જિલ્લામાં જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા 18 થી 44 વર્ષની વયના નાગરીકો માટે કોવીડશીલ્ડ વેકસીન આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર જિલ્લામાં ત્રણ લાખ જેટલા યુવાનોને વેકસીન આપવા માટે 20 કેન્દ્રો કાર્યરત કરાયા છે.
આ કેન્દ્રો ઉપર 18 વર્ષથી 44 સુધીના ઉંમરના નાગરીકોને વેકસીન મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવી વેકસીન લેવા અનુરોધ કરાયો છે. આ અંગે માહિતી આપતા જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મકવાણાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 20 સેન્ટરો ઉપર આજથી વેકસીન આપવામાં આવશે. જેમાં દરેક કેન્દ્રો ઉપર 200 ડોઝ ફાળવવામાં આવ્યા છે. આમ જિલ્લામાં દૈનિક 4000 ડોઝ આપવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
જિલ્લામાં અંદાજે 3 લાખ નાગરીકોનો ટાર્ગેટ ફાળવવામાં આવ્યો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 18થી 44 વર્ષના વય જુથના નાગરીકોને રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ વેકસીન આપવામાં આવશે જે માટે રજીસ્ટ્રેશન માટેની સાઇડ ઉપર 20 કેન્દ્ર જાહેર કરાયા છે. જેમાં જામનગર તાલુકાના વસઇ, દરેડ પીએસસી, સિક્કા યુએસસી, મોટી બાંણુગાર તેમજ લાલપુર તાલુકાના પીપરટોળા, મોટા ખડબા અને લાલપુર ડીઆરસી ભવન, ભણગોર પીએસસી કેન્દ્ર ઉપરથી વેકસીન આપવામાં આવશે.
કાલાવડ તાલુકા માટે ભણસાર બેરાજા, નિકાવા, મોટા વડાળા, ખરેડી પીએસસી, તેમજ જામજોધપુર તાલુકામાં જામજોધપુર યુએસસી, જામવાડી, સમાણા, ધુનડા પીએસસી કેન્દ્ર જાહેર કરાયા છે. જ્યારે ધ્રોલ તાલુકામાં લૈયારા અને લતીપુર પીએસસી તેમજ જોડિયા તાલુકામાં હડિયાણા પીએસસી અને જોડિયા સીએસસી સેન્ટર જાહેર કરાયા છે. આ કેન્દ્રો ઉપર સવારે 9 થી 6 દરમ્યાન કોરોના પ્રતિરોધક કોવીડશીલ્ડ વેકસીન આપવામાં આવશે.