તમે પોતે ફટાકડા ફોડ્યા હોય કે ન ફોડ્યા હોય, પણ શ્વાસ તમે લીધો છે અને શ્વાસ મારફત તમારી આસપાસ ફોડાયેલા ફટાકડામાંથી બહાર નીકળતો હાનિકારક કેમિકલયુક્ત ધુમાડો ફેફસામાં ગયો છે.
તમે પોતે ફટાકડા ફોડ્યા હોય કે ન ફોડ્યા હોય, પણ શ્વાસ તમે લીધો છે અને શ્વાસ મારફત તમારી આસપાસ ફોડાયેલા ફટાકડામાંથી બહાર નીકળતો હાનિકારક કેમિકલયુક્ત ધુમાડો ફેફસામાં ગયો છે. લાંબા સમય સુધી આ પ્રકારનું એક્સપોઝર લંગ્સને મળતું રહે તો એ શ્વસનની અનેક પ્રકારની બીમારીઓ આપી શકે છે
હવે ક્રિસમસ સુધી તહેવારોના દોરને એક નાનકડો બ્રેક મળવાનો છે ત્યારે દિવાળીમાં દબાવીને ખાધેલી મીઠાઈઓ અને પેટ ભરીને શ્વાસમાં લીધેલા ધુમાડાની આડઅસરો શરીરને વધુ નુકસાન કરે એ પહેલાં જ એને શરીરમાંથી તિલાંજલિ આપી દેવાય એ જરી છે. તહેવારના દિવસો પછી શરીરને ડિટોક્સિફાય કરવાની વાતો કંઈ નવી નથી. જોકે જૂની વાત હોવાથી એની અનિવાર્યતા ઘટતી નથી. ખાસ કરીને દિવાળીના દિવસોમાં, જ્યાં ખાણી-પીણીથી લઈને શ્વાસમાં લેવાના ધુમાડાને કારણે શરીરના લગભગ દરેક અંગને એ કોઈ ને કોઈ રીતે અસર થતી હોય છે જેમાં મુખ્ય હોય છે તમારું પેટ અને ફેફસાં.
પેટને ડિટોક્સિફાય કરવા માટેના રસ્તાઓમાંથી અમુક તમે જાણતા પણ હશો, પરંતુ ફેફસાંનું શું? તમે ધારો કે ફટાકડા ન પણ ફોડતા હો તો પણ તમારા પરિસરમાં ફૂટતા ફટાકડાની અસરથી તો તમે બચી શકવાના નથી. ફટાકડાનો દાગોળો બનાવવા માટે વપરાતા સલ્ફર નાઇટ્રેટ, મેગ્નેશિયમ અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ જેવા કેમિકલ્સ શ્વસન તંત્ર માટે ખૂબ જોખમી મનાય છે. શ્વાસ લેવામાં તકલીફ પડવી, અસ્થમા, ફેફસાનું ઇન્ફેક્શન જેવી અનેક સમસ્યાઓ ઉદ્ભવે છે. તાજેતરમાં પુણેના રિસર્ચરોએ છ પ્રકારના ફટાકડાઓ ફેફસાની હેલ્થ માટે સૌથી વધુ જોખમી છે એવું જાહેર કર્યું હતું જેમાં કહેવાયું કે ફુવારો, ચકરડી, સાપની ગોળી, તડાફડીની લૂમ અને ફૂલઝડી આ છ પ્રકારના ફટાકડા હવામાં ૨.૫ પર્ટિક્યુલેટ મેટર એટલે કે હવામાં ફેફસાં માટે હાનિકારક હોય એવા આટલી સાઇઝના રજકણોનું પ્રમાણ વધારી દે છે.
દિવાળી પછી શ્વસનની સમસ્યાઓ લઈને આવનારા દરદીઓની સંખ્યામાં ૩૫થી ૪૦ ટકાનો વધારો થઈ જાય છે એમ જણાવીને પલ્મોનોલોજિસ્ટ અને ચેસ્ટ ફિઝિશ્યન ડો. આગમ વોરા કહે છે, ‘જેમને પહેલેથી જ ક્રોનિક ઑબ્સટ્રક્ટિવ પલ્મનરી ડિસીઝ(સીઓપીડી) કે અસ્થમા જેવી શ્વસનતંત્રને લગતી બીમારી હોય તેમની પરિસ્થિતિ તો આ દિવસોમાં વકરે જ છે, પરંતુ એવું ન હોય તેમના માટે પણ આ નવેસરથી શ્વાસની બીમારીઓને આમંત્રણ આપવાનો અવસર બની જાય છે. સીઓપીડી આવા જ પ્રકારના માહોલમાં વારંવાર રહેવાથી થતું હોય છે. સામાન્ય રીતે હવાના નાના પાર્ટિક્લ્સ લંગ્સમાં જતાં પહેલાં જ અટકી જાય અને કફ વાટે બહાર નીકળી જાય, પરંતુ ફટાકડાના ધુમાડામાંથી નીકળતા પાર્ટિકલ્સ ૨.૫ સાઇઝના માઇક્રોલ્યુટ હવામાં જ રહે છે જે શ્વાસ વાટે ફેફસાંમાં ડિપોઝિટ થઈ જાય છે અને પછી એને લંગ્સમાંથી બહાર કાઢવાનો કોઈ રસ્તો નથી. જે પછી આગળ જતાં ઇન્ફેક્શન અને ઇન્ફ્લેમેશનનું કારણ બનવા માંડે. તમે ફેફસાંને ઘસીને કે બ્રશિંગ કરીને કે પોતું મારીને સાફ કરી શકવાના નથી. બહુ-બહુ તો છીંક, ખાંસી દ્વારા પ્રેશરથી અંદર ગયેલા બિનજરી પદાર્થ બહાર ફેંકાઈ શકે છે. જોકે એમ થાય જ એવું નિશ્ચિત ન કહી શકાય. ટૂંકમાં કેટલાક મોટી સાઇઝના કેમિકલ પાર્ટિકલ્સ લંગ્સમાં ગયા પછી એને બહાર કાઢવાનું કામ થોડુંક કઠિન છે. તાજેતરમાં ગ્લોબલ ઇનિશ્યેટિવ ઑફ સીઓપીડી મેનેજમેન્ટ દ્વારા નાની ઉંમરમાં ફટાકડાના હાનિકારક પાર્ટિકલ્સના સંપર્કમાં આવતાં અને એને શ્વાસોચ્છવાસમાં ભરતાં બાળકોમાં ૪૦ વર્ષની ઉંમર સુધીમાં જ ફેફસાંના રોગો થવાની સંભાવના ૪૫ ટકા વધી જાય છે.’
તો શું કરવું?
ફેફસાંને સંપૂર્ણ ડિટાક્સિફાય કરવાં તો મેડિકલ તજજ્ઞની દૃષ્ટિએ શક્ય નથી, પરંતુ એને મેનેજ જર કરી શકાય. ડો. આગમ એ વિશે સ્પષ્ટતા કરતાં કહે છે, ‘ફેફસાંની ઓવરઑલ હેલ્થ માટે ચાર પ્રકારની બાબતો પર ખાસ ધ્યાન આપવાનું હું કહેતો હોઉં છું. અત્યારના સમયમાં પણ અમુક બ્રીધિંગ એક્સરસાઇઝ કરવાથી લંગ્સની કેપેસિટી બહેતર થઈ શકે. આપણે શ્વાસ લઈએ એ ત્રણ બાબતો પર આધાર રાખે છે. પહેલું, તમારા બ્રેઇનની શાર્પનેસ, ફેફસાંની સક્રિયતા અને શ્વાસોચ્છવાસ માટે ઉપયોગમાં આવતા સ્નાયુઓની ક્ષમતા. તમારી ઉચિત જીવનશૈલી આ ત્રણની સશક્તતા વધારે તો સ્વાભાવિક રીતે શ્વસન પણ બહેતર બને. એના માટે ચાર નિયમોનું પાલન કરવાનું આજથી જ નક્કી કરી દો. રોજ પંદરથી વીસ મિનિટ કોઈ પણ બ્રીધિંગ એક્સરસાઇઝ અથવા પ્રાણાયામ, સ્ટીમ ઇન્હેલેશન એટલે કે ગરમ પાણીમાંથી નીકળતી બાફને શ્વાસમાં ભરવી, ૩૦થી ૪૦ મિનિટ પીઠના ભાગ પર તડકો પડે એ રીતે સવારનો તડકો લેવો અને અડધો કલાક ચાલવું. આ ચારેય બાબતોનું નિયમિત પાલન કરો તો નેચરલી જ તમારા લંગ્સની હેલ્થ સારી રહેશે.’
આયુર્વેદ શું કહે છે?
આયુર્વેદના પોઇન્ટ ઑફ વ્યુથી ફેફસાંની હેલ્થ માટે ખાસ કરીને પોસ્ટ દિવાળી શું કરવું એના જવાબમાં આયુર્વેદ નિષ્ણાત વૈદ્યરાજ ડો. સંજય છાજેડ કહે છે, ‘તમારાં ફેફસાંની તંદુરસ્તી માટે શ્વસન માર્ગની તંદુરસ્તી પર ધ્યાન આપો તો પણ ધાર્યું પરિણામ મળે. આ સમયે એના ડિટોક્સિફિકેશન માટે બે ઍડ્વાઇસ હું ખાસ આપું છું. પહેલી, આયુર્વેદિક વૈદ્યની નિગરાનીમાં તમારી પ્રકૃતિ અને પરિસ્થિતિ અનુસાર પદ્ધતિસર વમન ક્રિયા કરી શકાય.
બીજું, તમે ઘરે રહીને પણ નસ્ય ચિકિત્સા કરી શકો. નસ્ય એટલે નાકમાં ખાસ તેલ લગાવવું. સામાન્ય રીતે ટોક્સિન્સ સંઘરવાનો શરીરનો સ્વભાવ જ નથી. જોકે દિવાળી પછી થોડાક દિવસ અમુક પરહેજ રાખો અને થોડાક ઘરગથ્થુ ઇલાજ કરો તો નેચરલ ડિટોક્સિફિકેશન પણ ઝડપથી થઈ શકે. જેમ કે પ્રતિમર્શ નસ્ય ક્રિયામાં અણુ અથવા ષડબિંદુ તેલનાં બે ટીપાં હથેળીમાં લઈને આંગળી વડે એને બન્ને નાસિકામાં લગાવી દેવાથી લાભ થશે. ફેફસાંનો માર્ગ નાકથી શરૂ થાય છે.
જો તકલીફ વધુ હોય તો નિષ્ણાતની સલાહ અનુસાર વધુ માત્રામાં તેલનો પ્રયોગ કરીને છીંક દ્વારા બહાર નીકળતા કફ વાટે ફેફસાંનું ક્લેન્ઝિંગ કરી શકાય. તુલસી ડિટોક્સિફિકેશન માટે શ્રેષ્ઠ જડીબુટ્ટી છે. તુલસીના અર્કના ડ્રોપ્સ, ઉકાળો, રસ એમ કોઈ પણ ફોર્મમાં તુલસી તમને ફાયદાકારક નીવડશે. શરીરમાં કોઈ પણ ફોર્મમાં વિષ હોય તો તુલસી અને બીલીપત્ર એના માટે શ્રેષ્ઠ પુરવાર થાય છે. હળદર, કાળાં મરી, સૂંઠ-હળદરની ગોળી ખાવાથી પણ ફાયદો થાય છે.’