જૈન ધર્મના સંસ્કારોનો કર્મમાં મહત્વનો ફાળો: લોઢા
મુંબઈના મલબાર હિલના ભાજપી વિધાનસભ્ય મંગલપ્રભાત લોઢા ૩.૮ અબજ ડોલર (આશરે ૨૭,૧૫૦ ક્રોડ ‚પીયા)ની સંપત્તિ સાથે ભારતના સૌથી શ્રીમંત બિલ્ડર બન્યા છે. મુંબઈમાં ત્રણ દાયકા પહેલા બિલ્ડરનો વ્યવસાય શ‚ કરનારા મંગલપ્રભાત લોઢા હાલમાં મુંબઈમાં ૭૫ માળનો ટ્રમ્પ ટાવર બાંધી રહ્યા છે,. લોઢા ગ્રુપનાં વેચાણમાં ગત વર્ષે ૨૨ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
૬૩ વર્ષના મંગલપ્રભાત લોઢાનો જન્મ રાજસ્થાનમાં ભિનમાલના અત્યંત ખાનદાન અને સંસ્કારી જૈન પરિવારમાં થયો હતો. મંગલપ્રભાત લોઢાના પિતાશ્રી જસ્ટિસ ગુમાનમલ લોઢા સ્વતંત્રતા સેનાની હતા. તેઓ ગૌહાટી હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરીકે રિટાયર થયા પછી ઓલ ઈન્ડિયા એનિમલ વેલ્ફેર બોર્ડના અધ્યક્ષ બન્યા હતા. તેમને નેશનલ કમિશન ઓફ કેટલના અધ્યક્ષ પણ બનાવવામાં આવ્યા હતા. ભારતમાં પશુધનનું સંરક્ષણ કેવી રીતે કરવું? તે બાબતમાં તેમણે દળદાર રિપોર્ટ તૈયાર કર્યો હતો. જેને આજે પણ જીવદયા બાબતના કેસોમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે.
મંગલપ્રભાત લોઢા વકીલ બન્યા પછી બિલ્ડર કેવી રીતે બની ગયા? તેની પણ રસપ્રદ કહાણી છે. તેમણે જોધપુર યુનિવર્સિટીમાંથી બી.કોમ. તથા એલએલબી કરીને રાજસ્થાન હાઈ કોર્ટમાં વકીલ તરીકે પ્રેકિટસ પણ શરૂ કરી દીધી હતી. એટલામાં તેમના પિતાશ્રીની નિમણુંક રાજસ્થાન હાઈ કોર્ટમાં જસ્ટિસ તરીકે થતાં તેમણે વકીલની પ્રેકિટસ છોડી દીધી હતી. ઈ.સ. ૧૯૮૧માં મંગલપ્રભાત લોઢાએ મુંબઈ આવીને બાંધકામનો વ્યવસાય શરૂ કર્યો હતો. જોત જોતામાં તેઓ ટોચ પર પહોચી ગયા હતા.
મંગલપ્રભાત લોઢા કોલેજમાં ભણતા હતા ત્યારથી રાજનીતિમાં રસ લેતા હતા કોલેજનાં દિવસોમાં તેઓ ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સભ્ય હતા. તેમના પિતાશ્રી ગુમાનમલ લોઢા જસ્ટિસ તરીકે રિટાયર થયા પછી રાજનીતિમાં જોડાયા હતા. અને ત્રણ વાર સંસદસભ્ય બન્યા હતા. પિતાશ્રીના પગલે મંગલપ્રભાત લોઢા પણ રાજનીતિમાં જોડાયા હતા. અને ૧૯૯૫માં પહેલીવાર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડીને મલબાર હિલના વિધાનસભ્ય બન્યા હતા. લાગલગાટ પાંચ ચૂંટણીઓથી તેઓ મલબાર હિલના વિધાનસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.
જૈન ધર્મની રક્ષાનાં તેમજ જીવદયાનાં કોઈ પણ કાર્યમાં મંગલપ્રભાત લોઢા હંમેશા સક્રિય રહ્યા છે. મહારાષ્ટ્ર રાજયમાં સંપૂર્ણ ગૌવંશહત્યાબંધીનો કાયદો લાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં નાગપુર એરપોર્ટ પરથી એક લાખ જીવતાં ઘેટાબકરાની નિકાસ થવાની હતી તેની સામે પણ મંગલપ્રભાત લોઢાએ વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો હતો. મંગલપ્રભાત લોઢા બિલ્ડરના વ્યવસાયમાં ટોચ પર પહોચી ગયા તેમાં જૈન ધર્મના સંસ્કારોનો પણ મહત્વનો ફાળો છે.