વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને કુલ મતદારોમાંથી ૫૦ ટકા કરતા ઓછા વોટ મળે છે અને કુલ બેઠકોમાંથી ૬૦ ટકા કરતા વધુ બેઠકો હાંસલ થાય છે જ્યારે કોંગ્રેસની પરિસ્થિતિ વિપરીત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને કુલ મતદારોમાંથી ૫૦ ટકા કરતાં ઓછા વોટ મળે છે અને કુલ બેઠકોમાંથી ૬૦ ટકા કરતાં વધુ બેઠકો હાંસલ થાય છે. જ્યારે કોંગ્રેસ માટે તેનાથી વિપરિત સ્થિતિ સર્જાય છે. કોંગ્રેસને કુલ વોટમાંથી ૪૦ ટકાથી ઓછા વોટ મળે છે અને તેની સામે કુલ બેઠકોમાંથી માત્ર ૩૦૩૨ ટકા જેટલી જ બેઠકો પ્રાપ્ત થાય છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વોટમાં ૯ ટકાનો તફાવત રહે છે પણ બેઠકોમાં ૧૫ ટકાથી વધુનો ફેર જોવા મળે છે. એનો સીધો અર્થ એ માની શકાય કે, આ ૧૫ ટકા બેઠકો એવી છે કે, જેના ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કસોકસ ચૂંટણી જંગ જામે છે અને એમાં અન્ય રાજકીય પક્ષો તથા અપક્ષોના વોટ શાસક ભાજપને મોટો લાભ કરાવે છે એટલે કે, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વહેંચાતા કુલ વોટ અને બેઠકોના મોટા તફાવતનું કારણ અન્ય પક્ષો અને અપક્ષોને મળતાં વોટ છે. ભાજપે આ માઈક્રોપ્લાનીંગને ક્યારનુંય અમલમાં મૂક્યું છે. કોંગ્રેસમાં તેની ઉણપ છે.

ગત ૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ભાજપને કુલ મતદાનમાંથી ૪૭.૮૫ ટકા મતદારોએ વોટ આપ્યા હતા. જ્યારે તેને કુલ ૧૮૨માંથી ૧૧૫ બેઠકો એટલે કે ૬૩.૧૯ ટકા બેઠકો ઉપર વિજય પ્રાપ્ત થયો હતો. એનો અર્થ એ થાય કે, ભાજપને ૪૭.૮૫ ટકા વોટની સામે ૬૩.૧૯ ટકા બેઠકો મળી, જે મળેલા વોટની સરખામણીમાં ૧૫.૩૪ ટકા વધુ છે. હવે બીજીબાજુ ૨૦૧૨ની જ ચૂંટણીમાં કુલ મતદાનમાંથી ૩૮.૯૩ ટકા વોટ મળ્યા હતા અને તેને કુલ ૧૮૨માંથી ૬૧ બેઠકો જીતી હતી. એટલે કે ૩૩.૫૨ ટકા બેઠકો મળી હતી. અર્થાત કોંગ્રેસને કુલ મતદાનના ૩૮.૯૩ ટકા વોટ મળ્યા હોવાછતાં તેને ૩૩.૫૨ ટકા જ બેઠકો મળી હતી એટલે કે કોંગ્રેસની મળેલા વોટની સરખામણીમાં ૫.૪૧ ટકા બેઠકો ઓછી મળી હતી.

એનું મખ્ય કારણ એ માની શકાય કે, ૨૦૧૨ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી)ને કુલ મતદાનમાંથી જે ૩.૬૩ ટકા વોટ મળ્યા હતા અને તેની સામે તેને ૨ બેઠકો એટલે કે કુલ બેઠકોમાંથી માત્ર ૧.૧૦ ટકા બેઠકો મળી હતી.

 

અર્થાત જીપીપીને મળેલા વોટની સરખામણીમાં ૨.૫૩ ટકા બેઠકો ઓછી મળી હતી. એવી જ રીતે અપક્ષોએ ૫.૮૩ ટકા વોટ મેળવ્યા હતા અને તેમને માત્ર એક બેઠક સાથે ૦.૫૫ ટકા બેઠકો મળી હતી એટલે કે અપક્ષોને મળેલા વોટની સામે ૫.૨૮ ટકા ઓછી બેઠકો મળી હતી. એનો અર્થ એ થાય કે, જીપીપીના ૩.૬૩ અને અપક્ષોના ૫.૫૩ ટકા મળીને કુલ ૯.૪૬ ટકા વોટ અને તેમને મળેલી બેઠકોમાં થયેલો કુલ જીપીપી (.૫૩) અને અપક્ષો (.૨૮) મળીને કુલ ૭.૮૧ ટકા બેઠકોમાં ઘટાડાનો સીધો લાભ ભાજપને થયો હતો.

આ બાબતને બીજી રીતે સમજીએ તો, ૨૦૧૨માં ભાજપના પરંપરાગત મતદાર ૪૭.૮૫ ટકા જેટલા હતા. જ્યારે કોંગ્રેસને ચાહનાર વર્ગ ૩૮.૯૩ ટકા જેટલો હતો. બાકીના ૧૩.૨૨ ટકા મતદારોને ભાજપ કે કોંગ્રેસ પસંદ ન હતા એટલે તેમણે અન્ય પક્ષો કે અપક્ષોને વોટ આપ્યા હતા અને તેના કારણે ભાજપને જે લાભ થયો તેટલા બેઠકો ઉપર ભાજપકોંગ્રેસ વચ્ચે કસોકસનો ચૂંટણી જંગ ખેલાયો હતો. એમાં ભાજપને વધુ વોટ મળતા હોવાથી ઓછા માર્જીનથી પણ ભાજપની જીત થઈ હતી.

૨૦૧૨ની ચૂંટણીમાં સ્થિતિ એવી સર્જાઈ હતી કે, ૩ ઉમેદવારો ઉભો હોય તેવી એક જ બેઠક હતી. જ્યારે ૬થી ૧૦ ઉમેદવારો મેદાનમાં હોય તેવી ૧૨૨ બેઠકો અને ૧૧થી ૧૫ ઉમેદવારો હોય તેવી ૩૪ બેઠકો અને ૧૫થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતર્યાં હોય તેવી ૧૧ બેઠકો હતી એટલે કે, ૬થી ૧૫ અને તેનાથી વધુ ઉમેદવારો ઉભા હોય તેવી કુલ ૧૬૭ બેઠકો હતી. એનો અર્થ એ થયો કે, જે બેઠકો ઉપર ૧૦ સુધી કે તેથી વધુ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યાં હતા તેવી તમામ બેઠકો ઉપર વોટ વહેંચાયા હતા અને એવી બેઠકો ઉપર હારજીતનો તફાવત પણ ઓછો થયો હતો. એ ઉલ્લેખનીય છે કે, એન્ટીઈન્કમબન્સી (સતત શાસનથી ત્રસ્ત મતદારોના વોટ) વોટ સત્તાધારી ભાજપને મળ્યા ન હતા પણ તેનો લાભ વિરોધ પક્ષ કોંગ્રેસને મળવાને બદલે તે વોટ અન્ય પક્ષો કે અપક્ષો વચ્ચે વહેંચાઈ ગયા હતા એમ મનાય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.