પડધરી, સતીષ વડગામા:
એક તરફ તો સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવાની વાત કરવામાં આવે છે તો એક તરફ ઘણી શાળાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે. ત્યારે આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં જોવા મળી છે જ્યાં સ્કૂલની હાલત ખૂબ જ કફોડી છે. પડધરીના જીલરીયા ગામે આવેલ માધ્યમિક શાળા જર્જરિત હાલતમાં છે. શાળાની આ હાલત જોઈ સ્કૂલના શિક્ષકો તથા ગ્રામજનો દ્વારા સ્વખર્ચે નવા બિલ્ડિંગનું નિર્માણ કરેલ છે જેમાં સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ગ્રાન્ટ કે સહાય મળેલ નથી.
શિક્ષણ ક્ષેત્રે મોટા મોટા વાયદા કરતી આ સરકાર દ્વારા પૂરતા શિક્ષકો પણ ના હોય જેથી બાળકોને પુરતુ શિક્ષણ મળતું નથી. જીલરીયા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 એમ બંને ધોરણમાં કુલ 85 વિદ્યાર્થીઓની સંખ્યા છે જેમા માત્ર 3 શિક્ષકો જ ફરજ બજાવે છે.
કોર્ષમાં આવતા ગણિત અને વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોના શિક્ષક સરકાર દ્વારા ફાળવેલ ના હોય તો સ્કૂલના શિક્ષકો દ્વારા પોતાના પગારમાંથી અમુક રકમ કાઢી બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે પ્રાઇવેટ શિક્ષક હાયર કરેલ છે. પડધરી તાલુકા આમ આદમી પાર્ટી પ્રમુખ મહિપાલસિંહ જાડેજા , ઉપપ્રમુખ હરપાલસિંહ જાડેજા ,રામજીભાઈ વગેરે AAP ના આગેવાનોએ સ્કૂલની મુલાકાત લઈ શિક્ષકોને બિરદાવ્યા હતા. અને સરકાર વિરુદ્ધ કટાક્ષ વ્યક્ત કર્યો હતો.