ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ અલગ-અલગ એજન્સી-ન્યૂઝ ચેનલો દ્વારા ઓપિનિયન પોલ જાહેર કરાશે

ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે પ્રથમ તબક્કામાં ગત 1 ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટે મતદાન થયું હતું. દરમિયાન આજે બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. આજે સાંજે મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતમાં ક્યાં રાજકીય પક્ષને કેટલી બેઠકો મળશે તે માટેના એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવશે.

ચૂંટણી પંચના નિયમ મુજબ જ્યાં સુધી તમામ તબક્કાનું મતદાન પૂર્ણ ન થાય ત્યાં સુધી ક્યાં રાજકીય પક્ષને કેટલી બેઠકો મળશે તેનું અનુમાન કે અંદાજ લગાવતા એક્ઝિટ પોલની ઘોષણા કરી શકાતી નથી. આજે સાંજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાંની સાથે જ રાજ્યની તમામ 182 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. ત્યારબાદ દોઢ કલાક પછી અલગ-અલગ એજન્સી અને ન્યૂઝ ચેનલો દ્વારા એક્ઝિટ પોલની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી અગાઉ કરવામાં આવેલા એક્ઝિટ પોલમાં રાજ્યમાં સતત સાતમી વખત ભાજપની સરકાર બની રહી હોય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો પરંતુ હવે બંને તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. 2017ની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારી ઘટી છે. હવે ક્યાં રાજકીય પક્ષને કેટલી બેઠકો મળે તેવી શક્યતા છે. તે સાંજે જાહેર કરવામાં આવશે. સામાન્ય રીતે એક્ઝિટ પોલના આંકડાઓ પરિણામથી ખૂબ જ નજીક હોય છે.

હવે બે દિવસ ભારે ઉત્તેજનાપૂર્ણ: ગુરૂવારે મત ગણતરી

બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાંની સાથે જ હવે ગુજરાતની જનતા અને ખાસ કરીને ચૂંટણી લડતા ઉમેદવારો તથા રાજકીય પાર્ટી માટે આગામી બે દિવસ ખૂબ જ ઉત્તેજનાપૂર્ણ રહેશે. કારણ કે આગામી ગુરૂવારે જ્યાં સુધી ઇવીએમ ઓપન કરવામાં નહિં આવે ત્યાં સુધીનો માહોલ થોડો ચિંતા જેવો રહેશે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે અલગ-અલગ બે તબક્કામાં મતદાન યોજવામાં આવ્યું હતું. બંને તબક્કામાં થઇ કુલ 1621 ઉમેદવારોનું રાજકીય ભાવિ મતદારોએ ઇવીએમમાં સીલ કરી દીધું છે. ઇવીએમને પણ ચુસ્ત બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવ્યા છે. મંગળવાર અને બુધવારનો દિવસ ભારે ઉત્તેજનાપૂર્ણ રહેશે. પ્રથમ તબક્કામાં પણ મતદાનની ટકાવારી ઓછી રહેવા પામી હતી. તે જ રીતે આજે બીજા તબક્કા માટે પણ મતદાન ઓછું થવા પામ્યું છે. જેના કારણે ચૂંટણી લડતા ઉમેદવારો અને અલગ-અલગ રાજકીય પાર્ટીઓના નેતાઓના જીવ થોડા ઉંચક છે. કારણ કે મતદારોએ છેક સુધી પોતાનું મન કડળા દીધું નથી. જેના કારણે મતદારો કંઇ તરફી રહ્યાં છે તે કહેવું મુશ્કેલ બની ગયું છે. આજે સાંજે એક્ઝિટ પોલ જાહેર થતાં એક વાત થોડા ઘણા અંશે ક્લિયર થઇ જશે કે રાજ્યમાં કોની સરકાર બને તેવી સંભાવના છે. પરંતુ ગુરૂવારે જ્યારે ફાઇનલ રિઝલ્ટ નહીં આવે ત્યાં સુધી ઉત્તેજના યથાવત જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.