રાતા સમુદ્રમાં હુથી વિદ્રોહીઓના હુમલા અટકી રહ્યા નથી. ફરી એકવાર હુથી બળવાખોરોએ અમેરિકાના સંરક્ષણ સાધનોનું વહન કરતા જહાજને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો. તેઓએ એક પછી એક 3 મિસાઇલો છોડી. જોકે, હુમલાનો આ પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
ત્રણ મિસાઈલો છોડી, એક મિસાઈલ મીસફાયર થઈ, બીજી બેને એન્ટી મિસાઈલ સિસ્ટમે તોડી પાડી
મળતી માહિતી મુજબ, અમેરિકન જહાજે 24 જાન્યુઆરીએ બપોરે 2 વાગ્યે એડનની ખાડીને પાર કરી હતી. આ જહાજ પર અમેરિકન ધ્વજ હતો. અચાનક જ એક પછી એક 3 બેલેસ્ટિક મિસાઈલો જહાજ તરફ આવી. એક મિસાઈલ દરિયામાં પડી. એન્ટિ-મિસાઇલ સિસ્ટમ દ્વારા બે મિસાઇલોને તોડી પાડવામાં આવી હતી. અમેરિકન જહાજને કોઈ નુકસાન થયું ન હતું.
આ પહેલીવાર નથી કે જ્યારે યમનના વિદ્રોહી સંગઠને સમુદ્રમાં જહાજને નિશાન બનાવ્યું હોય. તાજેતરમાં, હુથી બળવાખોરોએ દાવો કર્યો હતો કે તેમના નૌકાદળના એકમે એડનની ખાડીમાં એક અમેરિકન જહાજ પર મિસાઇલ હુમલો કર્યો હતો. આ પછી અમેરિકાએ યમનમાં હુતી ઠેકાણાઓ પર હવાઈ હુમલા પણ કર્યા. યુનાઈટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડે કહ્યું હતું કે જહાજને કોઈ નુકસાન થયું નથી અને કોઈને ઈજા થઈ નથી.