ગ્રાહકોએ ગેસ સિલિન્ડરની સબસિડીના જ ભાવ ચુકવવાના રહેશે: એલપીજી સબસિડી યોજનામાં મોટા ફેરફારો
મોંઘવારીની મહામારીને કારણે રાંધણગેસના ભાવમાં પણ વધારો થતા ગૃહિણીઓના બજેટ પર અસર થઈ હતી.જેને જોતા સરકારે રાંધણગેસમાં સબસિડીની રકમ ગ્રાહકના ખાતામાં જમા કરવાની વ્યવસ્થામાં ફેરફારો કર્યા છે.
વર્તમાન સમયની યોજના મુજબ રાંધણગેસના ૧૨ સિલિન્ડર ગ્રાહકને મળતા હતા જેમાં ડિલીવરી સમયે સબસિડી વગરની જે કિંમત હોય તે ગ્રાહકોએ ચુકવવી પડતી હતી અને સબસિડીની રકમ ગ્રાહકોના બેંક ખાતામાં જમા કરવામાં આવતી હતી પરંતુ સિલિન્ડરના ભાવ ઉંચા હોવાના કારણે ગરીબ ગ્રાહકોને રાંધણગેસ પરવડે તેમ ન હતું ત્યારે સબસિડીની વ્યવસ્થામાં સરકારે ફેરફારો કરતા રાંધણગેસની પુરી રકમ ગ્રાહકને ચુકવી પડશે નહીં પણ તેને બદલે સબસિડાઈઝ રકમ જ આપવાની રહેશે માટે ગ્રાહકોએ વધારાનું રોકાણ કરવાની આવશ્યકતા રહેશે નહીં.
પેટ્રોલિયમ મંત્રાલય ગેસ સિલિન્ડરના ભાવ વધારા અંગે નવી પ્રક્રિયાની અમલવારી ટુંક સમયમાં જ કરવા અંગે મહત્વનો નિર્ણય લેતા ગેસ સબસિડી માટે નવું સોફટવેર બનાવવાની તૈયારી બતાવી છે. જેના ભાગરૂપે ગ્રાહકોએ સિલિન્ડરની માત્ર સબસિડીની જ કિંમત ચુકવવાની રહેશે.
એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, નવી ડીબીટી યોજના અંતર્ગત ગેસનું બુકિંગ કરાવ્યા બાદ ગ્રાહકોના મોબાઈલ પર એસએમએસ મારફતે કોડ મોકલવામાં આવશે. સિલિન્ડર મેળવ્યા બાદ ડિલિવરી સમયે ગ્રાહકોએ કોડ બતાવવાનો રહેશે ત્યારબાદ જ સરકાર સબસિડીની રકમ ગ્રાહકોના બેંક એકાઉન્ટમાં જમા કરશે. એવામાં ગ્રાહકોએ ફકત ગેસ સિલિન્ડરની સબસિડીના જ ભાવ ચુકવવાના રહેશે.