જામનગરમાં પહેલીવાર જાણો ખેડૂતોનું શું કહેવું છે, હકિકતમાં કેટલું અને શું શું નુકશાન થયુ !

શું ઉનાળો ગાયબ થઇ ગયો, આ વખતે તો શિયાળા બાદ જેવો ઉનાળો શરૂ થયો કે તુરંત સમાયંતરે કમોસમી વરસાદ પડી રહ્યો છે. માવઠાથી સીધું નુકશાન ધરતીના તાતને થઇ રહ્યું છે. ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. વડીલ ખેડૂતોનું કહેવું છે કે અમારી આટલી જીંદગીમાં પહેલીવાર એવું બન્યું છે કે ઉનાળામાં આટલી વખત વરસાદ પડ્યો હોય. આ માવઠું પણ એવું કે જાણે ચોમાસાની ઋતુ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા ભલે તાબડતોડ જાહેરાત કરી દીધી હોય કે નુકશાનીનો સરવે કરી સહાય ચૂકવવામાં આવશે, પરંતુ ખરેખર માવઠાને લીધે ખેડૂતોના દિલમાં શું વીતી રહી છે એ જાણવાનો પ્રયાસ અબતકે કર્યો હતો, જેમાં કેટલાક રોચક તથ્યો સામે આવ્યા હતા. ખેડૂતોએ પોતાની કાલીઘેલી ભાષામાં પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું હતું અને આ માવઠાથી ખરેખર ક્યા પાકમાં કેવું નુકશાન થશે તે અંગે વાત કરી હતી.

ઉદ્યમી ખેડૂત પાયલબેને જણાવ્યું કે અત્યારે ખેતરમાં પાક તૈયાર થઇ ગયો છે, લણવાનો સમય આવ્યો ને માવઠાની આફત આવી એટલે તમામ પાક બગડી ગયો છે. 50 ટકાથી વધુ તૈયાર પાક બગડી ગયો છે. હાલ ખેતરમાં તલ, બાજરો, જુવાર અને શાકભાજી ઉભા છે, વરસાદ થવાથી આ તમામ પાક નિષ્ફળ જશે. જમીન પલળેલી હોવાથી ખેતીના ઓજારોથી કામ થશે નહીં, ના છૂટકે મજૂરોથી કામ કરાવવું પડશે. મજૂરોને 300થી 500 રૂપિયાની મજૂરી ચૂકવવી પડે છે, મજૂરી બાદ યાર્ડ સુધી મોલ પહોંચાડવામાં પણ ખર્ચ થશે.

છેલ્લે જ્યારે જણસ વેંચાયા બાદ ખેડૂતના હાથમાં માત્ર મહેનત જ વધશે! – પાયલ પટેલ, આરબલુસ, લાલપુર તો લતીપુરના ખેડૂત બલદેવભાઇએ જણાવ્યું કે લેભાગુ તત્વોને સહાય મળી જાય છે પરંતુ ખરેખર હકદાર ખેડૂતો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચતો નથી. આ બાબતમાં ખેડૂતનો પણ ક્યાંકને ક્યાંક વાંક રહેલો છે, કારણ કે અભણ ખેડૂત સમાયંતરે યોજાતી કૃષિ મિટિંગોમાં ગેરહાજર રહે છે, જેથી યોજનાઓની માહિતીથી તે વાકેફ રહેતો નથી.

બાગાયતી ખેતી કરતાં ખેડૂત કિશોરભાઇનું કહેવું છે કે કમોસમી વરસાદને કારણે સૌથી વધુ નુકશાન બાગાયતી પાકને થયુ છે. બાગાયત પાકોમાં ફળપાકો, શાકભાજીના પાકો, ફૂલના પાકો, સુશોભિત ફૂલછોડ અને ઔષધીય પાકોનો સમાવેશ કરવામાં આવે છે. જામફળ, સીતાફળ. સદાપર્ણી ફળ પાકો (યદયલિયિયક્ષ રિીશિં િયિંયત)  આંબો, ચીકુ, લીંબુ. વગેરે પાક અત્યારે ખેતરમાં તૈયાર થઇ રહ્યો છે, એવામાં કમોસમી વરસાદને કારણે તૈયાર પાક ખરી રહ્યો છે.

તો ધ્રાંગડા ગામના ખેડૂત દિલસુખભાઇનું કહેવું છે કે સાહેબ માવઠાની તો વાત જ ન કરો, જૂવાર, બાજરા, મગ બધુ જ બગડી ગયું છે. મહેનત કરીને ખેડૂતે મોલ તૈયાર કર્યો જ્યારે ખેડૂતને કમાણી કરવાનો વારો આવ્યો ત્યાં જ વરસાદ પડ્યો. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઇ ગયો હોય તેમ લાગી રહ્યું છે. હાલ ખેતરમાં કાપણીનો સમય હોવાથી વરસાદને કારણે મોલ જમીન પર પથરાઇ ગયો છે. ખેડૂતો વતી હું સામાન્ય લોકોને વિનંતી કરુ છું કે વધુમાં વધુ પર્યાવરણનું જનત કરો અને વધુમાં વધુ વૃક્ષો વાવો જેથી વાતાવરણ અનુકુળ રહે અને કમોસમી વરસાદ ન થાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.