ગીર-સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાએ વ્યાપક નુકસાન કરેલ. જેમાં ઉના, ગીરગઢડા, કોડીનાર તાલુકા વધારે અસરગ્રસ્ત થયેલ અને ખેડૂતો, પશુપાલકો, મકાનો તેમજ લોકોને ખુબ જ નુકસાન થયેલ. જે સંદર્ભે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉના તાલુકાના અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉના ખાતે જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ લોકોને તાત્કાલીક સહાય મળે તે અંગે ઝડપથી સર્વે કરી ચુકવણું કરવા તાકીદ કરી હતી.
ઉના-ગીરગઢડા-કોડીનાર તાલુકાના વધારે અસરગ્રસ્ત ગામોમાં કલેકટરના માર્ગદર્શન હેઠળ કરાઈ કામગીરી રૂ.187 કરોડથી વધુ રકમની સહાય ચુકવાઇ
જિલ્લા કલેકટર અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જુદી-જુદી ટીમો બનાવી સર્વે કરી સહાયની ચુકવણી કરવામાં આવી રહી છે. જે પૈકી ઢોરના 1589 શેડની રૂા. 85 લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે. 101284 લોકોને રૂા. 6 કરોડથી વધુ કેશડોલ્સની સહાય ચુકવવામાં આવી છે. ઘરવખરીની સહાય 32138 કુટુંબોને રૂા. 23 કરોડથી વધુ ચુકવવામાં આવી છે. 906 કુટુંબોના 5601 પશુઓની રૂા. 2.7 કરોડથી વધુ સહાય ચુકવવામાં આવી છે.
સંપૂર્ણ નુકસાન પામેલ 738 મકાનને રૂા. 6 કરોડથી વધુ સહાય ચુકવવામાં આવી છે. અશંત નુકસાન પામેલ કાચાપાકા 1105 મકાન માલિકોને રૂા. 1.32 કરોડથી વધુ સહાય ચુકવવામાં આવી છે. 14 મૃત્યુ થયેલ તેમના વારસદારોને રૂા. 56 લાખની સહાય તેમજ ઇજાગ્રસ્ત થયેલ 37 લોકોને રૂા. 9 લાખથી વધુની સહાય ચુકવવામાં આવી છે. તેમજ 32000 ખેડૂતોને રૂા. 11 કરોડથી વધુ રકમની સહાયનું ચુકવણું કરવામાં આવેલ છે. માચ્છીમાર લોકોની બોટ/હોડીને નુકસાન થયેલ છે. તેમની સહાય ચુકવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લાના તમામ ગામોમાં વિજળી, પાણી પુરવઠો પુર્વવત કરવામાં આવેલ છે.