સોરઠ પંથકમાં સિંહોની સલામતીની સંગીન વ્યવસ્થા, રોગચાળાથી સુરક્ષિત રાખવાના સંઘન પ્રયાસો
ગુજરાતમાં સિંહોની પરિસ્થિતિ ચિંતાજનક હોવાની વ્યાપક ચર્ચાઓનો પડઘો વિધાનસભામાં પણ પડ્યો હતો. ગુજરાતમાં 15 દિવસમાં અલગ-અલગ જગ્યાએ પાંચ સિંહના મૃત્યુ અંગેના પ્રશ્નમાં મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું હતું કે 15 દિવસમાં 5 સિંહના મૃત્યુ કોઇપણ પ્રકારના રોગચાળા નહીં પરંતુ કુદરતી રીતે થયા હતાં.
વિશ્ર્વમાં એકમાત્ર ગીરના જંગલમાં વસતાં એશિયાટીક સિંહોના અસ્તિત્વને આબાદ રાખવા માટે કેન્દ્ર અને રાજ્યના વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતા સિંહ સંવર્ધન સંરક્ષણ કાર્યક્રમોની વિવિધ યોજનાના ફળ સ્વરૂપે એશિયાટીક સિંહોની વસ્તી ગણતરીમાં દર વર્ષે સિંહોની સંખ્યા વધતી જાય છે. આ વખતે પણ સિંહોની કુલ વસ્તીમાં 10 ટકાથી વધુ વધારો થયો છે. એકમાત્ર ગીરના જંગલોમાં રહેતાં એશિયાટીક સિંહો પર સંભવિત રીતે કોઇ મોટા રોગચાળાનો ખતરો ઉભો થાય તો સમગ્ર સિંહ પ્રજાતિનું અસ્તિત્વ ભૂંસાઇ ન જાય તે માટે સિંહોના એક જૂથને મધ્યપ્રદેશના જંગલોમાં વસાવવા જોઇએ તેવી યોજના ચર્ચામાં આવી હતી. પરંતુ ગીરના સિંહો ગીરમાં સલામત હોવાના સંજોગોને લઇને સિંહોને હાલ ક્યાંય સ્થળાંતરિત કરવાની જરૂરીયાત ન હોવાનું સ્વીકાર્યું બન્યું છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે જંગલો હવે દિવસે દિવસે ઓછા થતાં જાય છે. ગીરમાં પણ માનવ વસ્તી અને વિકાસને કારણે જંગલો પાંખા થતા જાય છે અને સિંહોની વસ્તી વધે છે તેવાં સંજોગોમાં સિંહોએ આપમેળે બૃહદગીરમાં પોતાનો રહેઠાંણ વિસ્તારવા લાગ્યા છે. ગીર ઉપરાંત પોરબંદર, ભાવનગર, અમરેલી, રાજકોટથી લઇને છેક અમદાવાદ સુધી સિંહોના નવા ઘર બની રહ્યાં છે ત્યારે ગીરમાં અને ગુજરાતમાં સિંહો પર કોઇ જોખમ નથી તેવું ફલ્લીત થાય છે. 15’દિમાં જે 5 સિંહોના મૃત્યુ થયાં હતા તે કોઇ રોગચાળાથી નહીં પણ કુદરતી મૃત્યુ હતાં. ગીર અને સોરઠ પંથકમાં અનેક સિંહો લાંબુ જીવન જીવવાના વિક્રમો નોંધાવી ચુક્યા છે. સિંહની સરેરાશ આયુષ્ય ડબલ જીવન પણ જીવતા હોવાનું બહાર આવ્યું છે.