છે. આમ પાકિસ્તાન અને ચીન બન્ને એક થઈને ભારત સામે ઊભા છે.
ચાબહાર પોર્ટના વિકાસ પાછળનું તર્ક અમેરિકાને સમજાઈ ગયા બાદ મોદી માટે માન વધ્યું
ચાબહાર પોર્ટ ભારત, ઈરાન, અફઘાનિસ્તાન, યુરોપ અને સમગ્ર ગલ્ફ ખાડીની મિત્રતાનું પ્રતિક છે. આ પોર્ટના વિકાસ ઉપર ભારતે એટલા માટે રસ દાખવ્યો કે તે અફઘાનિસ્તાન સાથે પણ કનેક્શન ધરાવે છે. આ પાછળનું તર્ક અમેરિકાને સમજાઈ જતા તેમનું મોદી માટેનું માન ખૂબ વધ્યું હતું. ભૂતકાળમાં અમેરિકાએ ઇરાનમાં મહત્ત્વપૂર્ણ ગણાતા ચાબહાર પોર્ટના વિકાસ માટે પ્રતિબંધ મુક્યાં હતા. પરંતુ ભારતને કેટલાક પ્રતિબંધોમાંથી મુક્તિ આપી હતી. ભારતને મળેલી છૂટમાં ચાબહાર પોર્ટને અફઘાનિસ્તાન સાથે જોડતી રેલવે લાઇન પણ સામેલ કરાઈ હતી.