બિહારમાં ભાજપે ફુંકયું પ્રચાર બ્યુગલ

વડાપ્રધાન મોદીએ બિહારના લોકોને સંબોધી વર્ચ્યુઅલ રેલી: સપ્ટેમ્બરના અંત સુધીમાં થઈ શકે છે ચુંટણીની જાહેરાત

બિહારમાં વિધાનસભાની ચુંટણીપંચ દ્વારા જાહેરાત થાય એ અગાઉ જ ભાજપ તરફથી ચુંટણી પ્રચારનું બ્યુગલ ફુંકાઈ ચુકયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ રેલી યોજના સાથે બિહારમાં કેટલાય યોજનાનો પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાને પ્રધાનમંત્રી મત્સય સંપદા યોજનાનો પ્રારંભ કર્યો હતો સાથે સાથે બિહારના કેટલાક જિલ્લામાં વિવિધ યોજનાઓનો શિલાન્યાસ પણ કર્યો હતો.

વડાપ્રધાને ઈ-ગોપાલા એપ પણ લોન્ચ કરી હતી. આ વખતે બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર, ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદી, કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ અને અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી નીતિશકુમારે જણાવ્યું હતું કે, પૂર્ણિયામાં ૨૦૧૮માં સિમેન્ટ ફેકટરીનો પાયો નખાયો હતો જે અતિ ટુંકાગાળામાં અત્યારે શરૂ થઈ ગઈ છે. બિહારમાં ૮૯ ટકા લોકો ગામડામાં રહે છે. જેમાના મોટાભાગના ખેતી ઉપર જ આધારીત છે. વડાપ્રધાને આજે જે યોજનાઓનો પ્રારંભ કરાવ્યો એ ચુંટણી પ્રચારનો પ્રારંભ જ માનવામાં આવે છે.

વડાપ્રધાને સમરસપુરમાં બે કરોડ, સીતામઢમાં ૫ કરોડ, કિશનગંજમાં ૧૦ કરોડ, મઘેપુરા-૧, પૂર્ણિયામાં ૮૪ કરોડની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત પટણામાં ૮ કરોડ, બે ગુરૂરાયમાં ૨ કરોડ, સમસ્તીપુરમાં ૧૧ કરોડની યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું. તમને એ જણાવીએ કે ચુંટણીપંચ સપ્ટેમ્બરના અંત સુધીમાં બિહાર વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ શકે છે અને નવેમ્બર સુધીમાં ચુંટણી પુરી થઈ શકે છે. આ વખતે કોરોના અને પુરના સંકટને લીધે ચુંટણી ઓછા તબકકામાં યોજાવાની શકયતા છે. તાજેતરમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે વર્ચ્યુઅલ રેલી યોજીને જેડીયુના પ્રચાર અભિયાનની શરૂઆત કરી દીધી છે. હવે વડાપ્રધાને આપેલી આ ભેટથી ભાજપના પ્રચાર અભિયાનની શરૂઆત ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.