- ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં અવાર નવાર સર્જાતા જીવલેણ અકસ્માત છતાં તંત્રની ભેદી ચુપકિદી
- મુળી તાલુકાના ભેટ ગામે કોલસાની ખાણમાં ગેસ ગળતરથી ત્રણ મજૂરોના કરૂણ મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં ’મોતના કુવા’ સમી ધમધમતી ગેરકાયદે કાર્બોસેલની ખાણે વધુ ત્રણ યુવાનોના જીવ લઇ લીધાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગર પંથકમાં બેફામ ખનીજ માફિયાઓ દ્વારા ચલાવવામાં આવતી બેરોકટોક ખાણોમાં અગાઉ અનેક વાર દુર્ઘટનાઓ બની ચુકી છે જેમાં અઢળક લોકો મોતના મુખમાં ધકેલાયા છે તેમ છતાં હજુ પણ આ ગેરકાયદે ખાણ મામલે કોઈ દાખલારૂપ કાર્યવાહી નહિ થતાં હજુ આ ખાણ કેટલા લોકોના જીવ લેશે તે એક મોટો સવાલ છે. અગાઉ જયારે દેવપરા અને ખંપાળીયા ગામે દુર્ઘટના બની હતી ત્યારે ‘અબતક’ દ્વારા ગેરકાયદે ખનીજચોરી મામલે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પરિણામે તંત્રએ સમગ્ર સુરેન્દ્રનગર પંથકમાં ધમધમતી આશરે 100 જેટલી ગેરકાયદે ખાણ બુરી દીધી હતી. પરંતુ અગાઉ જ ’અબતક’ દ્વારા ટકોર કરવામાં આવી હતી કે, ફક્ત ખાણો બુરી દેવાથી લગામ લાગશે તેવું નથી, સતત તંત્રએ ચકાસણી શરૂ રાખવી જ પડશે નહીંતર ફરી ખાણો શરૂ થતાં વાર નહિ લાગે અને તેવું જ કંઈક બનતા ભેટ ગામે ત્રણ મજૂરોના મોત નીપજ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્બોસેલની ગેરકાયદે ધમધમતી ખાણ વધુ એકવાર મજૂરો માટે ’મોતની ખાણ’ સાબિત થઈ છે. મૂળી તાલુકાના ભેટ ગામે કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદે ખોદકામ કરી કોઈ સેફ્ટી વગર મજૂરોને ઉતારાતા ત્રણ મજૂરોના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા છે. છેલ્લા છ મહિનામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખાણમાં નવ મજૂરોના મોત નિપજ્યા હોવા છતા ખનીજમાફિયાઓને કોઈનો ડર જ ન હોય તે રીતે બેરોકટોક ખનીજચોરી ચાલતી હોય તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે. પોલીસે આ મામલે ચાર લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળીના ભેટ ગામમાં સરકારી ખરાબામાં કાર્બોસેલ કાઢવા માટે ગેરકાયદે ખાણ ખોદવામાં આવી રહી હતી. જેમાં લક્ષ્મણ ડાભી, વિરમ કેરાળીયા, અને ખોડાભાઈ મકવાણા નામના ત્રણ મજૂરોને ખાણમાં ઉતારવામાં આવ્યા હતા. આ ત્રણેય યુવકો 200 ફૂટ ઊંડે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે જ ગેસ ગળતર થતા ત્રણેયના ગૂંગળાઈ જવાથી મોત નિપજ્યા હતા. આરોપીઓએ ખાણમાં ખોદકામ કરતી સમયે મજૂરોને કોઈ સેફ્ટીના સાધનો આપ્યા વગર જ અંદર ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે.
મૂળીના ભેટ ગામની સીમમાં સરકારી ખરાબામાં ખાણખનીજ વિભાગ દ્વારા બૂરી દેવાયેલા ખાડાને ફરી ખોદવામાં આવી રહ્યો હતો. જશાભાઈ રધાભાઈ કેરાળીયા, જનકભાઈ જીવણભાઈ અણિયારિયા, ખીમજીભાઈ નરશીભાઈ સારદીયા અને કલ્પેશભાઈ કેશાભાઈ પરમાર નામના શખ્સો આ ખોદકામ કરાવી રહ્યા હતા. આ ચારેય શખ્સોએ જ મૃતક યુવાનોને મજૂરી માટે બોલાવ્યા હતા અને કોઈ સેફ્ટીના સાધનો વગર ખોદકામ માટે ખાણમાં ઉતાર્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલસાની ગેરકાયદે ખાણમાં બનેલી આ કોઈ પ્રથમ દુર્ઘટના નથી. છેલ્લા છ મહિનામાં જ આ ત્રીજી ઘટના છે કે જેમાં મજૂરોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે એક બાદ એક ત્રણેય ઘટનાની વાત કરીએ.
અગાઉ મુળીના ખંપાળીયા અને દેવપરા ગામે જ ગેરકાયદે ખાણમાં 6 મજૂરોના થયાં’તા મોત
સુરેન્દ્રનગરના મૂળી પંથકના ખપાળીયા ગામની સીમમાં 24 જાન્યુઆરી 2024ના રોજ કાર્બોસેલ કાઢવા માટે કૂવો ગાળવામાં આવી રહ્યો હતો ત્યારે જ ભેખડ ધસી પડતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. જે તે સમયે ઘટનાના 6 દિવસ બાદ પાંચ લોકોની બેદરકારીના કારણે ત્રણ મજૂરોના મોત થયાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી.મજૂરોને કોઈ સેફ્ટી વગર કૂવામાં ઉતાર્યા બાદ ભેખડ ધસી પડતા ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા. મજૂરોના મોત થયા બાદ પોલીસને જાણ કર્યા વગર લાશનું પીએમ કરાવ્યા વગર જ અંતિમ સંસ્કાર કરાવી નાખવામાં
આવ્યા હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા છ મહિના દરમિયાન બીજી ઘટના 15 ફેબ્રુઆરીના રોજ દેવપરા ગામમાં બની હતી. અહીં કાર્બોસેલના ગેરકાયદે ખનન માટે ખાણમાં જીલેટીન બ્લાસ્ટ કરતા ખાણમાં કામ કરી રહેલા 6 મજૂરોને ગેસગળતર થતા તેઓ ઢળી પડ્યા હતા. જેમાં રાજસ્થાનના ત્રણ મજૂરોના મોત નિપજ્યા હતા.
બારોબાર અંતિમવિધિ કરી નાખવાની ફિરાકમાં હટ્સ ખનીજ માફિયા: લુણસર પાસેથી ઇકો કારમાંથી મૃતદેહ કબ્જે કરાયા
મામલામાં મુળી પોલીસ મથકના પીએસઆઈ ચુડાસમાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ ખનીજ વિભાગ, મામલતદાર તંત્ર અને મુળી પોલીસે સાથે રહીને ખાણ બુરી દીધી હતી. જે ખાણ ફરી શરૂ કરવા માટે ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન પ્રથમ એક મજુર અંદર ઉતરતા સમય વીત્યો પણ પરત નહિ ફરતા તબક્કાવાર ત્રણ મજૂરો અંદર ઉતર્યા હતા અને પરત ફર્યા ન હતા. જે બાદ અંદરથી મજૂરોના મૃતદેહ મળતા
બારોબાર અંતિમવિધિ કરવા રઘવાયા થયેલા ખનીજમાફિયાઓએ ઇકો કારમાં મૃતદેહ રાખી લુણસર તરફ જવા નીકળ્યા હતા ત્યારે લુણસર ખાતેથી ઇકો કારમાંથી આ મુતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા.
તાલુકા પંચાયતના સભ્ય, જીલ્લા પંચાયત સભ્યના પતિ સહિત ચાર વિરુદ્ધ ગુનો દાખલ
મામલામાં મુળી પોલીસે મુળી તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ કેશાભાઈ પરમાર, જિલ્લા પંચાયતના સભ્યના પતિ ખીમજી નરશીભાઈ સારદિયા, રાયસંગપરના જનક જીવણભાઈ અણિયારીયા અને ઉંડવીના જશાભાઈ રઘાભાઈ કેરાળીયા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.