પગાર લેતા એક આખા વર્ગની આંખો મહિનાની છેલ્લી તારીખે, પહેલી તારીખ પર સ્થિર હોય છે. પોતાના માટે કેટલી વસ્તુઓ પેન્ડીંગ રાખી અને સ્વજનો માટે કેટલી વસ્તુઓ મંગાવવાની છે તેની ગણતરી મહિનાના છેલ્લા દિવસોમાં શરુ થઇ જાય છે. કાકા હંમેશા મને કહે કે ઉદાર સ્વભાવના શેઠિયા ક્યારેય પગાર કાપતા નથી અને બાકીના શેઠિયા ‘ગાર’ સિવાય પગાર આપતા નથી. કાકાની પગારની વેદનાને વાચા આપતી હળવી હઝલ લ્યો વધાવો.
પગાર આવે તો એક વાત કે‘વી છે, કપડાંની દુકાનની મુલાકાત લેવી છે.
દિવસો લીધા રાખી જે રેસ્ટોરાંની સુગંધ, પગાર આવ્યે વાનગી અનુભવવી છે.
રોજ રોજ ટાળ્યા રાખી જે મુલાકાત, ફોન કરી, મળવાની વાત કરવી છે.
મહિના માટે ઘણું હવે, બહુ થયું ‘ઋતિક’, આવતા મહિને ફરી એક વાત કે‘વી છે.
‘પગાર આવે તો એક વાત કે‘વી છે, કપડાંની દુકાનની મુલાકાત લેવી છે.’
ફાટેલા અથવા ફાટવાની અણીએ આવેલા કેટલાક કપડાંઓની શોકસભા પત્યા પછી પણ અમુક લોકો કપડાંને ચાલુ સભામાં પેહેરી જવા ટેવાયેલા હોય છે. ‘આ મહિને તો ઠીક હવે, પણ આવતા મહિને પાક્કું એકાદી નવી જોડી (કપડાંની) લેવી છે.’ આ પ્રકારના વાક્યો તમે ઘણા લોકોના મુખેથી સાંભળ્યા હશે,અને ક્યારેક ક્યારેક તો પછીના મહિને પણ આવા વાક્યો જ સંભાળવા મળતા હોય છે.
‘દિવસો લીધા રાખી જે રેસ્ટોરાંની સુગંધ, પગાર આવ્યે વાનગી અનુભવવી છે.’
ઘરે જતી વખતે જ્યારે પંજાબી અને ચાઇનીઝની જે લોભામણી સુગંધ નાકે અથડાય છે ત્યારે પેટમાં તેને પામવા માટેના ઓડકાર શરુ થઇ જતા હોય છે. મન તો ઘણું હોય છે પણ અંતે ઓડકાર ઓસરી જાય છે, પણ વાનગીઓ નથી વિસરાતી. મહિનાના અંતે ફરીથી વાનગીઓની સુગંધોના વમળો નાકે અથડાઈ અને પેટને પોતાની તરફ ખેંચવા આતુર કરતા હોય છે.
‘રોજ રોજ ટાળ્યા રાખી જે મુલાકાત, ફોન કરી, મળવાની વાત કરવી છે.’
યુવાન છોકરાને જ્યારે પ્રિયતમા ફોન કરી અને મધુર સ્વરે મળવા માટેનું આમંત્રણ આપે છે ત્યારે પોતાની પાસે પ્રિયતમાના અતિ મોંધાં બિલ ઉચકવા જેટલી રકમ પ્રાપ્ય નથી તે જાણતા, યુવાન આમંત્રણને મોકૂફ રાખે છે અને પહેલી તારીખની રાહ જોવામાં વ્યસ્ત અને ચેટીંગમાં મસ્ત થઇ જાય છે.
‘મહિના માટે ઘણું હવે, બહુ થયું ‘ઋતિક’, આવતા મહિને ફરી એક વાત કે‘વી છે.’
એક મહિનામાં પછી કેટલું હોય ભાઈ? અંતે વધેલી રકમને વીમા પોલીસીવાળા અથવા I.P.Oવાળા ડબલ કરી આપવાની શરતે લઇ જાય છે અને ફરીથી પહેલી તારીખની રાહ જોવાય છે.
અને જેને મજા જ કરવી છે એવા મોજપ્રિય લોકોને ગમે તેવી મોંઘવારી હોય, નડતી જ નથી. યાદ રાખવું મોજપ્રિય અને ઉધારપ્રિય બંને અલગ છે. આટલી વાત કહ્યા પછી કાકા કહે, ‘દિવાળીમાં શેઠ બોનસ આપણને આપે છે અને લઇ જાય છે ઘરે આવેલા મહેમાનો. અને બાકીના વધ્યા ઘટયા તારી કાકી લઇ જાય છે. અને ટોણાં મારતી જાય છે કે હવે શેઠને કહો કે બોનસ વધારે આપે, હવે એને કેમ કહેવું કે શેઠે તો વધારે જ આપ્યું’તું પણ તને ઘટ્યું.’ આટલું સંભાળતા જ ‘જરાક અંદર આવો તો! તમારું કામ છે.’ આવો ઝીણો પણ થોડોક કડક સ્વર અંદરથી સંભળાયો. પછી દિવાળી પર લીધેલા નવા વેલણના નિશાન કાકાની પીઠ પર પડ્યાં અને કાકાએ હરખભેર લીધેલા નવા બેલ્ટનો અન્ય ઉપયોગ થતો નજરે ચડ્યો. દિવાળીની ઝાંઝેરી શુભકામનાઓ વાચકમિત્રો. ઋતિકના રામે રામ…
ચાબુક:
વાદળોએ પંખીઓને યાદ કર્યા છે. આટલું સાંભળતા જ અમુકનાં મોઢા શરમથી ઝુકી ગયા અને એક નવજાત પંખી બોલી ઉઠ્યું, ‘વાદળ એટલે શું?’
ઋત્વિક સંચાનીયા