- ભાજપે પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્ ન કરતા હવે ક્ષત્રિય સમાજનો વન લાઇન એજન્ડા ‘ભાજપ વિરોધી મતદાન’
- ડેમેજ કંટ્રોલ કરવામાં નિષ્ફળ રહેલા ભાજપ માટે હવે પાંચ લાખની લીડની વાત એકબાજુ રહી ગઇ: તમામ બેઠકો જીતે તો પણ મોટી વાત
- વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના હોમસ્ટેટમાં ભાજપ સામે 6 થી 7 બેઠકો પર મોટો પડકાર: જામનગરમાં મોદીની સભા કરતા ક્ષત્રિયોના અસ્મિતા સંમેલનમાં વધુ મેદની જોવા મળી: આજે સુરેન્દ્રનગરમાં ક્ષત્રિય સમાજનો સંમેલન
લોકસભાની આ વખતની ચૂંટણી ગુજરાતમાં કંઇક અલગ જ રંગ બતાવી રહી છે. ચૂંટણી તારીખ જાહેર થઇ તે પૂર્વે જ એવું કહેવાતું હતું કે વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહમંત્રીના હોમસ્ટેટમાં ભાજપે આ વખતે બહું મહેનત કરવી પડશે નહિં પરંતુ ઉમેદવારોના બગડેલા બોલે ભાજપને હાલ મુશ્કેલીમાં મૂકી દીધો છે. ક્ષત્રિય સમાજનો ‘વટ’ ભાજપના કેટલા ‘વોટ’ તોડશે તેના પર દેશભરની નજર મંડાયેલી છે. રાજ્યમાં છેલ્લી બે ચૂંટણીથી લોકસભાની તમામ 26 બેઠકો જીતતા ‘કમળ’ સામે આ વખતે 6 થી 7 બેઠકો પર મોટો પડકાર ઉભો છે.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાએ રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી ફાટી નીકળી છે. ખૂદ રૂપાલાએ આ સંદર્ભે ત્રણવાર માફી માંગી હતી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે પણ બે હાથ જોડીને ક્ષત્રિયોની માફી માંગી હતી. છતા ક્ષત્રિય સમાજ એક બાબત પર અડગ હતો કે ભાજપ દ્વારા રૂપાલાની ટિકિટ રદ્ કરવામાં આવે. સત્તાના નશામાં ભાજપે ક્ષત્રિય સમાજની આ માંગણીને કાને ધરી ન હતી અને રૂપાલાને રાજકોટ બેઠક પરથી યથાવત રાખ્યા છે. હવે દિનપ્રતિદિન ક્ષત્રિય સમાજનો વટ મજબૂત બની રહ્યો છે. વન લાઇન એજન્ડાએ છે કે રાજ્યની તમામ બેઠકો પર ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી મતદાન કરવામાં આવશે. ભાજપનું ડેમેજ કંટ્રોલ સરેઆમ નિષ્ફળ નિવડ્યું છે. હવે ક્ષત્રિયોનો વટ ભાજપની વોટબેંકમાં કેટલું ગાબડું પડે છે. તેના પર તમામ રાજકીય પંડિતોની મીટ મંડાયેલી છે. વિવાદનું કેન્દ્રસ્થાન ભલે રાજકોટ લોકસભા બેઠક રહી હોય પરંતુ હવે આ આગ રાજ્યની 6 થી 7 બેઠકો પર લબકારા મારી રહી છે. જામનગર અને સુરેન્દ્રનગર બેઠક પર સૌથી વધુ અસર વર્તાઇ રહી છે.
ગઇકાલે જામનગરના ખીજડીયા ખાતે હાલારના ક્ષત્રિય સમાજનું એક અસ્મિતા મહાસંમેલન યોજાયું હતું. જેમાં રાજ્યભરમાંથી ક્ષત્રિયો ઉમટી પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની જામનગર જાહેરસભામાં જેટલી મેદની જોવા મળી ન હતી. તેના વધુ મેદની ક્ષત્રિય સમાજના સંમેલનમાં દેખાતી હતી. આ વાત પરથી પ્રસ્થાપિત થાય છે કે ક્ષત્રિયોએ હવે એક મન બનાવી લીધું છે કે કોઇપણ કાળે ભાજપને મત આપશે નહિં. બીજી તરફ ભાજપ દ્વારા પણ મનામણાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તમામમાં ભાજપ સરેઆમ નિષ્ફળ નિવડી રહ્યું છે. ક્ષત્રિયોના રોષની અસર માત્ર સૌરાષ્ટ્ર પુરતી રહી નથી. રાજ્યની તમામ બેઠકો પર જોવા મળી રહી છે. જેના કારણે ભાજપના ચાણક્ય ગણાતા અમિત શાહે ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસ સુધી રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરવાની ફરજ પડી રહી છે. હાલ ભાજપ સામે સૌરાષ્ટ્રની ત્રણ સહિત રાજ્યની સાતેક બેઠકો પર પડકાર જોવા મળી રહ્યો છે. તમામ 26 બેઠકો પાંચ લાખ કે તેથી વધુ લીડ સાથે જીતવાની વાત એકબાજુ મૂકી દેવામાં આવી છે. હવે જીત કેમ મળે તેના પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીત કરી દેવામાં આવ્યું છે. પ્રથમ બે તબક્કામાં મતદાનની ઓછી ટકાવારીએ આમ પણ ભાજપનું ટેન્શન વધારી દીધું છે. હવે મંગળવારનો દિવસ ભાજપ માટે ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. જો ક્ષત્રિય સમાજ વટને પકડી વોટ કરશે તો ભાજપની મુસિબત વધશે.
21મી સદીમાં પણ જ્ઞાતિ જાતિનું રાજકારણ ચરમસીમાએ
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ભલે વારંવાર એકવાત કહી રહ્યા હોય કે અમે વિકાસની રાજનીતી અપનાવી છે પરંતુ બીજી તરફ જોવામાં આવે તો ભારતના રાજકારણમાં આજની તારીખે પણ જ્ઞાતિ-જાતિનું રાજકારણ જ સર્વેસર્વા રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યથી લઇ રાષ્ટ્રપતિ સુધીની ચૂંટણીમાં જ્ઞાતિને વધુ મહત્વ આપવામાં આવે છે. આ વખતે પણ કંઇક આવો જ સીનારીયો જોવા મળ્યો છે. 21મી સદીમાં પણ દેશમાં જ્ઞાતિ આધારિત રાજકારણ ચરમસીમાએ પહોંચી ગયું છે. એક-એક બેઠક પર જ્ઞાતિના સમિકરણોના ચોગઠા ગોઠવી ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે અને વધુ વસતી ધરાવતા સમાજના લોકોને વધુ ટિકિટ આપવામાં આવે છે. જેના કારણે એવી સ્થિતિનું નિર્માણ થાય છે કે લાયક ઉમેદવારને ટિકિટથી વંચિત રહેવું પડે છે. જેની સામે ઓછી લાયકાત ધરાવતા વ્યક્તિને નેતા બનવાની તક મળી જાય છે.
નેતાઓના બગડેલા બોલ લોકશાહી માટે કલંક સમાન
વોટબેંક જાળવી રાખવા માટે નેતાઓ ગમે તે શબ્દોનો પ્રયોગ કરતા હોય છે. નેતાઓના બગડેલા બોલ લોકશાહી માટે એક કાળા કલંક સમાન છે. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ એવું નિવેદન આપ્યું હતું કે રાજા-રજવાડાઓએ અંગ્રેજો સાથે રોટ-બેટીના વ્યવહાર કર્યા હતાં. જેનાથી ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળતા જ્યારે માફી માંગી ત્યારે પણ બગડેલા બોલ જ વાપર્યા હતા. જેમાં તેઓએ કહ્યું હતું કે ક્ષત્રિયોને માઠું લાગ્યુંએ વિધાન જ્યાં બોલ્યો જે કાર્યક્રમ કોઇ કામનો ન હતો. જ્યારે વિસાવદરમાં ભાજપની સભામાં ભૂપત ભાયાણીએ રાહુલ ગાંધીને નપુંસક નેતા કહ્યા હતા. જૂનાગઢમાં ભાજપની સભામાં કિરીટ પટેલના બોલ બગડ્યા હતા. તેઓએ એવું નિવેદન આપ્યું હતું કે અગાઉ રાણીની કૂખે લુંલા-લંગડા જે પણ સંતાનો જન્મે તે રાજકુમાર અને રાજા બનતા હતા. લોકશાહીમાં મતપેટીમાંથી રાજા બને છે.
પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ રાહુલ ગાંધીને બીજા ગાંધીજી કહ્યા હતા અને મહાત્મા ગાંધીમાં લૂચ્ચાઇ હતી. રાહુલ ગાંધી તો સાવ નિર્દોષ છે. જ્યારે પરેશ ધાનાણીએ પટેલીયાઓ અને બેય હરખ પદુડા થઇ ભાજપને જીતાડવા નીકળ્યા છે. તેવું નિવેદન આપ્યું હતું. મનસુખ વસાવાની જીભ પણ લપસી હતી. તેને ચૈતર વસાવાથી કુતરૂં કે બિલાડું પણ ડરતું નથી. જીતુ વાઘાણીએ વિશ્ર્વના દેશો ભારતમાં બબુચક સરકાર બેસાડવા માંગે છે. તેવું જાહેરસભામાં કહ્યું હતું. છોટા ઉદેપુરમાં ભાજપની બેઠકમાં જશુ રાઠવાએ અપશબ્દો ઉચ્ચાર્યા હતા.
જ્યારે વડોદરામાં જાહેર સભામાં મધુ શ્રીવાસ્તવે એવું કહ્યું હતું કે કાર્યકર્તાઓનો કોલર પકડે તો ફાયરીંગ ન કરૂં તો મારૂં નામ મધુ શ્રીવાસ્તવ નહિં. જ્યારે તેને જવાબ આપતા ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પડકાર ફેંક્યો હતો કે જો તાકાત હોય તો ક્ષત્રિયો સામે ફાયરીંગ કરો. જ્યારે તાજેતરમાં ભાવનગર બેઠકના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજા-મહારાજાઓ અફીણના નશામાં પડ્યા હતા. તેવું નિવદેન આપ્યું હતું. નેતાના બોલથી લોકશાહી શર્મસાર થઇ જાય તેવું લાગી રહ્યું છે.
ડો.ભરત બોઘરાને ક્ષત્રિયોએ ઝાંઝમેરમાં પ્રવેશવા ન દીધા
ભાજપ સામે વટે ચડેલા ક્ષત્રિય સમાજે હવે ભાજપના નેતાઓ સામે પણ બાંયો ચડાવી છે. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા ગઇકાલે ધોરાજીના ઝાંઝમેર ગામે એક ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ગયા હતા. તેઓ ગામમાં આવી રહ્યા હોવાની વાત જાણવા મળતાની સાથે જ ક્ષત્રિયો સમાજના કેટલાંક આગેવાનો ગામના પાદરમાં પહોંચી ગયા હતા. ડો.બોઘરાની ગાડીને ગામમાં પ્રવેશતા રોકી લેવામાં આવી હતી. વિનંતી કરવા છતાં ગામમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. પરિણામ સ્વરૂપ ડો.બોઘરાને ઝાંઝમેરના પાદરથી પાછું વળી જવાની ફરજ પડી હતી. સૌરાષ્ટ્રના અનેક ગામો અને વિસ્તારોમાં ભાજપના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે આવવું નહિં તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. ભાજપ શાસિત રાજ્યમાં હાલ ભાજપના નેતાઓ માટે અમૂક ગામોમાં નો-એન્ટ્રી જેવો માહોલ બની ગયો છે.
કુતરૂં કે બિલાડું પણ ડરતું નથી. જીતુ વાઘાણીએ વિશ્ર્વના દેશો ભારતમાં બબુચક સરકાર બેસાડવા માંગે છે. તેવું જાહેરસભામાં કહ્યું હતું. છોટા ઉદેપુરમાં ભાજપની બેઠકમાં જશુ રાઠવાએ અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જ્યારે વડોદરામાં જાહેર સભામાં મધુ શ્રીવાસ્તવે એવું કહ્યું હતું કે કાર્યકર્તાઓનો કોલર પકડે તો ફાયરીંગ ન કરૂં તો મારૂં નામ મધુ શ્રીવાસ્તવ નહિં. જ્યારે તેને જવાબ આપતા ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પડકાર ફેંક્યો હતો કે જો તાકાત હોય તો ક્ષત્રિયો સામે ફાયરીંગ કરો. જ્યારે તાજેતરમાં ભાવનગર બેઠકના આપના ઉમેદવાર ઉમેશ મકવાણાએ રાજા-મહારાજાઓ અફીણના નશામાં પડ્યા હતા. તેવું નિવદેન આપ્યું હતું. નેતાના બોલથી લોકશાહી શર્મસાર થઇ જાય તેવું લાગી રહ્યું છે.