‘રાજ્યમાં ‘તાઉતે’ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર સહિતના સમુદ્રકાંઠા વિસ્તારમાં ભારે નુકસાની થઈ છે. જેના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે રાજ્ય સરકારે ઉપાડી છે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે. બચાવ અને રાહત કામગીરી અંગે આજરોજ માહિતી આપતા સીએમએ કહ્યું કે રાજ્યમાં તમામ ગામો-રસ્તાઓ પૂર્વવત થયા છે, કોઇ ગામ સંપર્ક વિહોણું રહ્યું નથી. માર્ગ-મકાન વિભાગે માત્ર 3 જ દિવસમાં માર્ગો પરની આડશો દૂર કરી રસ્તાઓ ચોખ્ખા અને વાહન વ્યવહાર યોગ્ય બનાવ્યા છે. તેમજ 10447 ગામોમાંથી લગભગ બધા ગામોમાં વીજપુરવઠો શરૂ કરી દેવાયો છે. માત્ર 450 ગામોમાં વીજપુરવઠો શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ રહી છે.
મુખ્યમંત્રીએ એમ પણ જણાવ્યું કે, ‘આ વાવાઝોડાને પરિણામે વીજ કંપનીઓના 220 કે.વી.ના સબસ્ટેશનને થયેલ નુકશાનની મરામત માટે, પાવરગ્રીડ સમારકામ માટે કલકત્તાથી હવાઇ માર્ગે વિશેષ ટીમો બોલાવીને કામગીરી શરૂ કરી છે. રાજ્યમાં મોટા નગરોમાં હવે માત્ર જાફરાબાદ નગરમાં વીજપુરવઠો શરૂ થવાનો બાકી છે તે પણ 28મી મે સુધીમાં શરૂ કરી દેવાશે. સહાય ચુકવણી અંગે માહિતી આપી કે અસરગ્રસ્ત લોકો-પરિવારોને કેશડોલ્સ, ઘરવખરી સહાય ચુકવવાની શરૂ કરી છે. અત્યાર સુધીમાં સવા બે લાખ લોકોને 10 કરોડ રૂપિયા જેટલી કેશડોલ્સ ચૂકવી છે. એટલું જ નહિ, 15 હજાર જેટલા પરિવારોને પરિવાર દિઠ 7 હજારની ઘરવખરી સહાય અપાઇ છે. આ કામગીરી પણ આગામી રવિવાર સુધીમાં પુર્ણ થઇ જશે.
જે મકાનોનો સંપૂર્ણ નાશ, અંશત: નુકશાન કે 33 ટકાથી વધુ નુકશાન માટે અને ઝૂંપડાને થયેલા નુકશાન માટે અગાઉ જાહેર કર્યા પ્રમાણે અનુક્રમે 95,100, 25 હજાર અને 10 હજાર સહાય ચુકવવાની કામગીરી પણ શરૂ છે. તેમજ પ્રથમવાર સવાસોથી વધુ કૃષિ વૈજ્ઞાનિકોને બાગાયતી પાકોના ઝાડ-વૃક્ષો ધરાશાયી થયા છે તેને તે જ સ્થળે પૂન: સ્થાપના, ફરી વાવેતર માટેની સંભાવના ચકાસી ખેડૂતોને માર્ગદર્શન આપવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોકલ્યા છે. આ કૃષિ વૈજ્ઞાનિકોના સર્વે બાદ તેમની સાથે જોઇન્ટ મિટીંગ કરીને તેના આધારે ખેતીવાડી વિભાગ એકશન પ્લાન તૈયાર કરાશે. તેમજ આ નવતર અભિગમ સાથે જાપાનીઝ થીયરી કે ઘનિષ્ઠ વૃક્ષારોપણ થીયરી અપનાવી આ વર્ષના વન મહોત્સવમાં મોટા પાયે વૃક્ષારોપણ કરાશે અને તે અંગેનો એકશન પ્લાન પણ સંબંધિત વિભાગો બનાવાશે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું કે, તાઉતે વાવાઝોડના પરિણામે ખેડૂતોના બગાયતી પાકને સૌથી વધુ નુક્સાન થયું છે. હાલ તમામ અસરગ્રસ્ત વિસ્તારનો સર્વે ચાલી રહ્યો છે, તેમાં પણ સરકાર ઉદાર હાથે ખેડૂતોને પેકેજ આપવાનું વિચારી રહી છે. આગામી 3 થી 5 દિવસમાં અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે થઇ ગયા બાદ બાગાયતી પાક, મત્સ્ય ઉદ્યોગને થયેલા નુક્સાન માટેના જરૂરિયાત મુજબના પેકેજની જાહેરાત પણ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લઇને કરશે. કૃષિમંત્રી આર. સી. ફળદુએ કહ્યું કે નુકશાનીના અંદાજો-સર્વે માટે ગ્રામસેવકોની 437 ટીમ બનાવીને કામગીરી વ્યાપકપણે હાથ ધરાઇ છે. ખાસ કરીને નાળિયેરી, આંબા, લીંબુ જેવા બાગાયતી પાકોના ૧૬ લાખ ૪ર હજાર જેટલા વૃક્ષોને આ વાવાઝોડાથી નુકશાન પહોચ્યુ છે અને તે અન્વયે 86 ટકા જેટલો સર્વે પૂર્ણ થઇ ગયો છે.