કોરોનાની ત્રીજી લહેરની ભયાનકતા જોયા બાદ હવે લગભગ તમામ લોકો વહેલી તકે વેક્સિન લેવાનું વિચારવા લાગ્યા છે. સરકાર દ્વારા પણ 18 વર્ષથી 45 વર્ષની ઉંમરના લોકોને વેક્સિન મળશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ત્યારે વેક્સિનેશન સેન્ટર પર લાંબી લાઇનો લાગી છે. જો કે કોરોના થયા બાદ કેટલા સમય બાદ વેક્સિન લેવી અને શું સગર્ભાઓએ વેક્સિન લેવી કે કેમ તે અંગે અસમંજશ શરૂ થઇ હતી. હવે દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે હવે સંપૂર્ણ વિગત સાથે ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં જણાવવામાં આવ્યું કે કોણે અને ક્યારે વેક્સિન લેવી. દેશના નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશન ફોર કોવિડ એટલે કે NEGAVCની વેક્સિન વિશે કરવામાં આવેલી ભલામણોને કેન્દ્ર સરકારે મંજૂરીની મહોર લગાવી દીધી છે.
શું છે નવી ગાઇડલાઇનઃ
– જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની કે આઈસીયુની જરૂર છે તો તેને વેક્સિન માટે 4-8 સપ્તાહ રાહ જોવી પડશે. ત્યારપછી તેને વેક્સિન આપવામાં આવશે.
– કોઈ પણ વ્યક્તિ વેક્સિન લીધાના 14 દિવસ પછી બ્લડ ડોનેટ કરી શકશે. જો કોઈ વ્યક્તિ કોવિડ પીડિત છે અને 14 દિવસ પછી તેનો આરટી-પીસીઆર નેગેટિવ આવે તો તે પણ બ્લડ ડોનેટ કરી શકે છે.
– વેક્સિનેશન પહેલાં કોઈ પણ વ્યક્તિના રેપિડ એન્ટીજન ટેસ્ટની જરૂર નથી.
જે લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમને રિકવરીના 3 મહિના પછી જ વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. કોરોના સંક્રમિત જેમને એન્ટીબોડી અથવા પ્લાઝમાં આપવામાં આવ્યા છે તેમને પણ હોસ્પિટલથી ડિસચાર્જ થયાના ત્રણ મહિના પછી વેક્સિનનો ડોઝ આપવામાં આવશે. જે લોકો પહેલાં ડોઝ પછી સંક્રમિત થયા છે, તેમને પણ રિકવરીના ત્રણ મહિના પછી કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર છે, તેને હોસ્પિટલમાં દાખલ થવાની કે આઈસીયુની જરૂર છે તો તેને વેક્સિન માટે 4-8 સપ્તાહ રાહ જોવી પડશે. ત્યારપછી તેને વેક્સિન આપવામાં આવશે. ગર્ભવતી મહિલાઓને વેક્સિન આપવા વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે.
આ સિવાય કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યને પત્ર લખ્યો છે જેમાં જણાવવામાં આવ્યું કે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ ભલામણોનું પાલન કરવા માટે માહિતી આપી છે. રાજ્યોમાં આ વિશે સ્પષ્ટ માહિતી આપવામાં આવી છે. કેન્દ્રએ કહ્યું છે કે, જનતાને જાગ્રત કરવા દરેક માધ્યમોનો ઉપયોગ કરવો.