૫૫ વર્ષ પુરાણા મંદિરમાં ભક્તોના દર્શનાર્થે તખ્તીરૂપે ગોઠવાઇ છે ભગવાન શ્રી રામ અને શ્રી કૃષ્ણની કુંડળી: ક્યાંય નહીં જોવા મળતી આવી કુંડળી છે માત્ર ભોળેશ્વર મહાદેવ મંદિરે: ગ્રહોની અસરથી ભગવાન પણ મુક્ત રહી શક્યા નથી
કયારેય એવું વિચાર્યું છે કે, માણસની કુંડળી રચનાર ભગવાનની કુંડળી કેવી હશે…? દરેકની કુંડળીમાં સુખ-દુ:ખના યોગ હોય છે ત્યારે શું ભગવાનની કુંડળીમાં પણ આવા યોગ હશે. ભાગ્યે જ કોઈએ ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની કુંડળી જોઈ હશે.
જો તમારે ભગવાનની કુંડળી જોવી હોય તો તમારે ભોળેશ્વ મહાદેવના દર્શનાર્થે જવું પડશે. રાજકોટ કે લગભગ ગુજરાતના પણ એકપણ મંદિરમાં ભગવાનની કુંડળી રાખવામાં આવી નથી ત્યારે રાજકોટના આમ્રપાલી રેલ્વે ફાટકની બાજુમાં ચુડાસમા પ્લોટ તરફના રોડ પર આવેલા ભોળેશ્વ મહાદેવ મંદિરમાં ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની કુંડળીના દર્શન થશે. અહીં ભગવાનની કુંડળીઓને તકતીરૂપે ગોઠવવામાં આવી છે.
આશરે ૫૫ વર્ષ પુરાણા આ મંદિરમાં છેલ્લા ૪૦ વર્ષથી યોગેન્દ્રનાથ પુરી પૂજા કરી રહ્યાં છે. પૂજારીજીએ ‘અબતક’ને માહિતી આપતા જણાવ્યું હતું કે, મંદિરની સ્થાપના આશરે ૫૫ વર્ષ પહેલા કોઈ હનુમાન ભકતે કરી ત્યારબાદ ધીમે-ધીમે મંદિરનો વિસ્તાર વધારાતો ગયો.
સૌપ્રથમ અહીં નાની હનુમાનજીની દેરી હતી. ભગવાનની કુંડળી અંગે પૂજારીજીએ જણાવ્યું હતું કે, આ કુંડળી જૂના શાસ્ત્રોમાંથી તેમજ જયોતિષ શાસ્ત્રમાંથી શોધી કાઢવામાં આવી છે. મહાદેવના દર્શને આવતા દરેક ભક્તો કુંડળી જોઈ શકે તે માટે અહીં તકતી રૂપે લગાવવામાં આવી છે. ભગવાન રામ અને કૃષ્ણના મંદિરની નીચે આ તકતી જડેલી છે.
ભગવાન રામ અને કૃષ્ણની કુંડળી પણ સામાન્ય માનવીની જેમ રાહુ, કેતુ, મંગળ, ગુરૂ, શુક્ર જેવા ગ્રહો હતા અને તેઓ પણ આ ગ્રહોની અસરથી મુકત રહી શકયા નથી. ભગવાન રામની કુંડળીમાં ગુરૂ, શનિ, મંગળ અને સૂર્ય ઉચ્ચકોટીમાં તો ચંદ્રમા અને રાહુ સર્વગ્રહી (એ જ સ્થાન) હતા અને ભગવાન કૃષ્ણની કુંડળીમાં ચંદ્ર, મંગળ અને ગુરૂ ઉચ્ચ કોટીમાં તો સૂર્ય અને રાહુ સર્વગ્રહી એ જ સ્થાનમાં હતા. ગુરૂ ગ્રહ પરાક્રમી અને શનિ, શુક્ર દુશ્મનોને નુકશાન કરનાર તો કેતુ બુદ્ધિવાન જોવા મળ્યો હતો.
પૂજારી યોગેન્દ્રનાથ પુરીની સાથે રતનપર રામચરિત માનસ મંદિરના ઉપપ્રમુખ કાંતિભાઈ નથવાણી પણ મંદિરમાં સેવા આપી રહ્યાં છે. બન્ને દરરોજ સવારે રામાયણના માસ પારાયણ કરે છે. કાંતિભાઈ નથવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, મંદિરમાં દર ગુરૂવારે સુંદરકાંડ, શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી જેવા ધાર્મિક તહેવારો ઉલ્લાસભેર ઉજવાય છે. ભકત મંડળ દ્વારા સુંદરકાંડના પાઠ કરવામાં આવે છે.
આ મંદિરમાં શિવલિંગની બાજુમાં રામ અને કૃષ્ણની મૂર્તિઓ આવેલી છે તો બાજુમાં હનુમાનજી મહારાજનું મંદિર છે. મુર્તિઓની નીચે ભગવાનનાં ગ્રહો દર્શાવતી કુંડળી મુકવામાં આવી છે. ઘણા લોકો જયોતિષમાં રસ ધરાવતા હોય છે તો તેઓ અહીં કુંડળીઓ જોઈને ભગવાન રામ અને કૃષ્ણનાં ગ્રહોની તેમનાં જીવન પર કેવી અસર પડી હતી તેની ચર્ચા શ‚ કરી દેતા હોય છે.
ભગવાન શ્રીરામની કુંડળીમાં કર્કમાં લગ્ન સ્થાન હતું. આવા ગ્રહ વાળી વ્યક્તિ વિશ્વ વિખ્યાત બને છે પણ તેમના લગ્ન જીવનમાં થોડુક દુ:ખ જોવા મળે છે. આ ગ્રહના પ્રભાવથી ભગવાન રામને પણ સીતાજીનો વિયોગ વેઠવો પડ્યો હતો. સાતમાં સ્થાનમાં મંગળ મકર રાશીનો છે. રાહુ ત્રીજા સ્થાને છે તે વ્યક્તિને પરાક્રમી બનાવે છે. સૂર્ય દશમાં સ્થાને હતો તેથી ભગવાનને પદ અને પ્રતિષ્ઠા મળી હતી. આ ઉપરાંત શનીની પણ દ્રષ્ટિ હતી તેથી રાજયોગ ભંગ થયો હતો.
ભગવાની શ્રી કૃષ્ણના લગ્ન સ્થાનમાં ચંદ્ર હોવાથી મનમોહક રૂપ હતું. મંગળ નવમાં સ્થાને હોવાથી રાજધાની બદલવી પડી હતી. રાહુલની અસરથી યદુવંશનો નાશ પણ જોવા મળ્યો હતો. કેતુ પહેલા સ્થાને હતો. આ ગ્રહનો પ્રભાવ વ્યક્તિને ખૂબ જ ભૌતિક સુખોનો માલિક બનાવે છે. ભગવાન શ્રી કૃષ્ણની કુંડળીમાં કેટલાક ગ્રહો એવા હતા જેના કારણે તેમને કષ્ટ ભોગવ્યું હતું અને વિકટ પરિસ્થિતિનો સામનો કર્યો હતો.