ડિજિટલ કરન્સીનો વ્યાપ વધારવાનો સરકારનો પ્રયાસ સફળ રહ્યો, પણ રોકડનું પ્રભુત્વ ઓછું ન થઈ શક્યું તે વાસ્તવિકતા : સરકારને પણ સમજાયું કે બધા રોકડના વ્યવહાર કાળા હોતા નથી
અબતક, નવી દિલ્હી : નોટબંધીને પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે પાંચ વર્ષ પછી નોટબંધીના ઘંટે દેશને શુ ફાયદો કર્યો? આ પ્રશ્ન સૌ દેશવાસીઓને ઉદભવી રહ્યો છે. સરકારે કાળું નાણું બહાર કાઢવા તેમજ ડિજિટલ કરન્સીનો વ્યાપ વધારવા માટે નોટબંધીનું પગલું લીધું હતું. ઉપરાંત સરકાર રોકડ વ્યવહારને ઘટાડવા પણ માંગતી હતી. સરકારને ડિજિટલ કરન્સીનો વ્યાપ વધારવામાં તો સફળતા મળી છે. પણ સરકાર રોકડનું પ્રભુત્વ ઘટાડી શકી નથી. આ ઉપરાંત સરકારને સમજાયું છે કે રોકડના બધા વ્યવહાર કાળા હોતા નથી.
પાંચ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાત્રે 8 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરીને નોટબંધી અંગે જાહેરાત કરી હતી. પીએમ મોદીની જાહેરાત સાથે જ તે દિવસે રાત્રે 12 વાગ્યાથી 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો બંધ થઇ ગઈ હતી. તેને સ્થાને 200 અને 2000 રૂપિયાની ચલણી નોટ લાવવામાં આવી હતી. મોદી સરકારના આ નિર્ણયને લઈને અવારનવાર ચર્ચાઓ ચાલતી રહી છે વિપક્ષ સતત આરોપ લગાવતો રહ્યો છે કે સરકારનો આ નિર્ણય લોકોને પરેશાન કરી મૂકનારો હતો અને તેની વિપરીત અસરો થઇ છે. બીજી તરફ, મોદી સરકારનું કહેવું છે કે નોટબંધી બાદ દેશમાં અનેક સકારાત્મક ફેરફારો આવ્યા છે.
ભારતીય અર્થવ્યવસ્થામાં રોકડનું પ્રભુત્વ ચાલુ છે. નોટબંધીના પાંચ વર્ષ પછી ડિજિટલ પેમેન્ટમાં વધારો થવા છતાં ચલણમાં નોટોની સંખ્યા પણ સતત વધી રહી છે. જોકે, આ વૃદ્ધિની ગતિ થોડી ધીમી પડી છે. ભારતીય રિઝર્વ બેંક ના તાજેતરના ડેટા અનુસાર, 4 નવેમ્બર, 2016ના રોજ રૂ. 17.74 લાખ કરોડના મૂલ્યની નોટો ચલણમાં હતી, જે 29 ઓક્ટોબર, 2021ના રોજ વધીને રૂ. 29.17 લાખ કરોડ થઈ હતી, તાજેતરના રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ડેટા અનુસાર, 30 ઓક્ટોબર 2020ના રોજ ચલણમાં રહેલી નોટોનું મૂલ્ય 26.88 લાખ કરોડ રૂપિયા હતું. જે 29 ઓક્ટોબર 2021ના રોજ વધીને 2,28,963 કરોડ રૂપિયા થઈ ગયું છે.
વાર્ષિક ધોરણે 30 ઓક્ટોબર, 2020ના રોજ રૂ. 4,57,059 કરોડ અને એક વર્ષ અગાઉ 1 નવેમ્બર, 2019 ના રોજ રૂ. 2,84,451 કરોડનો વધારો થયો હતો. વધુમાં, 2019-20 દરમિયાન 14.7% અને 6.6%ની સરખામણીએ 2020-21 દરમિયાન ચલણમાં બૅન્ક નોટના મૂલ્ય અને જથ્થામાં અનુક્રમે 16.8% અને 7.2%નો વધારો થયો હતો. કોવિડ રોગચાળા દરમિયાન લોકોએ સાવચેતી તરીકે રોકડ રાખવાનું વધુ સારું માન્યું, જેના કારણે ગત નાણાકીય વર્ષમાં ચલણમાં રહેલી નોટોનું પ્રમાણ વધ્યું છે.
2016માં ભારતે નોટબંધી-ડિમોનેટાઈઝેશનનું પગલું લીધું હતું. મોદી સરકારનો એ નિર્ણય દેશ માટે આઘાતજનક હતો અને આજે પણ ચર્ચાસ્પદ ગણાય છે. અર્થશાસ્ત્ર પ્રમાણે નોટબંધી એ કાળા નાણા કાબુમાં કરવાનું એક અસરકારક પગલું છે. એવી વ્યાપક માન્યતા છે કે બ્લેકમની ધારકો રકમ મોટા મૂલ્યની ચલણી નોટોમાં પૈસા રાખતા હોય છે. એટલે મોટા મૂલ્યની નોટો રાતોરાત રદ કરી દેવાય તો ઘણા ખરા બ્લેકમની ધારકો સાણસામાં આવી જાય. પરંતુ હકીકત એ છે કે બ્લેકમની ધારકો પાસે અનેક રસ્તા છે. માટે જ અર્થશાસ્ત્રના જાણકારો ડિમોનેટાઈઝેશનના પગલાથી દૂર રહેવાની સલાહ આપે છે.
ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં આવી તેજી
નોટબંધીના પાંચ વર્ષ બાદ રોકડનો ટ્રેન્ડ ચોક્કસપણે વધ્યો છે, પરંતુ આ સમયગાળા દરમિયાન ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ ઝડપથી વધારો થયો છે. સત્તાવાર માહિતી અનુસાર, ડેબિટ/ક્રેડિટ કાર્ડ્સ, નેટ બેન્કિંગ અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ જેવા માધ્યમો દ્વારા ડિજિટલ પેમેન્ટમાં પણ મોટો વધારો થયો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનું યુપીઆઈ દેશમાં ચુકવણીના મુખ્ય માધ્યમ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. જોકે તેમ છતાં ચલણમાં નોટોનો વધારો ધીમો છે, પરંતુ ચાલુ છે.
કોરોનાના કારણે રોકડનો ઉપયોગ વધ્યો
કોરોના મહામારીના કારણે રોકડનો ઉપયોગ વધુ થયો છે. કારણ કે લોકડાઉનને કારણે વધુને વધુ લોકોએ કરિયાણા અને અન્ય આવશ્યક ચીજો માટે ચૂકવણી કરવા માટે રોકડની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું. તેનાથી રોકડનો પ્રવાહ વધ્યો છે. રિઝર્વ બેંકનું માનવું છે કે નજીવી જીડીપીમાં વધારા સાથે સિસ્ટમમાં તરલતા પણ વધશે. તહેવારોની મોસમ દરમિયાન રોકડની માંગ ઊંચી રહી હતી કારણ કે મોટાભાગના દુકાનદારો રોકડ વ્યવહારો પર નિર્ભર હતા.
500 અને 2000 રૂપિયાની નોટોનો હિસ્સો વધ્યો
મૂલ્યની દ્રષ્ટિએ, 31 માર્ચ, 2021ના રોજ ચલણમાં રહેલી બેંક નોટના કુલ મૂલ્યમાં રૂ. 500 અને રૂ. 2,000ની બેન્ક નોટનો હિસ્સો 85.7% હતો, જે 31 માર્ચ, 2020ના રોજ 83.4% હતો. જો કે, 2019-20 અને 2020-21 દરમિયાન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નોટ મુદ્રાન પ્રાઈવેટ લિમિટેડ અને સિક્યુરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ પાસે રૂ. 2,000ની નોટની કોઈ અલગથી માંગ કરવામાં આવી નથી.