સાઉથ આફ્રિકામાં ભ્રષ્ટાચારથી કરોડોનું સામ્રાજ્ય ઊભું કરનારા ગુપ્તા બ્રધર્સની દુબઈમાં ધરપકડ
ગુપ્તા બંધુઓ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના રહેવાસી છે. શરૂઆતમાં તેમણે દિલ્હીમાં મસાલાઓ વેચવાનું કામ કર્યું હતું. પરંતુ, 1993 માં ગુપ્તા બંધુઓ દક્ષિણ આફ્રિકા જતા રહ્યા. ત્યાં તેમણે સાઉથ આફ્રિકાની અગાઉની સરકાર સાથે મળીને ભ્રષ્ટાચારથી પોતાનું અબજોનું બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું. હવે, યુએઈમાં તેમની ધરપકડ કરી લેવાઈ છે.
દક્ષિણ આફ્રિકા દ્વારા સોમવારે જણાવાયું છે કે, ભાગેડું ગુપ્તા ભાઈઓની દુબઈથી ધરપકડ કરી લેવાઈ છે. તેમની ઈન્ટરપોલની મદદથી ધરપકડ કરાઈ છે. ગુપ્તા ભાઈઓમાં રાજેશ ગુપ્તા અને અતુલ ગુપ્તાની ધરપકડ થઈ છે. ત્રીજો ભાઈ અજય હજુ પકડાયો નથી. દક્ષિણ આફ્રિકાનો આરોપ છે કે, ગુપ્તા બંધુઓએ પૂર્વ પ્રેસિડન્ટ જેકબ ઝુમાની નજીક હોવાના કારણે ઉચ્ચ પદો પર નિમણૂકોને પ્રભાવિત કરી હતી. 9વર્ષ સુધી તેઓ ભ્રષ્ટાચારમાં સામેલ રહ્યા.
રૂપિયા કમાવાની સાથે જ ગુપ્તા બંધુઓ રૂપિયા ઉડાવવા માટે પણ જાણીતા છે. 2019માં તેમના દીકરાઓના લગ્ન હતા. ઉત્તરાખંડના ઔલીમાં આ હાઈપ્રોફાઈલ લગ્ન થયા હતા, જેમાં પાણીની જેમ રૂપિયા વાપરવામાં આવ્યા હતા. જણાવાયા મુજબ, લગભગ 200 કરોડ રૂપિયા આ લગ્નમાં ખર્ચ કરાયા હતા. સ્વિટ્ઝરલેન્ડથી પાચ કરોડ રૂપિયાના જાત-ભાતના ફુલ મંગાવાયા હતા અને લગ્ન સ્થળને સજાવાયું હતું.
સહારનપુરથી સાઉથ આફ્રિકા પહોંચેલા ગુપ્તા બ્રધર્સ આટલા શક્તિશાળી કઈ રીતે બની ગયા?
ગુપ્તા બંધુઓ ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના રહેવાસી છે. શરૂઆતમાં તેમણે દિલ્હીમાં મરી-મસાલા વેચવાનું કામ કર્યું. 1993માં જ્યારે ભારત ગ્લોબલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું હતું, ત્યારે ગુપ્તા બંધુઓએ નવી તક શોધવા માટે દક્ષિણ આફ્રિકા પહોંચી ગયા. અહીં તેમણે જૂતાથી લઈને કોમ્પ્યુટર, ખાણથી લઈને ગાડીઓ સુધીનો બિઝનેસ શરૂ કર્યો. એક સમયે ગુપ્તા બંધુઓ દક્ષિણ આફ્રિકાના સૌથી શક્તિશાળી લોકોમાં સામેલ થઈ ગયા. 2016માં ગુપ્તા બ્રધર્સ દક્ષિણ આફ્રિકાના સૌથી અમીર લોકોમાં 16મા નંબરે હતા. એ સમયે તેમની સંપત્તિ લગભગ 78 કરોડ ડોલર એટલે કે 60 અબજ રૂપિયા હતી.
કઈ રીતે કરી આટલી કમાણી?
2016માં દક્ષિણ આફ્રિકામાં રાજકીય વિવાદ જોવા મળ્યો. ઘણા લોકોએ તેને ગુપ્તાગેટ પણ જણાવ્યો. વિવાદ એક આરોપ પછી શરૂ થયો, જેમાં કહેવાયું કે, ગુપ્તા બ્રધર્સએ તત્કાલીન વાઈસ ફાઈનાન્સ મિનિસ્ટરને કેબિનેટ પદ અપાવવાનું વચન આપ્યું છે, પરંતુ તેના માટે તેમણે વેપાર વધારવા માટે રૂપિયાની માગ કરી છે. લગભગ એ જ સમયે ભારતીય મૂળના પૂર્વ નાણા મંત્રી પ્રવીણ ગોરધને આરોપ લગાવ્યો કે, ગુપ્તા બ્રધર્સના કારણે જ તેમને કેબિનેટમાંથી હટાવાયા. આ આરોપો સામે આવ્યા બાદથી જ રૂપિયાની હેરાફેરીને લઈને તપાસ શરૂ થઈ. તપાસ પછી બ્રિટને ગુપ્તા બંધુઓના ખાતાઓને સીલ કરી દીધા અને તેમની મુસાફરી પર પ્રતિબંધ લગાવી દીધો. 2018 માં જ્યારે જેકબ જુમાની સરકાર પડી તો ગુપ્તા બંધુઓ ત્યાંથી ભાગીને દુબઈ જતા રહ્યા હતા.
ઈન્ટરપોલે કરી હતી રેડ કોર્નર નોટિસ ઇશ્યુ
સાઉથ આફ્રિકાની ઓથોરિટીનું કહેવું હતું કે, વર્ષ 2018થી ગુપ્તા પરિવાર પોતાની મરજીથી દુબઈ જતો રહ્યો હતો કેમકે તેમણે અબજો રેન્ડ (આફ્રિકન કરન્સી) સરકારી ઓથોરિટીની મદદથી લૂંટ્યા હતા. ટેક્સ દુરુપયોગની તપાસ કરતી આફ્રિકાની એજન્સીના સીઈઓ વેન ડુવેનહેઝએ આરોપ લગાવ્યો હતો કે, આફ્રિકા છોડ્યા પહેલા ગુપ્તા ભાઈઓએ 15 બિલિયન રેન્ડ્સ લૂટ્યા હતા. ઈન્ટરપોલે પહેલા જ ગુપ્તા બ્રધર્સ સામે રેડ કોર્નર નોટિસ ઈશ્યૂ કરી રાખી હતી. અમેરિકા અને યુકેએ તેમની એન્ટ્રી પર પ્રતિબંધ પણ મૂકેલો હતો. હવે, ગુપ્તા બંધુઓએ સાઉથ આફ્રિકા લઈ જવામાં આવશે. પહેલા આવું થઈ શક્યું ન હતું કેમકે યુએઈ સાથે સાઉથ આફ્રિકાની પ્રત્યર્પણ સંધિ ન હતી. જૂન 2021માં આ સમજૂતી કરવામાં આવી છે.