અબતક, રાજકોટ

રંગીલા રાજકોટના અતિમહત્વના અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ એવા લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા રૈયા સ્માર્ટ સિટી એરીયામાં 118 કરોડના ખર્ચે 1144 આવાસ બનાવવામાં આવી રહ્યાં છે. જેનું ખાતમુહૂર્ત ગત 1લી જાન્યુઆરીના રોજ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આજરોજ પીએમ દ્વારા આ લાઈટ હાઉસ પ્રોજેકટનું ડ્રોન કેમેરા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે. રાજકોટને ડ્રોન નિરીક્ષણ માટે વડાપ્રધાન દ્વારા 2 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો.

વર્ષ 2022 સુધીમાં ઘરવિહોણા લોકોને ઘરનું ઘર મળી રહે તેવા શુભ આશય સાથે કેન્દ્ર સરકાર દ્વારા આવાસ નિર્માણને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી અંતર્ગત દેશના કુલ 6 શહેરોમાં અલગ અલગ ટેકનોલોજી થકી આવાસો બનાવવામાં આવી રહ્યાં છે. રાજકોટમાં પણ લાઈટ હાઉસ પ્રોજેકટ અંતર્ગત રૈયા વિસ્તારમાં 1144 આવાસો બની રહ્યાં છે. જેનું કામ હાલ ખુબજ જોરશોરથી ચાલી રહ્યું છે. અગાઉ વડાપ્રધાન દ્વારા 25મી જુનના રોજ આ પ્રોજેકટનું ડ્રોન નિરીક્ષણ કરવામાં આવનાર હતું. પરંતુ વ્યસ્તતાના કારણે કાર્યક્રમ છેલ્લી ઘડીએ કેન્સલ થયો હતો.

શું છે આ લાઈટ હાઉસ પ્રોજેકટ ? રાજકોટ સિવાય આ શ્હેરોમાં પણ પીએમએ કર્યું નિરીક્ષણ

કોર્પોરેશન દ્વારા ગ્લોબલ હાઉસીંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેકટ યોજના હેઠળ મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ કોમ વર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવી રહ્યું છેે. જેમાં લાભાર્થીને માત્ર 3.40 લાખની કિંમતમાં 40 ચો.મી.નું ક્ષેત્રફળ ધરાવતું આવાસ ફર્નીચર સાથે આપવામાં આવશે. સામાન્ય રીતે કોઈપણ આવાસ યોજના પ્રોજેકટ પૂર્ણ થતાં 3 વર્ષથી વધુનો સમય લાગતો હોય છે.

પરંતુ હવે આ યોજના થકી માત્ર 1 વર્ષમાં 1144 આવાસ બની જશે. રાજકોટ ઉપરાંત અગરતલા, રાંચી, લખનઉ, ઈન્દોર અને ચેનાઈમાં પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. હાલ દેશભરમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ ઇન્ડિયા અંતર્ગત વિશ્વભરમાં પ્રવર્તમાન 54 હાઉસિંગ ટેકનોલોજીને 6 જેટલી કેટેગરીમાં વહેંચવામાં આવી છે. જે અંતર્ગત દેશના 6 જેટલા રાજ્યોમાં આ કેટેગરી અંતર્ગત નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

શું છે આ ટેક્નોલોજીની વિશેષતા, કયા શહેરમાં કઈ ટેક્નોલૉજી અંતર્ગત કાર્ય ?

રાજકોટમાં મોનોલીથીક કોંક્રિટ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.રાંચીમાં પ્રિકાસ્ટ કોંક્રિટ કન્સટ્રકશન સિસ્ટમ થ્રીડી વોલ્યુમેટ્રીક કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. જ્યારે ચેન્નઈમાં પ્રિકાસ્ટ કોંક્રિટ કન્સટ્રકશન સિસ્ટમ – પ્રિકાસ્ટ કમ્પોનેન્ટ્સ અસેમ્બ્લડ એટ સાઈટ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

અગરતલામાં લાઈટ ગૌગ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ – પ્રિ એન્જિનિયરડ સ્ટીલ સ્ટ્રકચરલ સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ઇન્દોરમાં -પ્રિફેબ્રિકેટેડ સેન્ડવીચ પેનલ સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તો લખનૌમાં – સ્ટે ઈન પ્લેસ ફોર્મવર્ક સિસ્ટમ કેટેગરી અંતર્ગત આવતી કન્સટ્રકશન ટેકનોલોજીથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.