છરી લઈને ધસી ગયેલા ગોડસેથી ગાંધીને બચાવનાર ભીલારે ગુરુજીનું ૯૮ વર્ષની વયે નિધન
મહાત્મા ગાંધીની હત્યા કરવા નથુરામ ગોડસે સહિતનાએ કરેલા પ્રયાસો અંગે ગાંધીવાદીઓ અને નિષ્ણાંતોમાં મતમતાંતર છે. આ મતમતાંતરની દલિલો પણ રોચક છે. વર્ષ ૧૯૪૪માં મહાત્માની હત્યા કરવા ગોડસે દ્વારા પ્રયાસ થયો હતો જેને સ્વતંત્રતા સેનાની ભીખુ દાજી ભીલારે ઉર્ફે ભીલારે ગુરુજીએ નિષ્ફળ બનાવ્યો હતો. ભીલારે ગુરુજીનું ૯૮ વર્ષની વયે ગઈકાલે નિધન થયું છે.
ભીલારેએ કેટલાક લેખકોને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘પંચગનીમા મહાત્મા ગાંધીની પ્રાર્થના સભામાં હાજરી આપવા તમામને મંજૂરી અપાઈ હતી, તે સમયે ઉષા મહેતા, પ્યારેલાલ, અ‚ણા અસફ અલી સહિતના હાજર હતા. ત્યારે ગોડસે છરી લઈને મહાત્મા ગાંધી તરફ ધસી ગયો હતો ત્યારે મેં તેનો હાથ મરડીને છરી આંચકી લીધી હતી, પરંતુ મહાત્મા ગાંધીએ તેને છોડી મુકયો હતો.
મહાત્મા ગાંધીની હત્યા પાછળના વિવાદોની તપાસ કરવા ૧૯૬૫માં સ્થાપેલા કમિશને રીપોર્ટમાં ટાંકયુ છે કે, વર્ષ ૧૯૪૪માં મહાત્મા ગાંધીને મેલેરીયા થયો હતો જેથી તેઓ તબીબની સલાહથી પંચગની આરામ માટે પહોંચ્યા હતાં.
આ મુદ્દે ૯૦ વર્ષના ગાંધીવાદી એન.ડી.પાટીલે જણાવ્યું હતું કે, ગુરુજીએ ગાંધીને ગોડસેથી બચાવ્યા હોવાના સમાચાર વાયુવેગે પ્રસરી ગયા હતા. તે સમયે માત્ર ઉંમર ૧૫ વર્ષની હતી. યુવાનો ગુરુજીને મળવા પહોંચી જતા હતા. અલબત ગોડસે દ્વારા ગાંધીની હત્યાના પ્રયાસ ૧૯૪૪ નહીં પરંતુ ૧૯૪૭માં થયો હોવાનો પણ એક મત છે.
મહાત્મા ગાંધીના વિચારો સાથે સહમત ન હોય તેવા અનેક લોકો તે સમયે તેમનો વિરોધ કરી રહ્યાં હતા. ૧૯૪૪ના સમયગાળા બાદ ગાંધીજીના અહિંસક વિચારોનો હિંસાત્મક વિરોધ કરવાનું ચલણ વધ્યું હતું. છેલ્લા ઘણા સમયથી ગાંધીજીની હત્યા સમયે, તે પહેલા અને ત્યારબાદની સ્થિતિ તપાસવા માટે ગાંધીવાદીઓ તેમજ નિષ્ણાંતો પ્રયાસ કરી રહ્યાં છે. ગાંધી તેમજ ગોડસે વિષયના અનેક પુસ્તકોમાં ગાંધીજીની હત્યા તેમજ તેના કારણો સંબંધે તર્ક-વિતર્કો ઉલેખાયા છે.