સાત વર્ષ પછી થતી દિપડાની ગણત્રી વસતી વધારોની સંભાવના
જુનાગઢ સહિત અમરેલી, ગીર સોમનાથ અને પોરબંદર એમ જિલ્લાના જંગલ વિસ્તાર તથા રેવન્યુ વિસ્તારોમાં વન વિભાગ દ્વારા દીપડાની ગણતરી હાથ ધરવામાં આવી છે, બે દિવસ ચાલનારી આ ગણતરી માટે વન્ય પ્રાણી મિત્રો, સ્વયંસેવકો, ફોરેસ્ટ સહિતનો 1000 જેટલો સ્ટાફ કામમાં લાગ્યો છે.
વન વિભાગ દ્વારા સિંહની ગણતરી દર વર્ષે કરવામાં આવે છે પણ દીપડાની ગણતરી છેલ્લે વર્ષ 2016 માં કરવામાં આવી હતી જેમાં 500 જેટલા દીપડા ગણતરીમાં આવ્યા હતા. ત્યારબાદ લગભગ 8 વર્ષે દીપડાની ગણતરી હાથ ધરાઇ છે, ત્યારે આગામી બે દિવસમાં ગણતરી પૂર્ણ થયા બાદ આ ચાર જિલ્લામાં હાલ કેટલા દીપડા વસવાટ કરે છે તે સામે આવશે.
આ માટે અગાઉથી જ ગત તા. 1 થી 3 દરમિયાન ફોરેસ્ટ વિભાગ દ્વારા તૈયારીના ભાગરૂપે દીપડાના રહેઠાણના સ્થળો, પાણી પીવાના સ્થળો, તેમની અવર-જવરના રૂટો, તેમજ તેની સાથે રહેતા નાના પ્રાણીઓનું અવલોકન કરવામાં આવ્યું હતું. જેથી તેના આધારે ઝડપી કામગીરી હાથ ધરાઈ છે અને આવતીકાલે તા. 7 સુધીમાં દીપડાની ગણતરી પૂર્ણ થઈ જવા પામશે. જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તથા પોરબંદર જિલ્લામાં વન વિભાગ દ્વારા દીપડાની ગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે આ કામગીરી કરવા માટે વન્ય પ્રાણી મિત્રો, સ્વયંસેવકો, ફોરેસ્ટ સ્ટાફ, એનજીઓના લોકો, અને વોચમેન સહિતના 1000 જેટલા લોકો કામે લાગી ગયા છે. તેમના દ્વારા આ તમામ ચારેય જિલ્લાના જંગલ વિસ્તાર તેમજ જંગલ બહારના રેવન્યુ વિસ્તારમાં ગણતરી કામગીરી હાથ ધરાઈ છે.
ફોરેસ્ટ વિભાગના મુખ્ય વન રક્ષક આરાધના સાહુના જણાવ્યા મુજબ, ચારેય જિલ્લાના જંગલ વિસ્તારમાં આવતા તમામ સ્થળો ખાતે તેમજ જંગલ બહારના રેવન્યુ વિસ્તારમાં પણ વસતા દીપડાઓને ગણતરીમાં આવરી લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ગણતરી માટે વન વિભાગ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરશે. ઉપરાંત જીપીએસ લેઝર જેવી સિસ્ટમના ઉપયોગથી ગણતરી કરવામાં આવશે. તે સાથે આ ગણતરી કામગીરી માટે હાલમાં જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. જેમાં સેવાભાવી સંસ્થાના સભ્યો, વન્યપ્રાણી મિત્રો, ફોરેસ્ટ નો સ્ટાફ, સ્વયંસેવકો, તેમજ વોચમેન સહિતના લોકોને જોડવામાં આવ્યા છે.
દીપડાની ગણતરી અંગે રસપ્રદ વિગતો આપતા વન વિભાગના અધિકારી નિકુંજસિંહ પરમાતે જણાવ્યું હતું કે, દીપડાની વસ્તી ગણતરી માટે મુખ્યત્વે દીપડા સહિતના પશુઓના ફૂટપિંડ પર આધાર રાખે છે, આ ઉપરાંત પશુઓના લેટરીન, પેશાબ, કેમેરા ટ્રેપ, તથા નજરે પડનાર પશુઓ પરથી વસ્તી ગણતરી થાય છે, આ સાથે વન્યજીવનના પ્રાણીમાં સૂંઘવાની શક્તિ અજબ હોય છે અને પરફ્યુમની સુગંધથી પશુઓ સચેત થઈ જાય છે. ત્યારે ગણતરી માટે જતા વન કર્મીઓ અને એનજીઓના સ્વયંસેવકોને પર્ફ્યુમ ન છાંટવા સૂચના આપવામાં આવે છે.
દીપડા સિવાય અન્ય પશુઓની પણ ગણતરી
વન વિભાગ દ્વારા જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ તથા પોરબંદર એમ 4 જિલ્લામાં તા. 5 થી 7 દરમિયાન દિપડાની ગણતરી હાથ ધરાઇ છે, તે ઉપરાંત કાળીયાર, નીલગાય, શિયાળ, શેઢાળીની વસ્તી ગણતરી કરાશે. આ માટે ચારેય જિલ્લાના જંગલ અને પશુઓના રહેણાંકની શક્યતા વાળા વિસ્તારોમાં પીવાના પાણી સ્થળ બનાવ્યા છે. હાલ ઉનાળો હોય જંગલમાં પીવાના પાણીના સ્ત્રોત ઓછા થઈ ગયા હોય, આથી વન વિભાગ દ્વારા ગોઠવાયેલા સ્થળોએ પશુઓ પાણી પીવા અચૂક આવે છે. આથી આ સ્થળોએ વન વિભાગ દ્વારા કેમેરા મૂક્યા છે. તેમાં કેદ થયેલા પશુઓને આધારે પણ વસ્તી ગણતરી થનાર છે.