ચોમાસાની સીઝનમાં ભારે વરસાદ બાદ તૂટેલા રાજમાર્ગો પર ખાડા બૂરવા માટે અંદાજે 6 થી 7 કરોડ રૂપિયા પેચવર્ક પાછળ ખર્ચવામાં આવતા હોય છે. મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર પેચવર્કના ટકાવપણાનો રિપોર્ટ રજૂ કરવા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ ત્રણેય સિટી ઇજનેરોને લેખિતમાં આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ગત વર્ષે કરાયેલા પેચવર્કના કામોના ટકાવપણાનો રિપોર્ટ આપવા લેખિતમાં આદેશ
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે ગત વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા ખાડાઓ બૂરવા અને પેચવર્કના કામો માટે 6 થી 7 કરોડનો ખર્ચ થાય છે. દરમિયાન ગત વર્ષે કરાયેલા પેચવર્ક તૂટ્યા તો નથીને તે જાણવા માટે સિટી એન્જીનીયરોને રિપોર્ટ આપવા આદેશ આપવામાં આવ્યો છે.
પેચવર્ક કરાયા બાદ રોડ અંદાજે ત્રણ વર્ષ સુધી તૂટતો નથી. પરંતુ લાઇન રિપેરીંગ અને રોડના સાઇડનું ધોવાણ થવાના કારણે પેચવર્કને નુકશાન થતું હોય છે. આવા કિસ્સામાં પેચવર્કના ટકાવપણા અંગેનો રિપોર્ટ રજૂ કરવા ત્રણેય ઝોનના સિટી એન્જીનીયર તાકીદ કરવામાં આવી છે.