એક ટીમ દ્વારા સતત આઠ દિવસ સુધી સર્વેની કામગીરી કરાયા બાદ આવતીકાલથી બીજી ટીમ આવશે
કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓને પણ જાણ ન થાય તે રીતે કરાતી સર્વેની કામગીરી
કેન્દ્ર સરકાર દ્વારા દેશના અલગ-અલગ રાજ્યોને સ્વચ્છતા માટે દર વર્ષે રેન્કિંગ આપવામાં આવે છે. ગત વર્ષે રાજકોટ ભારતનું 7માં નંબરનું સૌથી સ્વચ્છ શહેર હતું. દરમિયાન સ્વચ્છતા સર્વેક્ષણ-2023ની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે ઘણા ક્રાઇટ એરિયા નક્કી કરવામાં આવ્યા છે. સાથોસાથ માર્ક્સ પણ વધારવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટને સ્વચ્છ સર્વેક્ષણમાં કેટલામો નંબર આપી શકાય તે માટે કેન્દ્ર સરકારની પાંચ સભ્યોની એક ટીમ દ્વારા ગત સપ્તાહે ચુપચાપ શહેરભરમાં સતત આઠ દિવસ સુધી સર્વે કરવામાં આવ્યો હતો. દરમિયાન આવતીકાલથી વધુ એક ટીમ સર્વેની કામગીરી માટે રાજકોટ આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ભારતના મુખ્ય શહેરો વચ્ચે સફાઇમાં હરિફાઇ જામે તે માટે કેન્દ્ર સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ કરવામાં આવે છે. જેમાં કેન્દ્રની ટીમો અલગ-અલગ શહેરોમાં જઇ સફાઇનું રૂબરૂ નિરિક્ષણ કરે છે. ગત વર્ષે દેશના ટોપ-10 શહેરોમાં રાજકોટનો સાતમો ક્રમાંક આવ્યો હતો. આ વખતે શહેરના રેન્કિંગમાં સુધારો થાય છે કે ઘટાડો થાય છે તે આગામી દિવસોમાં ખબર પડશે. દરમિયાન ગત સપ્તાહે કેન્દ્ર સરકારની પાંચ સભ્યોની એક ટીમ સ્વચ્છતા સર્વેક્ષણ નિરિક્ષણ માટે રાજકોટ આવી હતી. આ ટીમના સભ્યોએ સતત આઠ દિવસ સુધી શહેરના અલગ-અલગ રહેણાંક વિસ્તાર, કોમર્શિયલ વિસ્તાર, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર, ઝુંપડપટ્ટી વિસ્તારની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત કોર્પોરેશનના તમામ સાત સુએજ ટ્રીટમેન્ટ, નાકરાવાડી સ્થિત લેન્ડફીલ સાઇટ, કુવાડવા જીઆઇડીસી સ્થિત બાયો મેડિકલ વેસ્ટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને ઝીણવટભર્યું નિરિક્ષણ કર્યું હતું.
ટીમના સભ્યો દ્વારા સફાઇ બાબતે શહેરીજનોનો પણ ફિડબેક લેવામાં આવ્યો હતો. ગત વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં 2000 માર્ક્સ હતા જે આ વખતે વધારી 9,500 કરવામાં આવ્યા છે. શહેરમાં કેન્દ્રની ટીમ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ ચાલી રહ્યો હોવાની વાતથી કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓ પણ અજાણ હતા. પરંતુ જ્યારે આ ટીમના સભ્યો સુરક્ષા ધરાવતા એસટીપી અને લેન્ડફીલ સાઇટ પર ચેકીંગ માટે ગયા ત્યારે અધિકારીઓને ખ્યાલ આવ્યો કે સ્વચ્છતા સર્વેક્ષણ માટે ટીમ રાજકોટમાં છેલ્લા ઘણા દિવસોથી ચેકીંગ કરી રહી છે. દરમિયાન આવતીકાલે વધુ એક ટીમ સર્વે માટે રાજકોટ આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા સર્વેક્ષણ અંગે ટીમ દ્વારા ક્યારેય સત્તાવાર જાણ કરવામાં આવતી નથી. ચુપચાપ ટીમો સર્વે કરી રિપોર્ટ રજૂ કરી દે છે. જેના આધારે તમામ શહેરોને ક્રમાંક આપવામાં આવે છે. ગત વર્ષે સફાઇમાં દેશનું સાતમા નંબરનું સૌથી સ્વચ્છ શહેર રહેનાર રાજકોટ આ વખતે પોતાના પ્રદર્શનમાં સુધારો કરી શકશે કે પછી પ્રદર્શનમાં ઘટાડો નોંધાશે તે બાબત પરથી જ્યારે રેન્કિંગ આપવામાં આવશે ત્યારે પડદો ઉંચકાશે.