કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી
અબતક, સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો
કોકોનટ થિયેટર પ્રસ્તુત ચય્વાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન 3માં ગઈકાલે ગુજરાત રાજ્ય નાટ્ય એકેડેમી દ્વારા સન્માનિત તથા રંગમંચના વરિષ્ઠ કલાકાર દિનકર ઉપાધ્યાય લાઈવ સેશનમાં આવ્યા હતા. દિનકરભાઇ એ પોતાના વક્તવ્યની શરૂઆત કરતા પહેલા હિન્દી ફિલ્મ જગતના લેજેન્ડ કહેવાતા ટ્રેજેડી કિંગ દિલીપકુમાર સાહેબને શ્રદ્ધાંજલિ આપી. અને એમના વિષય રંગમંચ પર પ્રગતિ એ વિશે વક્તવ્યની શરૂઆત કરતાં જણાવ્યું કે કહેવાય છે કે કલાકાર જન્મજાત હોય છે. પણ એવું નથી, દરેક વ્યક્તિ કલાકાર છે એમ ન કહી શકાય. કલાકાર બનવા માટે ઘડાવું પડે, મહેનત કરવી પડે, ઘણી વાતો શીખવી પડે. ત્યારે માણસ કલાકાર બને છે.
જીવનમાં સારું ઘડતર આવશ્યક છે અને હું આજે તમારી સાથે મારા ઘડતરની જ વાત શેયર કરીશ. મારા કુટુંબમાં સાત પેઢી સુધી નાટકને કોઈ સંબંધ નહીં. પિતાજી સુરેન્દ્રનગર પાસેના ગામડામાં રહેતા ત્યાંથી કામકાજ લીધે અમદાવાદ શહેરમાં રહેવા આવ્યા. સૌ પ્રથમ 1952માં નાટક સાથે જોડાવાની તક મળી. સ્કુલના એક નાટકમાં અનાથ આશ્રમના બાળકો સાથે ટોળામાં ભજન ગાતા નીકળવાનું દ્રશ્ય હતું. ગાવાનાં શોખીન દિનકર ભાઈએ જણાવ્યું કે કોલેજમાં પણ નાટક સાથે કાઈ લેવા દેવા નહોતા . પણ એક બેલે સંગીત નાટક દરમ્યાન પંદર માંથી બાર ગીતો લાઈવ ગાવાનાં હતા. એ પ્રયોગમાં સફળતા મળી. કામ વખણાયું. નાટય ફેસ્ટિવલમાં ’કોઈના લાડકવાયા’ નાટકનાં રીહર્સલ જોવા ગયો હતો અને સદનસીબે એમાં ઇન્સ્પેક્ટરનું પાત્ર મળ્યું. નાટક ફેસ્ટીવલમાં પ્રથમ આવ્યું. માં સન્માન મળ્યું અને નાટકો કરવાનું નક્કી કર્યું. ત્યારબાદ કોલેજના નાટકમાં અભિનય કર્યો અને નાટ્ય સફરની શરૂઆત થઇ.
નાટકમાં જેમ સારા અનુભવ થાય એમ મને ખરાબ અનુભવ પણ થયા એ વાત વિસ્તારથી જણાવતા દિનકર ભાઈએ કહ્યું કે કોલેજના એક ફેસ્ટીવલ દરમ્યાન મારા બદલે કોઈ બીજા કલાકારને ચાન્સ મળ્યો એ નાટકમાં મેં વૃદ્ધ નું પાત્ર કર્યું નાટક પૂરું થયા બાદ મેં પ્રોફેસર સાહેબને પૂછ્યું કે કેવું લાગ્યું નાટક ? મારો અભિનય ? પ્રોફેસર સાહેબે જવાબ આપ્યો..ઠીક છે..થઇ ગયું નાટક..ઇનામ મળે તો જણાવજો..નહી તો ઘરે જઈને સુઈ જજો..આ વાત મનમાં લાગી આવી. બધા ચાલ્યા ગયા અને હું ત્યાં જ રોકાયો રાત્તે અઢી વાગ્યે રીઝલ્ટ ડિક્લેર થયું અને અમારા નાટકને પ્રથમ નંબર મળ્યો અને સાથે દિનકર ઉપાધ્યાય એટલે કે મને બેસ્ટ કલાકાર તરીકે સન્માન મળ્યું બીજે દિવસે પ્રોફેસરને વાત કરી તો એમના વાત કરવાની ઢબ બદલાઈ ગઈ અને મારા વખાણ કર્યા પણ એ દિવસે મનમાં લાગી આવ્યું અને નક્કી કર્યું કે નાટકમાં જ કઈક કરીને દેખાડવું છે. અને મહેનત અને ખંત સાથે આગળ વધતો ગયો.
દિનકર ભાઈ આજે પોતાના અનુભવોની ખૂબ જ સારી માહિતી આપી જે આવનારી પેઢી ના નવા યુવાનોને માર્ગદર્શન આપી શકે છે તેમણે પોતાના વિદેશ પ્રવાસ વિશેના પણ અનુભવો જણાવ્યા જે ખરેખર જાણવા જેવા છે. નવી જનરેશનને દિનકરભાઇ એ ખાસ સૂચન કર્યું કે કલાકાર રાતોરાત નથી થઈ જવાતું એ માગે છે ડેડીકેશન, પેશન, ધીરજથી મહેનતથી આગળ વધો ત્યારે જ સફળતા મળે છે, ધગશ અને ઈચ્છા શક્તિ વગર કલાકાર નથી બનાતું. દિનકર ભાઈએ પોતાના જીવનની વાતોની સાથે સાથે માનવંતા દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો દિનકરભાઈનું આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છો.
આજે સાંજે જાણીતા દિગ્દર્શક ધર્મેશ મહેતા લાઈવ
ગુજરાતી રંગભૂમિમાં નાટ્ય દિગ્દર્શન ક્ષેત્રે બહુ મોટુ નામ ધરાવતા જાણિતા દિગ્દર્શક ધર્મેશ મહેતા કોકોનટ થિયેટરની ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે લાઈવ આવીને ‘40 વર્ષને 40 નાટકો’ વિષયક પોતાના અનુભવો શેર કરશે. ધર્મેશ મહેતાને ટ્રાન્સ મીડિયા એવોર્ડથી સન્માનીત કરાયા હતા. ગુજરાતી તખ્તા સાથે છેલ્લા ઘણા વર્ષોથી સંકળાયેલા ધર્મેશભાઈ ઘણા ઉમદા નાટકો આપ્યા છે. એકેડેમીક સેશનમાં ઘણા ગુજરાતી કલાકારોને સાંભળીને યુવા કલાકારો આ શ્રેણીથી ઘણુ શીખી રહ્યા છે.