શ્રધ્ધાપૂર્વક પિતૃઓને પ્રસન્ન કરવા એટલે શ્રાદ્ધ. સાચી શ્રદ્ધાથી પિતૃઓની આત્માની શાંતિ માટે કરવામાં આવેલ તર્પણને સાચા અર્થમાંશ્રાદ્ધ કહેવાય છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર પિતૃઓ પોતાના પરિવારજનો પાસે જઈ તર્પણ ગ્રહણ કરી શકે એ માટે મૃત્યુના દેવતા યમરાજ પણ શ્રાદ્ધપક્ષમાં જીવને મુક્ત કરે છે શ્રદ્ધાથી કરેલા શ્રાદ્ધથી પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
કોઈપણ પરિવારમાં પરણિત કે અપરણિત, બાળક કે વૃદ્ધ , સ્ત્રી હોય કે પુરુષ જ્યારે એમનું અવસાન થાય ત્યારે એ પોતાના પરિવારજનો માટે પિતૃ કહેવાય છે.પિતૃપક્ષમાં પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરવામાં આવે છે. પિતૃઓના પ્રસન્ન થવાથી ઘરમાં સુખ શાંતિ જળવાય રહે છે.ઘરનો વરિષ્ઠ પુરુષ કે અન્ય કોઈ મોટું સદસ્ય તર્પણ કરી શકે. પૌત્ર અને નાતીને પણ તર્પણ કરવાનો અધિકાર છે.વર્તમાન સમયમાં તો ઘરની મહિલાઓ પણ તર્પણ વિધિ કરે છે.
શ્રાદ્ધની તિથિ યાદ ન હોય તો શું કરવું..?
પિતૃપક્ષમાં પૂર્વજોનું સ્મરણ અને પૂજન કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જે તિથિએ પરિજનનું મૃત્યુ થયું હોઈ એ તિથિને શ્રાદ્ધની તિથિ કહેવાય. પરંતુ અમુક સંજોગો વસાત ઘણા લોકોને પિતૃઓની શ્રાદ્ધતિથિ યાદ નથી હોતી આવા સમયે શાસ્ત્રો પ્રમાણે આસ્વીન અમાસના દિવસે તર્પણ કરી શકાય છે.એટલા માટે જ શ્રાદ્ધપક્ષની અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે.
પિતૃપક્ષના કેટલાક વિશેષ નિયમો
પિતૃ તર્પણવિધિમાં કુશ ( એક પ્રકારનું ઘાસ ) અને કાળા તલનું વિશેષ મહત્વ છે. આ બે સામગ્રીથી તર્પણ કરવામાં આવે તો ઉત્તમ ફળ મળે છે.પિતૃપક્ષમાં સાત્વિક ભોજનનો આગ્રહ રાખવો જોઈએ. ડુંગળી , લસણ , માસ મદિરાથી દુર રહેવું જોઈએ.દૂધનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો.
મહાભારતના સમયથી શરૂ થયું શ્રાદ્ધપક્ષનું મહાત્મય
મહાભારતના યુદ્ધમાં જ્યારે દાનવીર કર્ણની મૃત્યુ થાય છે ત્યારે કર્ણની આત્મા સીધી સ્વર્ગમાં પહોંચે છે. સ્વર્ગમાં નિયમિત ભોજનને બદલે કર્ણને જમવામાં સોનાના દાગીના આપવામાં આવે છે. ત્યારે કર્ણ નિરાશાવસ ઇન્દ્રદેવને પૂછે છે કે આનું શુ કારણ..? ત્યારે ઇન્દ્રદેવ કર્ણને જવાબ આપતા કહે છે કે તમે આખું જીવન લોકોને દાનમાં સોનાના આભૂષણો જ આપ્યા છે. પરંતુ તમે ક્યારેય પૂર્વજોને ભોજન દાન નથી કર્યું. એ સમયે કર્ણ ઇન્દ્રદેવને કહે છે કે હું મારા પૂર્વજો વિશે કશું જાણતો નથી. આથી ઇન્દ્રદેવ કર્ણને ૧૫ દિવસ માટે પૃથ્વી ઉપર જવાની અનુમતિ આપે છે.જેથી કર્ણ પોતાના પિતૃઓને ભોજન દાન કરી શકે. એટલા માટે આ ૧૫ દિવસની અવધિ પિતૃપક્ષ તરીકે જાણીતા છે. એવું માનવામાં આવે છે કે આ ૧૫ દિવસોમાં પિતૃઓ ધરતી પર આવી પરિવારજનોને આશીર્વાદ આપી સમસ્યાઓ દૂર કરે છે.
ઉધાર લઈને તર્પણ ન કરવું
તર્પણવિધિમાં પિતૃઓને હળવી સુગંધ વાળા પુષ્પો અર્પણ કરવા જોઈએ. તીખી સુગંધવાળા ફૂલો વર્જિત છે. પિંડદાન કરતી વખતે દક્ષિણ દિશા બાજુ મો રાખવું. પિતૃપક્ષમાં નિત્ય ભગવત ગીતાનું પઠન કરવું જોઈએ. ક્યારેય પણ ઉધાર લઈને કે દબાણમાં આવીને શ્રાદ્ધ ન કરવું જોઈએ