હિન્દુસ્તાનનું કમનશીબ વિભાજન થયું અને ભારત પાકિસ્તાન રચાયા તે વખતથી જ પાકિસ્તાન ભારત એકબીજાના વિરોધી રહ્યા છે. હરીફ રહ્યા છે, શત્રુ રહ્યા છે, એક બીજાની સામે ઘૂરકયા કરે છે, લડતા રહ્યા છે, યુધ્ધો પણ કરી ચૂકયા છે.

અત્યારે પણ તેમની વચ્ચે કોઈને કોઈ વાંધાવચકા કે કોઈને કોઈ ગંભીર મુદ્દાઓ પર બંને વચ્ચે ઘર્ષણની જ સ્થિતિ છે.

કાશ્મીરના મોરચા પર ચારે બાજુથી પછડાટ ખાધા બાદ પાકિસ્તાન હજુ પણ ઉશ્કેરણીજનક હરકત કરવામાં વ્યસ્ત છે. હવે પાકિસ્તાને અંકુશ રેખા પર ફરી એકવાર સાત લોંચ પેડ સક્રિય કરી દીધા છે. આ લોંચ પેડ ખાતે ૨૭૫થી વધારે જેહાદીઓની ટ્રેનીંગ ચાલી રહી છે.

બરાબર એજ ટાણે મથુરાનો અહેવાલ પ્રગટ થયો કે જેમાં દર્શાવાયું છે કે, ભગવાન કૃષ્ણની નગરી મથુરા પહોચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ કે ૯/૧૧ હુમલાની યાદ આજે પણ હચમચાવી મુકે છે. આ હુમલાની યાદને તાજી કરતા મોદીએ કહ્યું હતુ કે, આતંકવાદ એક વૈશ્ર્વિક સમસ્યા છે. આજે આતંકવાદ એક વિચારધારા બની ગઈ છે. આતંકવાદની જડો અમારા પડોશમાં એટલેકે પાકિસ્તાનમાં ફેલાઈ રહી છે. અમે આનો જોરદાર રીતે સામનો કરી રહ્યા છે. આગળ પણ કરતા રહીશું મોદીએ ચેતવણી આપતા કહ્યું હતુ કે, આતંકવાદની સામે કાર્યવાહી કરવાથી ભારત ખચકાટ અનુભવ કરશે નહી.આતંકવાદીઓને આસરો અને ટ્રેનીંગ આપનારની સામે કાર્યવાહી કરવા માટે ભારત સંપૂર્ણ પણે સક્ષમ છે. અને આ બાબતની સાબીતી પણ આપી ચૂકયા છે.

ભારતમાં સખળ ડખળ કરતા રહેલા આતંકવાદી પરિબળો પાકિસ્તાનની પેદાશ છે. એવો ખૂલ્લો આક્ષેપ મૂકયો હતો અને એ પાકિસ્તાની કબ્જા હેઠળના કાશ્મીરની ઓલાદ છે એવો ઘટસ્ફોટ પણ કર્યો હતો.

બીજી બાજુ, કેન્દ્રીય પ્રધાને જમ્મુમાં આ અંગે સ્પષ્ટ પણે કહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આર્ટીકલ ૩૭૦ને દૂર કરવામાં આવ્યા બાદ હવે કેન્દ્ર સરકારના એજન્ડામાં પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પોક) છે. કહ્યું હતુ કે અમારા એજન્ડામાં હવે પોક ભારતના અખંડ હિસ્સા તરીકે રજૂ કરવાની બાબત છે. ઉધમપૂર કઠુઆ લોકસભા સીટથી ચૂંટાઈ આવ્યા બાદ જીતેન્દ્રસિંહે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પર કહ્યું હતુ કે આ માત્ર તેમની પાર્ટી થવા તો તેમની કટીબધ્ધતા નથી બલ્કે વર્ષ ૧૯૯૪માં પીવી નરસિંહ રાવના નેતૃત્વમાં તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સર્વસંમતિથી પાસ કરવામાં આવેલા સંકલ્પ તરીકે છે. આ એક સ્વીકાર્ય વલણ તરીકે છે. કલમ ૩૭૦ને નાબુદ કરવામાં આવ્યા બાદ પાકિસ્તાન તરફ ખોટા અને જુઠ્ઠાણાના પ્રચાર કરવામાં આવી રહ્યા છે.

આ બધા અહેવાલો એવું જ દર્શાવે છે કે, પાકિસ્તાન અને ભારતે એક બીજાની સામે ઘૂરકવાનું હજુ બંધ કર્યું નથી, ઉલ્ટું એ વધુ કદરૂપું બન્યું છે. આવું કયાં સુધી ચાલશે તે સવાલ મહત્વનો બની રહે છે.

બળનું ઉઘાડું પ્રદર્શન અથવા મંત્રણા વાટાઘાટો એ બે જ ઉપાયો વચ્ચે આ પ્રદેશનું અને ત્યાંના લોકોનું ભવિષ્ય ગડથોલિયા ખાઈ રહ્યું છે.

અમેરિકી પ્રમુખ ટ્રમ્પે બંને વચ્ચે મધ્યસ્થીની ઓફર કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે, જે અમેરિકાના મૂળભૂત વલણ સાથે મેળ ખાતું નથી.

ભારતની મૂળભૂત નીતિ સિમલા કરારની રૂયે ભારત પાકિસ્તાને દ્વિપક્ષીય મંત્રણા દ્વારા જ આનો ઉકેલ લાવવાનો છે. કોઈ ત્રીજા દેશની મધ્યસ્થી ભારતને સ્વીકાર્ય નથી. જોકે યુનો કાશ્મીરની તકરાર સાથે સંબંધીત છે. અમેરીકાએ તેના રાષ્ટ્રીય નકશામાં કાશ્મીરને તકરારી પ્રદેશ તરીકે ઓળખાવ્યો છે. અને તેને ભારતના અવિભાજય અંગ તરીકે સ્વીકાર્યો નથી. ચીને પણ ઘણુ કરીને એવું જ વલણ અપનાવ્યું છે. એ વકરે તો ગંભીર સમસ્યાનું સ્વરૂપ લઈ શકે છે.

એમની વચ્ચેનાં ઘૂરકિયાં ગંભીર સ્વરૂપની સમસ્યામાં ફેરવાઈ જવાની શકયતાને સાવ નકારી શકાય તેમ નથી.

ભારતની સામે અન્ય ગંભીર પડકારો છે, જેમાંનો એક આર્થિક કટોકટીનો છે. વડાપ્રધાને તેમની તાજેતરની રશિયાની યાત્રા વખતે રશિયાને નોંધપાત્ર ગણાય એટલી મોટી આર્થિક સહાય આપવાની સંધિ કરી છે,તે ભારતની કારમી ગરીબાઈ જોતા તર્કવિતર્કને આધીન બની છે !

ભારત-પાકિસ્તાન વચ્ચેની તકરારનાં સંદર્ભમાં એ સંધિ થઈ હોવાની ગંધ આવે છે…

ભારત-પાકિસ્તાન વચ્ચેનો કાયમી સંઘર્ષ અંગે ‘આ પાર કે પેલે પાર’નો સમય પાકી ગયો છે !

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.