પર્વો ઉજવીએ અને એનો ઉપદેશ ન ઝીલીએ તો તેની સાર્થકતા કયાં રહે ? તહેવારોનું રાજકીયકરણ અતિ જોખમી!
આપણા દેશમાં હિન્દુ-મુસ્લીમોના ધાર્મિક અને સાંસ્કૃતિક તહેવારો ઉજવાય છે. રંગેચંગે ઉજવાય છે.
ગોકુલઅષ્ટમી ઉજવાઈ. હોંશે હોંશે કૃષ્ણભીના થયા.
એમને, એટલે કે શ્રી કૃષ્ણને કોણે કોણે ઓળખ્યા અ ને કેવા ઓળખ્યા એતો શ્રી કૃષ્ણ જ જાણે ! નવી પેઢીને કૃષ્ણની ઓળખાણ કોણે કોણે કરાવી અને કેવી કરાવી ?
આપણા દેશને અને આપણા સમાજને ગોકુળ આઠમના ઉત્સવથી શુ મહત્વનું મળ્યું અને શ્રી કૃષ્ણને ન ગમે એવું શું મળ્યું એવો સવાલ ઉઠી છે.
જેમણે કૃષ્ણને સાચે સાચા ઓળખ્યા એ બધા લાભ પામ્યા અને શુભ પણ પામ્યા.
આપણો સમાજ યાદવાસ્થળી પામ્યો એવું ઠેર ઠેર દ્રષ્ટિગોચર થાય છે!
આપણે ત્યાં હમણા હમણાં જ સંવતસરી-પર્વ ઉજવાયું. ‘મિચ્છામિ દુકકડમ’નો મંગલમય ધ્વનિ રેલાવી ગયું. કોણે અને કેટલું ઝીલ્યું એ તો મહાવીર પ્રભુ અને તિર્થંકરશ્રીઓ જાણે !
‘રમજાન’ની ઉજવણી ચાલી રહી છે. એ પણ શ્રધ્ધાભીની અને આસ્થાભીની હોવાનો ખ્યાલ ઉપસે છે.
‘ગણેશ ચતુર્થી’નો તહેવાર પણ રંગેચંગે ઉજવાઈ રહ્યો છે.
આ બધા તહેવારો આપણે પ્રતિ વર્ષ ઉજવીએ છીએ તો પણ આ દેશમાં કેમ બધુ ઉજડી ગયું હોય એવું દેખાઈ આવે છે. ?
છતા આપણે ઘણે ભાગે ઈશ્વરવાસી છીએ જ, એમની પ્રતિમાઓની સન્મુખ નાચીએ છીએ. ઘણે ભાગે વરદાન માગીએ જ છીએ એમની પાસે શ્રધ્ધાભેર, અપેક્ષા રાખીએ છીએ. એ સારૂ છે જ. છતા ઈશ્વરને હૃદયમાં રાખતા અને ઈશ્વરમાં જ જીવતાં આપણે શીખવું પડશે. ઈશ્વરવાદી રહેવાની સાર્થકતા એમાં જ છે !
આપણો દેશ ઘણે અંશે ગરીબ છે. અહી બેસુમાર ગરીબી છે. શ્રી કૃષ્ણના જન્મ વખતે આકાશવાણી થઈ હતી. અત્યારે પણ જાણે આકાશવાણી થાય છે. હૈ ગણપતિ બાપા ! ઉભા રહો. કયાં જાઓ છો? તમારા દેશમાં? પણ જોજો. ત્યાં તો બધુ જ ઉજળી ગયું છે ! ત્યાં પોતાનું શુ અને પારકુ શું. એની કાંઈ જ સુઝ પડતી નથી. અને સાચા ખોટાની જાણે કશી જ પરખ રહી નથી.
ગણપતિ બાપાનો દેશ કયો. એવો સવાલ કોઈ ઉઠાવે તો નવાઈ નહિ!
‘હે વક્રતુંડ પ્રભુ ! તમે તો આકાશને ભરી દેતી ચાંદની સમી અહીની ધરતીને જોઈ હતી. વિભાજનનો દાવાનળ ન સળગ્યો હોત, અને સંસ્કાર સંસ્કૃતિ અખંડ રહ્યા હોત, તો એ મહારાણી સમી બની ગઈ હોત, અને સકળ વિશ્વની વિશ્ર્વેશ્વરી તરીકે સન્માનીતી હોત !’
પરંતુ જે ન્હોતુ જ થવા દેવા જેવું, હતુ તે થતું જ રહ્યું છે!
આમાં સૌથી વધુ નુકશાન ‘સત્ય’ની ઉપેક્ષા કરવાથી, જ્ઞાન (નોલેજ)ની ઉપેક્ષા કરવાથી અને ધન તથા સત્તાની આંધળી લાલસામાં દેશદાઝનો લોપ થવા દેવાથી થયું છે. આવી કાશવાણી સાચી પડી શકે છે, એમાંયે આતો શ્રી ગણેશની આકાશવાણી…
આપણા દેશની વર્તમાન હાલત એમને કહેવી હોય તો એમ કહી શકાય કે, ભારત દેશ તમારો છે. એ કેવો હતો અને કેવો થઈ ગયો એ તમને કહેવું પડે તેમ નથી.
પાતાના જ ઘરમાં ચોરી-લૂંટફાટ કરતા લોકો તમને પગલે લાગશે ને તમારી સન્મુખ નાચશે ત્યારે તમે શું કરશો? નગુણાઓને તમે કેમ સાંખશો? અહી પોતાનું શું ને પારકું શું, એની કશી જ સુઝ પડતી નથી અને સાચાં ખોટાની જાણે પરખ જ રહી નથી!
આપણા દેશમાં સારા અને સાચા નેતાઓની ખોટ પડી છે. વ્યકિતવાદ, વ્યકિતપૂજા, એકાધિકારબાદ અને સરમુખત્યાર હિટલર શાહીની યાદ કરાવે એવા નેતાઓ આ દેશમાં રાજકર્તા બને એવી દહેશત રહે છે.
અહી માત્ર પાર્ટી લાઈનને વરેલા અને પાર્ટીના સ્વાર્થ પૂરા કરવામાં જ પોતાના સ્વાર્થ પૂરા થશે એવા સત્તાલાલચુ અને છીછરી માનસિકતાવાળા નેતાઓની ખોટ નથી, પણ તમે જેમ ગણપતિ (જનપતિ) છો અને સૌથી રિધ્ધિસિધ્ધિ તથા માતૃભૂમિને વફાદાર જનપતિ છો એવા નેતાઓની આ દેશને તાતી જરૂર છે. હજુ તો તમે છો અને આ દેશના નેતાઓની પોકળતા તથા તેમણે આ દેશની કરેલી બેહાલી સ્વયં નિહાળી શકશો.
આ દેશ તમામ પર્વો ઉજવે છે તો પણ બધે બધું જ ઉજડી ગયું દેખાય છે.
મંદીનું ઘોડાપૂર આવવાની આગાહી છે, જેને કેટલાક બુધ્ધિજીવીઓ આકાશવાણી તરીકે પણ ઓળખાવે છે.
અખબારોમાં ‘સેન્સેકસમાં ૭૭૦ અંકનો કડાકો અને રૂપિયો વર્ષની સૌથી નીચી સપાટીએ તથા દેશમાં બેસુમાર ગરીબી અને બેકારી જેમના તેમ જેવા મથાળાઓ વાચવા મળે છે.
‘પાકિસ્તાનના આતંકીઓની જબરી ઘૂસણખોરી અને ભયાનક હૂમલાની છુપી તૈયારી’ જેવા સમાચારો પ્રગટ થાય છે, તેના ઉકેલની ગંભીર નોંધ લઈને પગલા લે એવા નેતાની અહી જરૂર છે. વિદેશો સલાહ આપ્યા કરે અને આપણો દેશ એમની સલાહને વજન આપે એના બદલે ‘સામૂહિક નેતાગીરી’ વધુ લાભકર્તા નીવડી શકે ! કદાચ એ એવી સલાહ આપે કે, આપણા પર્વોનું રાજકીયકરણ ન કરીએ અને પર્વોના ઉપદેશની ઉપેક્ષા ન કરીએ એમાં જ પર્વોની ઉજવણી સાર્થક બનશે અને દેશનું ભલુ થશે!