ઈન્ફ્રાસ્ટ્રકચર સિવાયના ક્ષેત્રનાં ફાયનાન્સમાં જોવા મળી રૂપીયાની તંગી રિઝર્વ બેંકના આ નિર્ણયથી દૂર થશે: આર્થિક નિષ્ણાંતોનો મત
દેશના આર્થિક ક્ષેત્રમાં જોવા મળી તંગીની સ્થિતિને કાબુમાં લેવા મોદી સરકારે રૂપીયાને ધબકતો કરીને તરળતા વધારવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે રિઝર્વ બેંક ઓફ ઈન્ડીયાએ ગઈકાલે હાઉસીંગ અને નોન બેંકીંગ ફાયનાન્સમાં ઉપાડ મર્યાદાની સીમા સુવિધામાં આગામી ત્રણ માસ માટે વધારો કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી મુડી ભંડોળના ૧૦ ટકા સુધીની ઉપાડ મર્યાદા હતી તે વધારીને ૧૫ ટકા કરવામાં આવી છે.
આ સુવિધા ૩૧ ડીસેમ્બર સુધી માન્ય હતી તેમાં ત્રણ માસનો વધારો કરીને ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. આ અંગે આરબીઆઈએ બહાર પાડેલા એક જાહેરનામામાં જણાવ્યું હતુ કે ઉપર અનુસાર બેંકોને નોન બેંકીંગ અને હાઉસીંગ ફાયનાન્સ ક્ષેત્રમાં ધિરાણ આપવા માટે વધુ સરળ નીતિ બનાવવામાં આવી હતી. તેનો ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે. ઉપરાંત ૧૦ ટકા ધિરાણની મર્યાદાને વધારીને ૧૫ ટકા સુધી ધિરાણ આપી શકાશે.
આ નવી સમયમર્યાદાના કારણે બેંક તેના મૂડી ભંડોળના ૧૫ ટકા સુધીની રકમ ચોકકસ નોન બેંકીંગ ફાયનાન્સ કંપની અથવા હાઉસીંગ ફાયનાન્સ કંપનીને લોન આપી શકે છે. રિઝર્વ બેંકના આ નવા નિર્ણયના કારણે ઈન્ફ્રાસ્ટકચર સિવાયના ફાયનાન્સ ક્ષેત્રમાં રૂપીયાની તરલતા વધશે. આઈએલ એન્ડ એફએસ ગ્રુપ કંપનીએ દેવાળુ ફૂંકયા બાદ માર્કેટમાં રૂપીયાની તરલતાની જોવા કમીમાં બહાર આવવા આ નિર્ણય મહત્વપૂર્ણ પૂરવાર થશે તેવો આર્થિક વિશ્લેષકોએ પોતાનો મત રજૂ કયો હતો.