રીઝર્વ બેંક પાસે હિસાબ માંગતું સીઆઈસી: નોટબંધી બાદ જન-ધન એકાઉન્ટમાં ૮૦ હજાર કરોડ ઠલવાયા હોવાનો અંદાજ
જન-ધન ખાતામાં કેટલા પ્રમાણમાં રદ થયેલી જુની નોટો જમા થઈ છે ? તે પ્રકારનો હિસાબ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પાસે સેન્ટ્રલ ઈન્ફોર્મેશન કમિશન દ્વારા માંગવામાં આવ્યો છે.
વર્ષ ૨૦૧૪ના ઓગસ્ટ મહિનામાં પ્રધાનમંત્રી જન-ધન યોજનાને રાષ્ટ્રીય અભિયાન તરીકે શરૂ કરાઈ હતી. જેમાં બેકિંગ અને સર્વિસ મામલે લોકોને માહિતગાર કરવા તેમજ સરકારી યોજનાના લાભ સીધા લોકો સુધી પહોંચે તેવો હેતુ હતો. બીજી તરફ વર્ષ ૨૦૧૬ના નવેમ્બર માસમાં મોદી સરકારે નોટબંધી જાહેર કર્યાની સાથે જ નિષ્ક્રીય પડેલા જન-ધન ખાતા પ્રકાશમાં આવ્યા હતા.
ત્યારથી અત્યાર સુધીમાં જન-ધન ખાતાઓમાં રૂ.૮૦ હજાર કરોડ જમા થયા છે ત્યારે કાર્યકર સુભાષ અગ્રવાલે રદ થયેલી કેટલી નોટો જન-ધન ખાતામાં જમા થઈ હતી તેવી વિગતો માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માંગી હતી. પરીણામે માહિતી કમિશનર સુધીર ભાર્ગવે આરબીઆઈને આંકડા જાહેર કરવા આદેશ આપ્યો છે.
જો જન-ધન એકાઉન્ટમાં જમા થયેલી રદ નોટો અંગે વિગતો ન હોય તો બેંકોને માહિતી કમિશનને એફિડેવીટ આપવું પડશે જેમાં જન-ધન એકાઉન્ટમાં રદ નોટો અંગેનો હિસાબ ન હોવાનું જાહેર કરવું પડશે. જન-ધન એકાઉન્ટમાં જમા થયેલી જુની નોટોની સાથોસાથ સરકારી અને ખાનગી બેંકોના ઓફિસરો સામે થયેલી ફરિયાદો અન્વયે કેવા પગલા લેવાયા તેની વિગતો આપવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
અહીં ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ અર્થતંત્રમાં મોટાભાગનું નાણુ પરત આવી ગયું છે. પરીણામે કાળાનાણા ધોળા થઈ ગયા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જન-ધન એકાઉન્ટના માધ્યમથી કાળા-ધોળા થયા હોવાની શંકા પણ સેવાઈ છે ત્યારે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કેટલું નાણુ જન-ધન એકાઉન્ટમાં જમા થયું તે અંગેની વિગતો માંગવામાં આવી છે જોકે નોટબંધી બાદ કુલ કેટલું નાણુ પરત આવ્યું તેનો હિસાબ કરવામાં રીઝર્વ બેંકે મોટો સમય લીધો હતો ત્યારે જન-ધન એકાઉન્ટના આંકડા કઈ રીતે આપશે તેવા સવાલ પણ ઉઠી રહ્યા છે.