તરસ છિપાવવા માટે લોકો પ્રવાહી વસ્તુઓનો ઉપયોગ વધુ કરે છે, જેમાં સોફ્ટ ડ્રિંકનો ઉપયોગ સૌથી વધુ થાય છે. પરંતુ સોફ્ટ ડ્રિંક તમારા સ્વાસ્થ્ય માટે ખરાબ છે.
એક સંશોધન મુજબ, વધુ નરમ અથવા ઠંડાં પીણાંના વપરાશથી કેન્સર,ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓ થઈ શકે છે. તેથી જો તમે પણ સોફ્ટ ડ્રિંકનો વધુ વપરાશ કરો છો તો તમે ચેતી જજો.
સોફ્ટ ડ્રિંકમાં કલર કેમિકલ્સ, કેફીન, એસ્પાર્ટેમ અને એક્સ્ટ્રા આર્ટિફિશિયલ સ્વીટનેસ હોય છે. 350 મિલિલિટર કોલ્ડ ડ્રિંકમાં લગભગ 10 ચમચી જેટલી ખાંડ હોય છે, જે અનેક રોગોનું કારણ બને છે. ફક્ત આટલું જ નહીં, તેમાં એવા ઘટકો સામેલ હોય છે, જે તમને ધીમે-ધીમે આ પીણાં પીવાની આદત પડાવી દે છે.
ડાયાબિટીસનું જોખમ
સોફ્ટ ડ્રિંકમાં રહેલી ખાંડને પચાવવા માટે શરીરને ઇન્સ્યુલિનની જરૂર પડે છે, જેનાથી સ્વાદુપિંડ પર દબાણ આવે છે. તેનાથી ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ બહુ વધી જાય છે.
હાડકાં નબળા થવાનું જોખમ
સોફ્ટ ડ્રિંકનું વધુ સેવન બોન મિનરલ ડેન્સિટીને પણ અસર કરે છે. તેનાથી હાડકાં ઝડપથી તૂટી જાય છે. સોફ્ટ ડ્રિંકમાં કેફીન હોય છે, જે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાં કેલ્શિયમ ઉત્સર્જનની માત્રામાં વધારો કરે છે. તેનાથી ઓસ્ટિયોપોરોસિસ (હાડકાં નબળા થવા)નું જોખમ વધી જાય છે.
મેદસ્વીતાનું કારણ
સોફ્ટ ડ્રિંકમાં આશરે 600 મિલિલિટર સોડામાં 240 કેલરી સાથે ખાંડ પણ ખૂબ ઊંચી માત્રામાં હોય છે, જે સ્થૂળતાનું કારણ બને છે. જો તમે દરરોજ 1 કેન સોફ્ટ ડ્રિંક અથવા કોલ્ડ ડ્રિંક પીઓ છો તો વર્ષ દીઠ તમારું વજન 14 પાઉન્ડ એટલે કે આશરે 6 કિલો સુધી વધી શકે છે.