રાજકોટ મહાનગરપાલિકાની વર્તમાન ચૂંટાયેલી પાંખને શાસન ધૂરા સંભાળ્યાને ચાર મહિના જેટલો સમય પૂર્ણ થનાર છે ત્યાં તમામ સમિતિના ચેરમેનોની એક સમીક્ષા બેઠક મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા બોલાવવામાં આવી હતી. આ મિટિંગમાં મેયર ડૉ. પ્રદીપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલ,શાસક પક્ષના નેતા વિનુ ઘવા, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા તથા તમામ ખાસ સમિતિઓના ચેરમેન ઉપસ્થિત રહ્યા હતા.
આ રીવ્યું મિટિંગમાં તમામ ખાસ સમિતિઓના ચેરમેન દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના વિભાગમાં હાલમાં ચાલુ પ્રોજેક્ટ, નવા આયોજનો વિગેરે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બાદમાં, મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટ સમયમર્યાદામાં અને નિયત કર્યા મુજબ પૂર્ણ થાય તે માટે નિયમિત રીતે સંબંધિતઅધિકારીઓ સાથે પરામર્શ કરી હતી.
સાથે જ પ્રોજેક્ટની પ્રગતી જળવાઈ રહે તે મુજબ કામગીરી કરવા તથા શહેરની વિકાસ યાત્રાને વધુ ઝડપથી આગળ વધારી, શહેરીજનોની પ્રાથમિક જરૂરિયાતના પ્રશ્નોના નિરાકરણ માટે આધુનિક સુવિધા ઉપલબ્ધ કરવા પર ભાર મુક્યો હતો. આ મિટિંગમાં ઉપસ્થિત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે તમામ ખાસ સમિતિઓના ચેરમેનને વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.