યાંત્રીક ધંધાર્થીઓની શાન ઠેકાણે આવી, બધી કેટેગરીમાં ઢગલો ફોર્મ ઉપડયા: કુલ ૧૬૮૦ ફોર્મ પરત
આગામી તા.૧લી સપ્ટેમ્બરથી શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનારા લોકમેળાના ફોર્મ વિતરણના છેલ્લા દિવસે ગઈકાલે તંત્રને તડાકો બોલી ગયો હતો અને સિન્ડીકેટ કરનારા યાંત્રીક આઈટમોના ધંધાર્થીઓએ પણ મોટી સંખ્યામાં ફોર્મ ઉપાડી જમા પણ કરાવી દેતા લોકમેળામાં હાઉસફૂલ જેવી પરિસ્થિતી સર્જાઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ જન્માષ્ટમી લોકમેળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકમેળા સમીતી દ્વારા જુદી જુદી કેટેગરીમાં કુલ ૩૪૭ સ્ટોલ માટે તા.૨૧ જુલાઈથી ફોર્મ વિતરણ શરૂ કરાયું હતું. પરંતુ ૩૦ જુલાઈ સુધી યાંત્રીક આઈટમોના ધંધાર્થીઓએ સિન્ડીકેટ રચી ફોર્મ ન ઉપાડતા તંત્રએ ૩૧મી પૂર્ણ થતી મુદત વધારવા તજવીજ શરૂ કરી હતી. જો કે, ગઈકાલ સાંજ સુધીમાં જ સિન્ડીકેટ તૂટતા યાંત્રીક આઈટમોમાં થઈ કેટેગરીમાં ૨૦, એફમાં ૨૦, જીમાં ૨૦, એમમાં ૨૧ સહિતની કેટેગરીઓમાં મોટી સંખ્યામાં ફોર્મ ઉપડયા હતા.
બીજી તરફ રમકડા સહિતની કેટેગરીમાં ધંધાર્થીઓએ અગાઉથી જ ૧૩૪૦થી વધુ ફોર્મ ઉપાડયા હતા. તેમજ અન્ય કેટેગરીમાં પણ મોટા પ્રમાણમાં ફોર્મ ઉપડયા બાદ જમા પણ થઈ ગયા હતા. લોકમેળો ૨૦૧૮ અન્વયે ૩૪૭ સ્ટોલ સામે ૧૬૮૦થી વધુ ફોર્મ પરત પણ આવી જતાં છેલ્લી ઘડીએ તંત્ર દ્વારા ફોર્મ વિતરણની મુદત લંબાવવામાં આવી નથી. હવે આગામી સપ્તાહી તંત્ર દ્વારા ડ્રો સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.