ચીનના વુહાનમાંથી જગ જાહેર થયેલાં કોવિડ-19 જન્ય કોરોના સમગ્ર વિશ્ર્વને આંટો લઇ ચુક્યો છે. હજુ કોરોના ક્યારે સંપૂર્ણપણે કાબૂમાં આવે તે કંઇ નક્કી નથી. પણ એક વાત તો સ્વીકારી લેવી જ પડે કે આ વાઇરસ જલ્દીથી માનવ જાતનો પીછો છોડે તેમ નથી. કાચિંડાની જેમ રંગ બદલતા એક પછી એક નવાં વેરિયન્ટ સામે આવી રહ્યાં છે. વળી આ રોગના લક્ષણો અને સારવારની પધ્ધતિથી લઇને સુરક્ષા કવચ જેવી રસીમાં પણ સતત પણે બદલાવ અને નવાં સંશોધનોની આવશ્યકતા ઉભી થતી રહે છે.
કોરોનાની શરૂઆત થઇ ત્યારે આ વાઇરસ સપાટી પરથી માનવ શરીરમાં પ્રવેશતું હોવાનું માન્યતા હતી. જો વાઇરસનો સ્પર્શ ન થાય અને તે મોઢા, નાક અને આંખ સુધી ન પહોંચે તો ચેપ ન લાગે, ત્યાર પછી વાઇરસ હવાના સંક્રમણમાં ફેલાતો હોવાનું અને હવે વાઇરસ બહારથી નહીં પરંતુ શરીરની અંદર જ વિકસિત થતું હોવાની શક્યતાની સાથેસાથે રસીની બનાવટ અને અસરકારતા પર નવા સંશોધનો બહાર આવ્યાં. અત્યાર સુધી ઇન્જેક્શન વાટે અપાતી રસી હવે વગર ઇન્જેક્શને અને સીધી જ ડી.એન.એ. પર અસર કરતી બનાવવાની શોધ આગળ વધી રહી છે.
કોરોનાના એક પછી એક નવા સ્વરૂપ સામે આવી રહ્યાં છે જેની સાથે રસીની અસરકારકતાને ચકાસતું રહેવું અનિવાર્ય બન્યું છે. પ્રથમ અને બીજી લહેર પછી હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે જો સુરક્ષિત રહેવું હોય તો રસીમાં બુસ્ટર ડોઝ લેવા પડશે. પ્રથમ તબક્કાની લહેરમાં કોરોનાના મારણ માટે ઇમ્યુનિટી પાવર, રોગ પ્રતિકારકશક્તિ અનિવાર્ય માનવામાં આવતી હતી. પરંતુ કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા સામે હવે એન્ટીબોડી પણ બે અસર બની ગઇ છે. કોરોનાને મ્હાત આપવા કઇ રસી લેવી ?
તે હજુ નક્કી નથી ત્યાં કંઇ રસીના કેટલા ડોઝ લેવા તે પ્રશ્ન પણ ઉભો થયો છે. ઘણાં લોકોએ પ્રથમ ડોઝ લેવાનું પણ ટાળ્યું છે. હવે સંજોગો એવાં ઉભા થયા છે કે કોરોનાનો નવો ડેલ્ટા વેરિયન્ટ એન્ટીબોડી પ્રતિકારક ક્ષમતા વિકસાવી ચુક્યો છે. શરીરમાં એન્ટીબોડી કેટલા સમય સુધી અસરકારક રહી શકે તેનો પણ વૈજ્ઞાનિકોને હજુ તાગ મળ્યો નથી, કોરોના ભારે હઠીલો સાબિત થતો જાય છે. રસી અને દવાના મારણ સામે નવા-નવા રૂપરંગ સાથે પ્રતિકાર ક્ષમતાનો વિકાસ કરવામાં ‘કાબો’ પૂરવાર થતો રહેતો કોવિડ-19 વાઇરસ સંપૂર્ણપણે ક્યારે અને કેવી રીતે કાબૂમાં આવશે તે હજુ નિશ્ર્ચિત નથી.
કોરોનાના નવા બદલતા રૂપમાં વેક્સીનેશનની માત્રા અને તેને સંપૂર્ણપણે અસરકારક બનાવવા માટે શું પગલાં લેવા જોઇએ તે હજુ સ્પષ્ટ થયું નથી. કોરોનાના પ્રારંભમાં હાથ ધોવાની સાવચેતી, ત્યાર પછી એક માસ્ક, પછી બે માસ્ક, ચીવટથી રસીકરણનો ડોઝ, પછી 1,2,3 ડોઝ, એન્ટીબોડી વિકસાવાથી કોરોનાને મ્હાત આપી શકાય હવે કોરોના એન્ટીબોડીને ગાંઠતો નથી. રસીના એક વધુ ડોઝ જરૂરી બન્યા છે. આમ કોરોનાના નવા બદલાતારૂપને વેક્સીનેશન કેવી રીતે કારગત નીવડે તે હજુ નક્કી નથી. ત્યારે કોરોના સામે લાંબી લડાઇ લડવા માટે તૈયાર રહેવાનું એ વાત નક્કી છે.