દેશમાં જેમ દરેક વ્યક્તિની બાયોમેટ્રિક ઓળખ બનાવવા માટે આધાર કાર્ડ આપવામાં આવ્યાં છે તેમ હવે લોકોનાં મકાનને પણ ચોક્કસ આઈડી નંબર આપવામાં આવશે. યુનિક ડિજિટલ નંબરિંગ સિસ્ટમથી તમામ મકાનોને ચોક્કસ ઓળખ અને લોકેશન આપવામાં આવશે. આ નંબર દ્વારા જીપીએસની મદદથી દરેક ઘરનું લોકેશન શોધી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી મિશન પ્રોજેક્ટ હેઠળ આ યોજના લાગુ કરવામાં આવશે. આ માટે દેશમાં સૌથી પહેલાં બેંગલોરની પસંદગી કરી છે. શહેરનાં દરેક મકાનને આઠ આંકડાનો એક નંબર આપવામાં આવશે. તેને સ્ટાન્ડર્ડાઇઝ ડિજિટલ એડ્રેસનંબર પણ કહેવામાં આવશે. તેને આધાર કાર્ડનાં માધ્યમથી તમારા ઘરનાં એડ્રેસ સાથે જોડવામાં આવશે, તેની મદદથી જીપીએસ ઘરનું ચોક્કસ લોકેશન શોધી શકશે.
નંબર જોડયા બાદ લોકેશન ઓટોમેટિક મળી જશે
બેંગલોરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટના નોડલ અધિકારી મુરલીધરે જણાવ્યું કે, આ રીતે તમામ એડ્રેસને યુનિક નંબર સાથે લિન્ક કરીને જાહેર કરવામાં આવશે. ડિજિટલ નંબર એક વખત જીપીએસ સિસ્ટમ સાથે જોડાશે પછી તેઓ પોતાની રીતે જ જીપીએસમાં ટેગ થવા લાગશે. ગૂગલ મેપ પર આ તમામ એડ્રેસ ખૂબ જ સરળતાથી શોધી શકાશે. હાલમાં બેંગલોરને પસંદ કરવામાં આવ્યું છે. બાદમાં આ પ્રોજેક્ટને વિસ્તારવામાં આવશે.
ટુ ટાયર સિટીને કનેક્ટ કરાશે
અધિકારીએ વધુ જણાવ્યું કે, બેંગલોર મહાનગરપાલિકા અને ડેવલપમેન્ટ ઓથોરિટીના વિસ્તારમાં આવતી તમામ ખાલી જમીનોને નંબર આપીને તેનું જોડાણ કરવામાં આવશે. આ રીતે જમીનના માલિક, ટેક્સ કે અન્ય કોઈ લેણાં અથવા બોજા હશે તો તેની માહિતી મળશે. શરૂઆતમાં બે લાખ મકાનોને આ નંબર આપવામાં આવશે, ત્યારબાદ બીજા વિસ્તારનાં મકાનોને પસંદ કરવામાં આવશે. સરકાર ટુ ટાયર સિટીનાં દરેક મકાનોને આ રીતે કનેક્ટ કરશે.
લોકો કશું જ છુપાવી નહીં શકે
સૂત્રોના મતે આ તમામ નંબરોને કોર્પોરેશન સાથે પણ જોડવામાં આવશે. તેના દ્વારા ખ્યાલ આવી જશે કે કોણે પ્રોપર્ટીટેક્સ નથી ભર્યો કે કોનો કેટલો ટેક્સ બાકી છે. આ ઉપરાંત વીજ અને પાણીનાં કનેક્શન અને સમસ્યાઓની પણ સીધી માહિતી મેળવી શકાશે. મકાનમાલિક ઉપર કોઈ ટ્રાફિક ડયૂ હશે તો તેની માહિતી પણ તંત્રને મળી જશે. તમામ મકાનો અને શેરીઓ તથા રસ્તાને ચોક્કસ નંબર આપી દેવામાં આવશે, જેમ વાહનોનાં ચોક્કસ રજિસ્ટ્રેશનનંબર છે તેમ આ નંબર આપીને તેને સિસ્ટમ સાથે જોડી દેવાશે.